Aapnu Gujarat
બ્લોગ

આગામી બજેટ સરકાર માટે પડકારજનક

આગામી તા.૧લી ફેબ્રુઆરીએ કેન્દ્રની મોદી સરકાર તેનું ૪થુ અને આખરી પૂર્ણકાલીન બજેટ રજૂ કરશે, જે ઘણી બાબતોને લઇ વિશેષ રહેશે. દેશમાં નવી અપ્રત્યક્ષ કર પ્રણાલિ એટલે વસ્તુ તેમ જ સેવા કર(જીએસટી) લાગુ કર્યા બાદ આ પહેલું બજેટ હશે. આ સિવાય ૨૦૧૯માં આવનારી લોકસભા ચૂંટણી અને અન્ય રાજયોની વિધાનસભા ચૂંટણી પહેલાનું આ અકિલા અંતિમ બજેટ હશે. આ જ કારણ છે કે, કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલી માટે લોકોની આશાઓ અને રાજકોષીય અનુશાસન વચ્ચે સંતુલન સાધવાના દ્રષ્ટિકોણથી આ બજેટ કોઇ પડકારથી ઓછુ નથી. આ વખતના બજેટમાં મહત્વના મુદ્દાઓ રહેશે તેની પર નજર નાંખીએ તો, ગ્રામીણ અર્થવ્યવસ્થા આપણી આર્થિક પ્રણાલિનો આધાર છે અને તેમાં નોંધાયેલી ઉદાસીનતા મોદી સરકાર માટે ચિંતાનું કારણ બની છે. ખાસ કરીને ખેડૂતોના દેવા માફીને લઇ ભારે હોડ જામી, જેની સીધી રાજકોષની સ્થિતિ પર પડે છે. ૨૦૦૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના લક્ષ્યાંકને પૂરું કરવા ખેડૂતોના દેવામાફીથી આગળ વધીને બુનિયાદી સુવિધાઓ પર પણ ધ્યાન અપાવું જોઇએ કે જેનાથી ગ્રામીણ અર્થવ્યવસ્થામાં તેજી લાવી શકાય. આ માટે સરકાર સ્વામીનાથન કમીટીના રિપોર્ટની ભલામણો પર વિચાર કરી શકે છે કે જેમાં કૃષિ ઉત્પાદનોમાં સતત વધારાની સ્થિતિ પછી પણ ખેડૂતોની સ્થિતિમાં સુધારો નહી થવાના કારણોની વાત કરવામાં આવી છે. તે પછી વાત ઉદ્યોગોની આવે છે. દર વર્ષે બહાર પડી રહેલા અંદાજે દસ લાખ બેરોજગાર યુવાનોને સરકારની નોકરી આપવું સંભવ નથી પરંતુ નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને ઉત્તેજન આપીને સરકાર રોજગારની સમસ્યાને પહોંચી વળવાનો પ્રયત્ન કરી શકે છે. લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સરકારી સહાયની તાતી જરૂર છે કારણ કે, નોટબંધી અને જીએસટી લાગુ થયા બાદ સૌથી વધુ અસર આ ઉદ્યોગોને જ પહોંચી હતી. રોજગાર સર્જનના આ ક્ષેત્રના યોગદાનને કોઇપણ રીતે નજરઅંદાજ કરી શકાય નહી. આ સિવાય રોડ-રસ્તા સહિતના બુનિયાદી માળખાના ક્ષેત્ર પર પણ બજેટમાં ખાસ ધ્યાન અપાય તેવી શકયતા છે. આ તમામ મુદ્દાઓ વચ્ચે મધ્યમવર્ગની પરિભાષા સાથે જોડાયેલો એક સામાન્ય નાગરિક પણ નાણાંમંત્રીની નજરે હશે. સામાન્ય રીતે બજેટની જોગવાઇઓમાં સીધા અને આડકતરા વેરાઓની વાતનો ઉલ્લેખ હોય છે પરંતુ જીએસટીના કારણથી એ પહેલી વખત હશે કે, જયારે કેન્દ્રીય નાણામંત્રી પાસે આડકતરા વેરા મુદ્દે બહું કંઇ કહેવા જેવુ નહી હોય. આ વખતે લોકોને આશા છે કે, કરમાં છૂટની સીમાના દાયરો વધારી ખર્ચ કરવા યોગ્ય આવક વધારી શકાય એવી સંભાવના છે. વાસ્તવમાં ૨૦૧૭ના બજેટમાં રાજકોષીય નુકસાનના જીડીપીના ૩.૨ ટકાના સ્તર પરરાખવાના લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ નવેમ્બરમાં જ રાજકોષીય નુકસાન૨૦૧૭-૧૮ના વર્ષ માટે નિર્ધારિત લક્ષ્યાંક ૫.૫ લાખ કરોડના ૧૧૨ ટકા થઇ ગયું. તો બજેટમાં સરકાર માટે કેટલાક પડકારો પણ છે, જેમાં સ્વાસ્થ્ય, શિક્ષા, આવાસ જેવી મૂળભૂત સુવિધાઓની સાથે સાથે રાજકોષીય અનુશાસનને જાળવવાનું સૌથી કપરૂ બની રહેશે.વર્ષ ૨૦૦૬ પછીથી બજેટ પહેલાંની અને તે પછીની તેજીનું વિશ્લેષણ કરતાં ઘણી જ રસપ્રદ હકીકતો બહાર આવે છે. આ ૧૨ વર્ષ દરમિયાન બજાર (નિફ્ટી૫૦)માં બજેટ પહેલાંના એક મહિનામાં સરેરાશ માઇનસ ૨.૧ ટકા વળતર મળ્યું છે. આની સામે બજેટ પછીના એક મહિનામાં સરેરાશ ૩.૩ ટકા વળતર મળ્યું છે.આ ૧૨ કિસ્સામાં બજારે બજેટ પહેલાં પાંચ વખત પોઝિટિવ વળતર આપ્યું છે, જ્યારે સાત વખત નેગેટિવ વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન સરેરાશ વળતર અનુક્રમે ૨.૯ ટકા અને માઇનસ ૫.૭ ટકા રહ્યું હતું. બજેટ પછીની તેજીના કિસ્સામાં જોઈએ તો બજાર મોટા ભાગે હકરાત્મક રહ્યું છે અને આઠ વખત બજારમાં સરેરાશ ૬.૯ ટકા સુધી વળતર મળ્યું છે. આની સામે બજેટ પછીના એક મહિનામાં ચાર વખત માઇનસ ૩.૮ ટકા સરેરાશ વળતર મળ્યું છે.બીજી રસપ્રદ હકીકત એ રહી છે કે જ્યારે બજેટ પહેલાં બજારમાં નેગેટિવ વળતર મળ્યું છે ત્યારે બજેટ પછીની મૂવમેન્ટ સામાન્ય રીતે હકારાત્મક રહી છે. ઉદાહરણ તરીકે સાત વખત બજેટ પહેલાં બજારમાં માઇનસ ૫.૭ ટકા વળતર રહ્યું હતું, ત્યારે બજેટ પછી ૪.૫ ટકા સરેરાશ તેજી આવી હતી. એ જ રીતે પાંચ વર્ષમાં બજેટ પહેલાંની તેજી ૨.૯ ટકા વળતર સાથે પોઝિટિવ હતી, ત્યારે બજેટ પછીની તેજીમાં ૧.૬ ટકા જેટલું નજીવું પોઝિટિવ વળતર મળ્યું છે. તેથી મહત્ત્વનું તારણ એ બની શકે છે કે બજેટ પછી એક મહિનાની મૂવમેન્ટ સામાન્ય રીતે હકારાત્મક રહે છે.ચાલુ વર્ષે બજેટ પહેલાં અત્યાર સુધી મજબૂત તેજી આવી છે અને બજારમાં ૬.૨ ટકાનું વળતર મળ્યું છે. આવા પોઝિટિવ ટ્રેન્ડ દરમિયાન ક્વોન્ટિટેટિવ એનાલિસિસના આધારે આપણને ૧.૧થી ૬.૬ ટકાની રેન્જ મળે છે અને ઇવેન્ટ બાદના સમાન સમયગાળામાં આ રેન્જ માઇનસ ૯.૪ ટકાથી ૧૧.૨ ટકા (૧.૬ ટકાના સરેરાશે હકારાત્મક વળતર) સુધી રહી શકે છે.નિષ્કર્ષ એ છે કે ભૂતકાળનો ટ્રેન્ડ દર્શાવે છે કે બજારમાં પોઝિટિવ મૂવમેન્ટ રહી શકે છે. આ ઉપરાંત બે મહિનાના સમયગાળામાં બજારનો એકંદર દેખાવ હકાત્મક રહ્યો છે અને સરેરાશ ૧.૨ ટકા સુધી વળતર મળ્યું છે. તેથી આપણે ધારણા રાખી શકીએ છીએ કે જો બિઝનેસ અને આર્થિક ભાવિમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તો બજાર પર બજેટની સામાન્ય અસર ઘણી મર્યાદિત રહેશે. તેથી ઇવેન્ટ (બજેટ) પછી બજાર વૈશ્વિક અર્થતંત્ર, અર્નિંગ ગ્રોથ અને આર્થિક પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી ધારણા છે.ભાજપના શાસનકાળ દરમિયાન બજેટ પહેલાંનું વળતર સરેરાશ ધોરણે નબળું રહ્યું છે, જ્યારે બજેટ પછી બજારમાં ૨.૩ ટકા વળતર મળ્યું છે. ગયા વર્ષે બજેટ પહેલાંના એક મહિનામાં બજારમાં ૬.૬ ટકા વળતર મળ્યું હતું, જ્યારે બજેટ પછી ૨.૧ ટકા પોઝિટિવ વળતર મળ્યું છે.આ વર્ષે બજેટ પહેલાંની મજબૂત તેજી માટે વૈશ્વિક બજારનો ટ્રેન્ડ પણ જવાબદાર છે. અમેરિકામાં એસ એન્ડ પી ૫૦૦ ઇન્ડેક્સમાં અત્યાર સુધી ડોલરના સંદર્ભમાં છ ટકા વળતર મળ્યું છે. છેલ્લાં બે વર્ષમાં અમેરિકાના બજારમાં કોઈ મોટું કરેક્શન આવ્યું નથી અને તેમાં એકતરફી તેજી આવી છે. આ સમયગાળામાં ઇન્ડેક્સ ૫૦ ટકા ઊછળીને ૨,૮૩૨ પોઇન્ટ્‌સ થયો છે.બજારને સહાયક બીજું પરિબળ અર્નિંગમાં મજબૂત રિકવરી છે. અત્યાર સુધીનાં ત્રીજા ક્વાર્ટરનાં કોર્પોરેટ રિઝલ્ટ પોઝિટિવ રહ્યાં છે. આઇએમએફ દ્વારા ભારતના જીડીપી વૃદ્ધિદરના અંદાજમાં સુધારો તથા બેન્કો માટે એફડીઆઇની મર્યાદામાં વધારો જેવાં પરિબળોએ પણ બજારને સપોર્ટ આપ્યો છે.આર્થિક વૃદ્ધિ અને રાજકોષીય શિસ્તની ધારણાએ ૧૦ વર્ષની મુદતના સરકારી બોન્ડની યીલ્ડમાં પણ ધીમે-ધીમે ઘટાડો થઈ રહ્યો છે. રાજકોષીય ખાધ અને આર્થિક વૃદ્ધિ વચ્ચે સંતુલન, કોર્પોરેટ અને ઇન્ડિવિડ્યુઅલ ટેક્સમાં ફેરફાર તથા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સનો અભાવ જેવાં પગલાંથી બજારને ટૂંકા ગાળામાં હાલનો ટ્રેન્ડ જાળવી રાખવામાં મદદ મળશે.ગુજરાતની ચૂંટણીનાં પરિણામો બાદ કેન્દ્રમાં મોદી સરકારને પ્રતીતિ થઇ ચૂકી છે કે, વર્ષ-૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જીતવા એડીથી માંડીને ચોટી સુધી પૂરેપૂરી તાકાત લગાડવી પડશે. મોદી સરકાર પાસે પ્રજાને ઘણી અપેક્ષાઓ છે અને ક્યારેક વધુ પડતી આશાઓ અને અપેક્ષાઓ ઘાતક નીવડે છે. દેશના અર્થતંત્રને સુધારવા માટે પાંચ વર્ષનો સમય ખૂબ લાંબો ગણાતો નથી, પરંતુ ચૂંટણીટાણે આપેલાં વચનો જ્યારે સોશિયલ મીડિયામાં બૂમરેન્ગ થાય છે ત્યારે સત્તાધીશોની હાલત કફોડી થાય છે. મોદી સરકારે વર્ષ-૨૦૧૪માં સત્તાનાં સૂત્રો હસ્તગત કર્યાં ત્યારે ભારતનું અર્થતંત્ર ડામાડોળ હતું, બેન્કોની એનપીએ (નોન પરફોર્મિંગ એસેટ્‌સ) ચિંતાજનક હદે વધી ચૂકી હતી, કોર્પોરેટ ગૃહો મનમોહનસિંઘ સરકાર દ્વિતીયની નીતિઓની અનિર્ણાયકતાને પગલે નારાજ હતા. ફુગાવો વધ્યો હતો. વૈશ્વિક વ્યાપાર ઠપ્પ થયેલો હતો, ક્રૂડ ઓઈલના ભાવ ૧૧૬થી ૧૨૦ ડોલર સુધી વધી ચૂક્યા હતા. વ્યાજદર ખાસ્સા ઊંચા હતા અને રઘુરામ રાજન વ્યાજદરમાં કાપ મૂકવાના મૂડમાં નહોતા ત્યારે દેશમાં એક આર્થિક અરાજકતા અને ઉચાટનો માહોલ હતો. મનમોહનસિંઘની સરકાર સામે પ્રજામાં ખાસ્સી નારાજગી હતી. જીડીપીનો દર ૭ ટકાથી આગળ ધપતો નહોતો. મનમોહનસિંઘ સરકારે મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ સ્કીમ, રાઇટ ટુ ફૂડ સિક્યોરિટી ઉપરાંત કિસાનોની દેવા નાબુદીમાં સરકારી તિજોરી તળિયે પહોંચાડી હતી. મનમોહનસિંઘ ખૂબ સારા અર્થશાસ્ત્રી હતા. તેમની પ્રથમ સરકારે આર્થિક સુધારાઓથી માંડીને અર્થતંત્રને ગતિશીલ બનાવવામાં સારી એવી જહેમત ઊઠાવી હતી અને નોંધપાત્ર સફળતા પણ પ્રાપ્ત કરી હતી, પરંતુ દ્વિતીય ટર્મમાં મનમોહન સરકારને પુરતી બહુમતી નહોતી.પરિણામે જીએસટી વિધેયકથી માંડીને અનેક આર્થિક સુધારાઓ મનમોહનસિંઘ કરી ન શક્યા અને અર્થતંત્ર મંદ પડ્યું. અધૂરામાં પૂરું નબળી ગાયને ઝાઝી બગાઇઓ વળગે તેમ ટુજી સ્કેમ, કોલસા કૌભાંડ, માઇનિંગ કૌભાંડ ઇત્યાદિ સાથીપક્ષોના કૌભાંડોને કારણે અને મનમોહનસિંઘનો પુરતો કંટ્રોલ ન હોવાને કારણે સરકાર ખાસ્સી બદનામ થઇ. સામે પક્ષે ચૂંટણી ટાણે ભાજપે પ્રધાનમંત્રીપદના નેતા તરીકે નરેન્દ્ર મોદીને પ્રોજેક્ટ કર્યા. છટાદાર વકતવ્ય અને આક્રમક શૈલીને કારણે નરેન્દ્ર મોદીએ ઠેર-ઠેર જાહેર સભાઓમાં મનમોહનસિંઘ સરકારની જોરદાર ઝાટકણી કાઢી. સૂંડલા મોંઢે સંખ્યાબંધ વચનો આપ્યાં. પ્રજામાં રાતોરાત કંઇક નવું ક્રાન્તિકારી કરી દેખાડવાની ધગશ દર્શાવી. દા.ત. વિદેશમાંથી કાળા નાણાં લાવી દરેકના ખાતામાં રૂ.૧૫ લાખ જમા કરાવવાથી માંડીને દેશના કરોડ યુવાનોને દર વર્ષે રોજગારી આપવાનાં વચનો આપ્યાં, પરંતુ આજે સત્તા પ્રાપ્ત કર્યાના પોણા ચાર વર્ષ બાદ હવે મોદી સરકારને પ્રતીતિ થઈ છે કે, વર્ષ-૨૦૧૯માં ચૂંટણી જીતવી એ લોઢાના ચણા ચાવવા જેટલું કઠિન કાર્ય સિદ્ધ થઈ શકે તેમ છે.

Related posts

મોબાઈલને બહુ માથે ચડાવવા જેવો નથી

aapnugujarat

ગાંધી હત્યા અને નથુરામ ગોડસે

aapnugujarat

ગુજરાતમાં શિક્ષણની અવદશા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1