Aapnu Gujarat
બ્લોગ

આસિયાન પર ભારતનો પ્રભાવ

વૈશ્વિક સ્તરે ભારતની ભૂમિકા કઈ રીતે વિસ્તરી રહી છે તે જાણવું હોય તો ગયા સપ્તાહની બે ઘટના મહત્ત્વની છે. પ્રથમ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વિત્ઝરલેન્ડના બર્ફીલા પ્રદેશમાં દાવોસ જઈને વર્લ્ડ ઇકોનોમિક ફોરમના મંચ ઉપરથી વિશ્વના દિગ્ગજ નેતાઓ, વિચારકો અને નીતિ નિર્ધારકોની હાજરીમાં ભારતની મજબૂત રીતે ઊભરી રહેલી છબીને ખૂબ આત્મવિશ્વાસ સાથે રજૂ કરી. એટલું જ નહીં, દુનિયાને તેમણે એવો પણ સંદેશ પાઠવ્યો કે વિશ્વએ કઈ રીતે અને ક્યા માર્ગે ચાલવાની જરૃરત છે, કે જેથી તે વિશ્વ સમુદાય માટે તે લાભકારી બની રહે. વડાપ્રધાનના વક્તવ્યની આંતરરાષ્ટ્રીય મંચ પર ખૂબ પ્રશંસા થઈ છે. ભારતીય વડાપ્રધાનને વૈશ્વિક પરિષદમાં ઉદ્દઘાટન પ્રવચન માટે આમંત્રણ મળ્યંુ એનો અર્થ એ છે કે, વિશ્વ સમુદાય ભારતને હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર એક મહત્ત્વની ભૂમિકામાં જોઈ રહ્યો છે. વધારે મહત્ત્વ એ બાબતનું છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતને એવા સમયે આ મહત્ત્વ મળ્યું છે, જ્યારે વૈશ્વિક રાજકારણમાં અમેરિકાનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે અને ચીનનો પ્રભાવ વધી રહ્યો છે.ભારતના વડાપ્રધાનને ઉદ્દઘાટન પ્રવચન માટે મળેલા આમંત્રણના ઘણા સૂચિતાર્થો છે. પ્રથમ દૃષ્ટિએ જ સમજાય એવી બાબત એ છે કે વિશ્વ સમુદાય ચીનના વધી રહેલા પ્રભુત્વથી ચિંતિત છે. વિશ્વ સમુદાય ચીનથી ચિંતિત હોવાના ચોક્કસ કારણો છે. એક તો ચીન લોકશાહી પદ્ધતિ અને નીતિ નિયમોમાં માનતું નથી અને બીજું, તે પોતાની આર્થિક તાકાત પર આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તમાન એવા કેટલાંય નીતિ-નિયમોને તોડી-મરોડી નાંખવાના પેંતરા રચી રહ્યું છે. એ ઉપરાંત જે દેશો આર્થિક વ્યાપાર ક્ષેત્રે વૈશ્વિકરણની સૈદ્ધાંતિક નીતિ-રીતિ અપનાવવા માટે એક સમયે જ્યારે ભારત જેવા દેશોને સલાહો આપી રહ્યા હતા, તેવા કેટલાક દેશો આજે મુક્ત વ્યાપારની બાબતમાં અવરોધો પેદા કરી રહ્યા છે. વડાપ્રધાને એથી જ વિશ્વના દેશોનું એમ કહીને ધ્યાન દોર્યું હતું કે આપણે જ્યારે વિશ્વને એક પરિવાર જેવો જોડાયેલો જોવા માગીએ છીએ, ત્યારે હજુ રૃઢિચુસ્ત નિયમો દ્વારા વૈશ્વિકરણના હેતુને વિપરીત અસર કરાઈ રહી છે. આ ઇશારો સ્પષ્ટ રીતે ચીનની નીતિઓ સામે હતો. નરેન્દ્ર મોદી માત્ર આટલો ઇશારો કરીને જ અટક્યા નહોતા, તેમણે એ પણ ઉમેર્યું હતું કે ભારત ‘વસુદૈવ કુટુંબકમ’ની ભાવના સાથે આ પ્રકારના પડકારનો સામનો કરવા તત્પર છે. વડાપ્રધાને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ પર દુનિયાભરના અગ્રણી મૂડી રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરીને એવો સંદેશ પણ જરૃર પાઠવી દીધો કે ભારતમાં આર્થિક સુધારાઓની પ્રક્રિયા સતત આગળ વધનાર છે.મૂડી રોકાણકારો માટે વડાપ્રધાનની આ વાત ઘણી મહત્ત્વની બની રહી હશે, કારણ કે વિશ્વના દેશોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે ભારતમાં ચૂંટણીઓ નજીક આવવાની સાથે જ મોટા અને મહત્ત્વના આર્થિક સુધારાઓ અટકી પડે છે અને લોકોને લલચાવે એવી અર્થતંત્રને વિપરીત અસર કરનારી લોકપ્રિય યોજનાઓની જાહેરાતો થવા માંડે છે. જીએસટી અને નોટબંધી જેવાં પગલાંઓ અર્થતંત્રની તંદુરસ્તી માટે છે અને તે નવા ભારતના નિર્માણ માટેની સરકારની કટિબદ્ધતા સૂચવે છે, તેવો સંદેશો પણ વડાપ્રધાનના પ્રવચનમાંથી સાંપડે છે.દાવોસની સફળ યાત્રા જેવો બીજો પ્રસંગ નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમયે ભારતના આસિયાન દેશો સાથેના સંબંધોની રજત જયંતીની ઉજવણીનો રહ્યો. દક્ષિણ-પૂર્વ એશિયાના આ ૧૦ દેશોના વડાઓ પ્રજાસત્તાક પર્વની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા અને ભારત સાથેના તેમના સંબંધોના એક નવા જ અધ્યાયની શરૃઆત થઈ. ભારત અને દક્ષિણ-પૂર્વના કેટલાક દેશો વચ્ચે સાંસ્કૃતિક સ્તરે જોઈએ તો ઘણી સામ્યતાઓ છે. કંબોડિયાનું અંકોરવાટ મંદિર દુનિયાભરમાં પ્રખ્યાત છે, તો ઇન્ડોનેશિયામાં રામ અને રામાયણ સાથે જોડાયેલી બાબતોનો મહત્ત્વપૂર્ણ ઇતિહાસ છે. ઇન્ડોનેશિયાની ઍરલાઇન્સનું નામ ગરુડ છે અને ત્યાંનું ચલણ પણ રૃપિયાના નામે ઓળખાય છે. રામ અને રામાયણ ઉપરાંત બૌદ્ધ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા પણ ભારત અને આસિયાન દેશો વચ્ચેના સંબંધો માટે કડીરૃપ છે. જોકે આવી સામ્યતા હોવા છતાં આસિયાન દેશોમાં લોકો વચ્ચેના સંપર્ક વખાણવાલાયક નથી. આનું કારણ ભાષાનો અવરોધ છે. આ દેશોમાં અંગ્રેજી ભાષાનું ચલણ સાવ ઓછું હોવાથી ભારતીયોનું વલણ આ દેશોની પ્રજા સાથે ઉત્સાહવર્ધક નથી જણાતું. હવે જ્યારે આસિયાન દેશો સાથે સંબંધો વધારવાની પ્રક્રિયા વેગવાન બનાવવાની હોય તો તે અવરોધ દૂર કરવા માટેના પ્રયત્નો થશે, તેવી આશા રાખી શકાય. સમસ્યાઓની બાબત પર નજર કરીએ તો વર્તમાન સમયમાં ભારત અને આસિયાન દેશોની કેટલીક ચિંતાઓ સમાન છે તેવું માની શકાય.આસિયાન દેશો એટલે ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઈલેન્ડ, મ્યાનમાર, બ્રુનેઈ, સિંગાપોર, કંબોડિયા, વિયેટનામ, ફિલિપાઈન્સ અને લાઓસ. આમ જોઈએ તો આ દરેક દેશો સાથે ભારતના દ્વિ-પક્ષીય સંબંધો સારા રહ્યા છે, પરંતુ આસિયાન દેશોના સમૂહ તરીકે જોઈએ તો ભારત પોતે આસિયાનનું સભ્ય જ નથી. આથી ‘આસિયાન’ને ભારતનું આમંત્રણ અને આસિયાન દેશો દ્વારા તેના સ્વીકારનું ભારત માટે વિશેષ મહત્ત્વ છે. આસિયાનના બધા જ દેશો ચીનથી તોબા પોકારી ગયા છે અને એથી જ એમની નજર ભારત તરફ છે. દક્ષિણ-પૂર્વ સમુદ્ર પર પોતાને ફાવે તે રીતે વર્તીને અને પોતાની મહત્ત્વાકાંક્ષી વન બેલ્ટ વન રોડ પરિયોજના દ્વારા બીજા દેશોની પ્રાદેશિક સ્થિરતા અને સાર્વભૌમત્વને અવરોધે તે રીતે આગળ વધી રહેલા ચીનથી આ દેશો ચિંતિત છે, તે સ્પષ્ટ જણાય છે.ભારત અને આસિયાન દેશો વચ્ચે આ વખતે નવી દિલ્હીમાં સંયુક્ત ઘોષણાપત્રમાં જે મુદ્દાઓનો ઉલ્લેખ છે, તેમાં મહત્ત્વની એક બાબત આ સમસ્યાના ઇલાજ રૃપે સમજાય છે. ઘોષણાપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે પ્રાદેશિક અને વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન આંતરરાષ્ટ્રીય કાયદાઓ દ્વારા અને એકબીજાની ભાવનાઓને સન્માન આપીને જ થઈ શકે છે. આનો અર્થ એ છે કે આ બધા જ દેશોએ ભારતની પડખે રહીને ચીનની નીતિ-રીતિ સામેની તેમની ભડાસ કાઢી છે. ચીન માટે આ ચેતવણી સ્વરૃપ છે. વળી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વયં જે રીતે આ દેશોનું ધ્યાન દોર્યું કે ભારત અને આસિયાન દેશોના સંબંધોમાં ક્યાંય જમીનની સરહદોની ક્યાંય સમસ્યા નથી, તે ચીનને ન ગમે તેવી બાબત છે. સંયુક્ત ઘોષણાપત્રમાં આતંકવાદ સામે સાથે મળીને લડવાનો સંકલ્પ પણ છે અને ભારતની આસિયાન દેશો સાથેના સંબંધો વધુ ઘનિષ્ઠ બનાવવાની પ્રાથમિકતા પણ વ્યક્ત થઈ છે. આમ નરેન્દ્ર મોદીએ રજત જયંતી શિખર સંમેલન દ્વારા આસિયાન દેશો સાથેના સંબંધો વધુ ઘનિષ્ઠ બનાવીને એશિયામાં ભારતની ભૂમિકા વધુ દમદાર બનાવવા પ્રયત્ન કર્યો છે. અલબત્ત, આંતરરાષ્ટ્રીય સ્તરે દેશો-દેશો વચ્ચેના સંબંધો અને કૂટનીતિક સ્તરે ચાલતાં સમીકરણો એટલા જટિલ હોય છે કે કોઈ પણ પરિસ્થિતિ રાતોરાત બદલાતી હોતી નથી. દ્વિ-પક્ષીય સંબંધો અને આ પ્રકારે સામૂહિક સ્વરૃપે દેશો-દેશો વચ્ચેના સંબંધોમાં બદલાવની પ્રક્રિયા ખૂબ લાંબો સમય માગી લેતી હોય છે.
મોદી સરકારની વિદેશનીતિ એક રીતે ઘણી પ્રભાવશાળી અને વ્યાપક બનતી જોવા મળી છે, પરંતુ આરંભનો આશાવાદ આગળ જતાં અપેક્ષિત પરિણામ ન આપી શક્યો હોય, તેવા દાખલાઓ પણ મોજૂદ છે. વડાપ્રધાન તરીકેના શપથ લેતી વખતે પ્રથમ દિવસે જ તેમણે પાકિસ્તાન સહિતના પાડોશી દેશોને આમંત્રણ પાઠવેલું અને એ દેશોના વડાઓ હાજર પણ રહેલા, ત્યારે પાકિસ્તાન સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો માટે એક નવી જ આશા જાગેલી. આમ છતાં ટૂંકા સમયગાળામાં જ બંને દેશો વચ્ચે તડાફડીના સમાચાર આવવા લાગેલા. સરહદ પર સૈનિક ઘર્ષણના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા. વિવાદોનો ઉકેલ વાતચીતથી લાવવાની આશા પર પાણી ફરી વળ્યું. ચીનના કિસ્સામાં પણ બંને દેશોના વડાઓની અરસ-પરસ મુલાકાત સુદ્ધાં બાદ સંબંધોમાં સ્પષ્ટરૃપે સકારાત્મક પરિવર્તનની અપેક્ષા ફળીભૂત થઈ રહી નથી. આવું અગાઉની સરકારોના કાર્યકાળ દરમિયાન પણ જોવા મળ્યું છે.
અલબત્ત, આનો અર્થ એ નથી કે આ પ્રકારના શિખર સંમેલનો કે પ્રયત્નો ફળદાયી નથી હોતા, પરંતુ એનાં મીઠાં ફળો પ્રાપ્ત કરવા માટે દાખવવી પડતી ધીરજ પણ કસોટીરૃપ હોય છે. આ માટે જરૃરી હોય છે નીતિઓનું સાતત્ય અને કાર્યદક્ષ વહીવટ.અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૯૧માં તત્કાલીન ભારતીય વડાપ્રધાન નરસિંહ રાવે દાખલ કરેલી આર્થિક ઉદારીકરણની નીતિઓ અઢી દાયકા બાદ પણ આજે સતત અમલમાં છે, જેના કારણે ભારત આર્થિક સ્તરે મજબૂત બનતું રહ્યું છે અને વિશ્વ ફલક પર ભારતનો આજે ડંકો વાગવા લાગ્યો છે. આશા રાખીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની મહેનત અને સરકારના ખંતીલા પ્રયાસો આવનારા સમય દરમિયાન એ જ રીતે વૈશ્વિક સ્તરે ભારતની નેતૃત્વ પૂરી પાડતી ભૂમિકા માટે નક્કર પાયારૂપ વાસ્તવિકતા બની રહે.

Related posts

આજનું જ્ઞાન

aapnugujarat

ટૂંકી વાર્તા

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1