Aapnu Gujarat
ગુજરાત

બાર કાઉન્સીલ ચૂંટણી માટે હજુ સુધી ૭૫ ફોર્મ ભરાયા

વકીલોની માતૃસંસ્થા એવી ગુજરાત બાર કાઉન્સીલની ખૂબ જ મહત્વની અને અત્યંત પ્રતિષ્ઠાભરી ગણાતી એવી ચૂંટણી તા.૨૮મી માર્ચે યોજાવાની છે ત્યારે બાર કાઉન્સીલની આ ચૂંટણી માટે અત્યાર સુધીમાં ૭૫ ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્ર ભરી વિધિવત્‌ ઉમેદવારી નોંધાવી છે. હજુ તા.૧૫મી ફેબ્રુઆરી સુધી ચૂંટણીમાં ઝંપલાવવા ઇચ્છતા ઉમેદવારો પોતાના ફોર્મ ભરી શકશે. જયારે તા.૨૨મી ફેબ્રુઆરી ઉમેદવારીપત્ર પાછુ ખેંચવાની છેલ્લી તારીખ છે. ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીને લઇ સમગ્ર રાજયના વકીલઆલમમાં ચૂંટણીનો માહોલ છવાયો છે ત્યારે આ ચૂંટણીમાં કોઇ ગંભીર ગેરરીતિ ના થાય કે નિષ્પક્ષ અને તટસ્થ રીતે ચૂંટણી યોજાય તે માટે સમગ્ર ચૂંટણીનું વીડિયો રેકોર્ડિંગ કરાવવા અને પોલીંગ સ્ટેશનો પર સીસીટીવી કેમેરા લગાવવાની વ્યવસ્થા કરવા ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ ઉગ્ર માંગણી કરી છે. ગુજરાત બાર કાઉન્સીલના ૨૫ સભ્યોની પ્રતિષ્ઠાભરી ચૂંટણી તા.૨૮મી માર્ચે યોજાનાર છે, તેને લઇને રાજયભરના વકીલઆલમમાં ભારે ઉત્સાહ અને ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે. દર પાંચ વર્ષે યોજાતી આ ચૂંટણી વકીલઆલમ માટે ખૂબ જ મહત્વની અને અત્યંત પ્રતિષ્ઠાભરી ગણાતી હોય છે. આ ચૂંટણીમાં વેરીફિકેશન ફોર્મ ભર્યા હોય તેવા અને ૨૦૧૦ પછીની બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની ઓલ ઇન્ડિયા લેવલની પરીક્ષા પાસ કરી હોય તેવા આશરે ૫૦ હજાર જેટલા વકીલ મતદારો મતદાન કરી શકશે. ગુજરાત બાર કાઉન્સીલના આ ૨૫ સભ્યોની ચૂંટણીની બીજી એક નોંધનીય વિશેષતા એ છે કે, તેમાં પ્રેફરેન્શીયલ પધ્ધતિથી મતદાન કરવાનું હોય છે. એટલે કે, વકીલ મતદારો તેમની પસંદગીના ક્રમ પ્રમાણે એકથી લઇ ૨૫ સુધીના મતો આપી શકે છે અને પ્રેફરેન્શીયલ મતદાન હોઇ તેની મતગણતરી પણ ઘણી અટપટી અને લાંબી હોય છે. તેથી જ બાર કાઉન્સીલની આ ચૂંટણીનું પરિણામ આવતા લગભગ પાંચથી છ દિવસનો સમય લાગી જતો હોય છે. તા.૨૮મી માર્ચે યોજાનારી બાર કાઉન્સીલની આ ચૂંટણીની મતગણતરી તા.૩૦મી માર્ચથી શરૂ થઇ જશે. પ્રેફરેન્શીયલ વોટીંગનું કાઉન્ટીંગ બહુ મહત્વનું હોઇ મતગણતરીની જવાબદારી પણ ગુજરાત યુનિવર્સિટીના સ્ટેસ્ટેટીક્સ વિભાગના અધિકારીઓને સોંપવામાં આવી છે કે જેથી તટસ્થ અને નિષ્પક્ષ મતગણતરી હાથ ધરી શકાય. ગુજરાત બાર કાઉન્સીલની આ વખતની ચૂંટણીમાં અત્યારસુધીમાં વકીલો માટે હંમેશા કલ્યાણકારી કાર્યો કરનાર વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા સહિત ચાર પૂર્વ ચેરમેનોએ આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. અત્યારસુધીમાં ૭૫ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. રાજયના ૧૩૮ પોલીંગ સ્ટેશનો પર વકીલ મતદારો મતદાન કરી શકે તેવું આયોજન કરાયું છે. ગુજરાત બાર કાઉન્સીલની આ અત્યંત મહત્વની ચૂંટણીમાં મતદાન દરમ્યાન કોઇ ગેરરીતિ ના થાય કે, અનિચ્છનીય બનાવ ના બને અને નિષ્પક્ષ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે હેતુથી સમગ્ર ચૂંટણીનું વીડિયો રેકોર્ડીંગ કરાવવા અને તમામ પોલીંગ સ્ટેશનો પર સીસીટીવી કેમેરા લગાવવા પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ ઉગ્ર માંગણી કરી હતી. બીજીબાજુ, બાર કાઉન્સીલની આ ચૂંટણીને લઇ ઉમેદવારો દ્વારા પોતાનો ચૂંટણી પ્રચાર અને પ્રસાર વેગવંતો અને અસરકારક બનાવી દીધો છે.

Related posts

મોદીના કાફલાની તપાસ કરનાર અધિકારીને શા માટે સસ્પેન્ડ કરાયા..? : અહેમદ પટેલ

aapnugujarat

अहमदाबाद शहर की विभिन्न पोल में २३ मकानों को सील किया गया

aapnugujarat

૨૦૨૨ સુધી કચ્છને પાણી સમસ્યાથી મુક્ત કરીશું : રૂપાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1