Aapnu Gujarat
ગુજરાત

ઓપરેશનના દાવાની બાકી રકમ ગ્રાહક ફોરમે અપાવી

શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા એક સિનિયર સીટીઝન વૃધ્ધાને મેડિકલેઇમ પોલિસી ચાલુ હોવાછતાં મોતિયાના ઓપરેશન દરમ્યાન થયેલા ખર્ચની દાવાની પૂરતી રકમ નહી ચૂકવાતાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખ દ્વારા આ વૃધ્ધાને ન્યાય અને વળતર અપાવવા અમદાવાદ શહેર એડિશનલ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણીના અંતે ફોરમના પ્રમુખ ડી.બી.નાયક અને સભ્યો શ્રીમતી કે.એસ.નાણાવટી અને કે.પી.મહેતાએ ફરિયાદ પક્ષની ફરિયાદ મંજૂર કરી તા.૧૭-૨-૨૦૧૬થી દાવાની બાકી રકમ રૂ.૨૬,૨૫૦ આઠ ટકા ચઢતા વ્યાજ સાથે અને ખર્ચના રૂ.ત્રણ હજાર અલગથી ફરિયાદીને ચૂકવી આપવા ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપનીને ફરમાન કર્યું હતું. કેસની સુનાવણી દરમ્યાન સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ફોરમનું એક મહત્વના કાયદાકીય મુદ્દા પર ધ્યાન દોર્યું હતું કે, વીમાકંપનીઓ રીઝનેબલ, કસ્ટમરી અને સ્ટાન્ડર્ડ ચાર્જીસના મનસ્વી અર્થઘટન કરી નિર્દોષ વીમાધારકોની દાવાની રકમ પર કાતર ફેરવી કાઢતા હોય છે. રીઝનેબલ અને કસ્ટમરી શબ્દનો અર્થ દરેક વ્યકિત, હોસ્પિટલ અને ડોકટર વગેરે પ્રમાણે અલગ-અલગ હોય છે. પોલિસીની ટર્મ્સ એન્ડ કન્ડીશનમાં પણ રીઝનેબલ કે સ્ટાન્ડર્ડ ચાર્જીસના કોઇ ચોક્કસ દરો કે અર્થઘટનની વ્યાખ્યા પણ સ્પષ્ટ કરાઇ નથી. આ સંજોગોમાં નિર્દોષ વીમાધારકોને આવા શબ્દોના અર્થઘટનનો સ્વાભાવિક રીતે જ કોઇ ખ્યાલ ના હોય પરંતુ તેનો ફાયદો વીમાકંપનીઓ ઉઠાવી વીમાધારકોને અધૂરો કલેઇમ ચૂકવતા હોય છે. પ્રસ્તુત કેસમાં પણ આવું જ થયું છે અને સામાવાળી વીમાકંપનીએ ખોટી રીતે પોલિસી કલોઝ લાગુ પાડી તેની સેવામાં ખામી રાખી છે તે સ્પષ્ટ થાય છે. ફોરમે આ દલીલો ગ્રાહ્ય રાખીને જ ફરિયાદ મંજૂર કરી દીધી હતી અને વીમા કંપનીના બચાવને ધરાર ફગાવી દીધો હતો. વીમા કંપનીઓ દ્વારા આડેધડ વીમાધારકોની દાવાઓની રકમ પર કાતર ફેરવાતી હોય છે અને તેઓ મૂંગામોંઢે વીમાકંપનીઓનો આવો અન્યાય સહન કરતા હોય છે ત્યારે શહેર એડિશનલ ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો આ ચુકાદો અન્ય વીમાધારક અને ફરિયાદીઓ માટે પણ ઘણો ઉપયોગી અને માર્ગદર્શક બની રહે તેમ છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખ દ્વારા ઓરીએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની વિરૂધ્ધ દાખલ કરેલી ફરિયાદમાં એવી મહત્વની દલીલો રજૂ કરી હતી કે, વેજલપુર વિસ્તારમાં રહેતા સીનીયર સીટીઝન કુંદનબાળા એમ.પટેલ ઓરીએન્ટલ ઇન્શ્યોરન્સ કંપનીની રૂ. છ લાખની મેડિકલેઇમ પોલિસીના કવચથી સુરક્ષિત હતા અને વર્ષોથી નિયમિત પ્રીમીયમ ભરી પોલિસી રિન્યુ પણ કરાવતા હતા. દરમ્યાન ગત તા.૮-૧-૨૦૧૬ના રોજ કુંદનબહેને ડાબી આંખમાં મોતિયાની તકલીફ ઉભી થતાં આઇ કેર સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું અને તે પેટે કુલ રૂ.૬૩,૩૦૧નો ખર્ચ કર્યો હતો. બાદમાં તેનો દાવો વીમા કંપનીમાં રજૂ કર્યો હતો. પરંતુ આશ્ચર્ય વચ્ચે વીમાકંપનીએ માત્ર રૂ.૩૭,૦૫૧ જેટલી રકમ જ કુંદનબહેનના ખાતામાં બારોબાર જમા કરાવી રૂ.૨૬,૨૫૦ રકમ ખોટી રીતે કાપી લીધી હતી. વીમાકંપનીએ રીઝનેબલ ચાર્જીસનું અર્થઘટન મળતું નહી હોવાનો બચાવ રજૂ કર્યો હતો પરંતુ મુકેશ પરીખે આ ટેકનીકલ મુદ્દે પણ વીમા કંપનીના બચાવનો છેદ ઉડાડતાં આખરે ફોરમે વીમાધારકોને રાહતકર્તા ઉપરોકત મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો.

Related posts

સુરેન્દ્રનગરના ઠેર-ઠેર ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી

editor

કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવાય તેવી વકી

aapnugujarat

बिग बी पर लगा कविता चोरी करने का आरोप

editor

Leave a Comment

UA-96247877-1