Aapnu Gujarat
બ્લોગ

મોબાઈલને બહુ માથે ચડાવવા જેવો નથી

આજથી કેટલાક વર્ષો પહેલાં કોઈ વિચારી પણ નહોતું શકતું કે, મોબાઈલ આપણા જીવનનું એક અભિન્ન અંગ બની જશે. આજે આપણે તેના વગરની જિંદગીની કલ્પના પણ ન કરી શકીએ. માત્ર એક જ દિવસ જો કોઈ પોતાનો મોબાઈલ ઘેર ભૂલી જાય તો તે આખા દિવસ દરમિયાન ભારે તણાવમાં રહે છે. દરેક સમયે તેને કાંઈક અજુગતું બનવાની દહેશત રહેતી હોય છે પરંતુ તે તેના ભૂતકાળના દિવસો યાદ નથી કરતો હોતો કે, જ્યારે તેનું જીવન મોબાઈલ વગર પણ સરળતાથી અને સાહજિકતાથી વીતતું હતું.
ટેકનોલોજી આપણને મોટાભાગે તેના પર નિર્ભર બનાવી દે છે. પણ તે આપણને એક હાથે આપે છે તો બીજા હાથે કાંઈક લઈ પણ લે છે. મોબાઈલે પણ લગભગ આવું જ કર્યું છે. તેણે આપણને સગવડ તો આપી છે પણ આપણી સામે કેટલીયે સમસ્યાઓ પણ ખડકી દીધી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, મોબાઈલ આપણી તંદુરસ્તી પર ઘાતક અસરો કરી રહ્યો છે. કેટલાક મહિના પહેલાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં કરવામાં આવેલા અભ્યાસમાં કહેવામાં આવ્યું હતું કે, મોબાઈલ રેડિયેશન માનવ શરીરની કોશિકાઓના ડિફેન્સ મિકેનિઝમને નુકસાન પહોંચાડી રહ્યો છે. ત્યાર બાદ માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી બનાવવામાં આવેલી હાઈ લેવલ કમિટીએ લગભગ આ જ વાતનું પુનરાવર્તન કર્યું હતું.
મોબાઈલે આપણા સામાજિક જીવનને વેરવિખેર કરી નાખ્યું છે. તેનાથી વ્યક્તિ મોટાભાગે અંતર્મુખી બની જાય છે. આગળ જતાં તે સામાજિક વ્યવહારમાં પણ બેરદરકાર ને લાપરવાહ બનતો જાય છે. મોબાઈલ ચાલુ કરતાં જ માનવી તેની આસપાસની દુનિયામાંથી ક્યાંક બીજે જ ચાલ્યો જતો હોય છે. તે તેની આસપાસની સ્થિતિ પણ ભૂલી જાય છે. આજે પરિસ્થિતિ એવી છે કે, જાહેર સ્થળો જેમકે, આફિસ, બજાર કે હાસ્પિટલ સુદ્ધાંમાં પણ લોકો મોબાઈલ પર જોરશોરથી વાતો કરતા હોય છે અને બીજા લોકોને ડિસ્ટર્બ કરતા હોય છે. મોબાઈલે આપણા મન-મગજને એવાં જકડી રાખ્યાં છે કે, લોકો ડ્રાઈવીંગ કરતી વખતે પણ તેનો ઉપયોગ કરતા હોય છે. કેટલાક બાઈકચાલકો તો પાછળ પત્ની બેસાડી હોય તેના ખોળામાં નાનું માસૂમ બાળક હોય અને છતાં એક બાજુની ડોકી રાખીને ચાલુ બાઈકે ફોન પર વાત કરતો હોય છે. તે માત્ર તેની જ નહિ પણ અન્ય બે માણસોની જિંદગી સાથે પણ ખેલે છે, જેમને આ માણસની વાતચીત સાથે કોઈ જ લેવાદેવા નથી હોતી. કેટલી વિચિત્રતા કહેવાય? મોટાભાગના અકસ્માત આ રીતે જ થતા હોય છે. મોબાઈલે માણસ જાતનું સુખ-ચેન છીનવી લીધું છે. દિવસે તો ઠીક પણ હવે તો ‘નાઈટ કોલિંગ’ એ તો તેની રાતની ઊંઘમાં પણ ભાગ પડાવવા માંડ્યો છે.
મોબાઈલે માણસ જાતનું એક બહુ જ મોટું અહિત કર્યું છે અને તે છે, તેણે માણસને બહુ જલ્દીથી જૂઠ્ઠું બોલતાં શીખવાડી દીધું છે. માણસ હોય હિંમતનગરમાં અને કહે કે, કાશ્મીરમાં છું. મોબાઈલને કારણે નિર્દોષ ટિનેજરોમાં પણ ખૂબ સરળતાથી ‘લુચ્ચાઈ’ ઘૂસાડી દીધી છે. યુવાપેઢીમાં અનેક પ્રકારનાં રવાડા જોવા મળતા હોય છે તેમાંનો એક રવાડો તો મોબાઈલ છે. જો કિશોર વયમાં પગ મૂકેલા કિશોર કે કિશોરી તેના માતા-પિતા પાસે મોબાઈલની માંગણી કરે અને જો તેની માંગણી સંતોષવામાં ન આવે તો તે ક્યારેક આપઘાત પણ કરી બેસે છે. મોબાઈલે માણસને એટલો બધો માનસિક તાણમાં નાખી દીધો છે.વિશ્વભરના સમાજશાસ્ત્રીઓ અને મનોવૈજ્ઞાનિકો શોધી રહ્યા છે કે, આ રવાડાથી માણસ જાતને કેવી રીતે છોડાવી શકાય? આપણા સામાજિક જીવનમાં અવરોધ નાખતા મોબાઈલ વચ્ચે આપણે સંતુલન કેવી રીતે જાળવવું તે બાબતનો તેઓ ઉકેલ શોધી રહ્યા છે. માઈક્રોસોફ્ટે તેના નવા સ્માર્ટફોન ‘વિન્ડોઝ ફોન ૭’નો પ્રચાર કરતાં એક જબરદસ્ત દલીલ કરી છે. તેના જણાવ્યા મુજબ મોબાઈલ પર વાત કરતી વખતે બહાર આવતી આપણી લાપરવાહીઓ ફોનની ખરાબ ડિઝાઈનના કારણે હોય છે. માઈક્રોસોફ્ટે તેના એક સર્વેક્ષણમાં શોધી કાઢ્યું છે કે, જો મોબાઈલની ડિઝાઈન યોગ્ય ન હોય તો તે ફોનની ક્ષમતા પણ ઓછી થઈ જતી હોય છે. જેના કારણે ફોન પર વધારે પડતો સમય વહી જતો હોય છે. અને તેના કારણે માણસ સમાજથી કપાઈ જતો હોય છે. આ કંપનીનું માનવું છે કે, ફોનની ઉત્તમ ડિઝાઈન આ સમસ્યામાંથી છૂટકારો અપાવી શકે છે. તેના જણાવ્યા અનુસાર સારા ફોનના ઉપયોગથી વાત જલ્દીથી ખતમ થઈ જાય છે. તેનાથી લોકોનો સમય બચશે અને તે સામાજિક પ્રવૃત્તિઓ-ગ્ગતિવિધિઓમાં વધારે સમય ફાળવી શકશે.
જો કે, આ કંપનીના દાવાનો સ્વીકાર કરવો ખૂબ જ મુશ્કેલ છે. આપણે ભારતના અનુભવોથી જોઈ રહ્યાં છીએ કે, નિતનવા પ્રકારની ડિઝાઈનવાળા ફોન બજારમાં મૂકાવાની સાથે લોકોની વ્યસ્તતા પણ વધી છે. હાથમાં મોંઘોદાટ ફોન હોવો તે આજે જાણે કે એક સ્ટાઈલ બની ગઈ છે. લોકો તેને પ્રતિષ્ઠા માનવા લાગ્યા છે. માન્યું કે, મોબાઈલે હવે આપણા જીવનમાં એટલો પગપેસારો કરી દીધો છે કે,તેને દૂર કરવો હવે સરળ નથી પણ તેને એટલો બધો માથે ચડાવવા જેવો પણ નથી. આ માટેનો જો કોઈ સાચો રસ્તો હોય તો તે એ છે કે, માણસ જાતે જ તેને વાપરવાની ‘સેન્સ’ શીખે. કેમકે, કાલેજમાં અભ્યાસ કરતા યુવક-યુવતીઓને જાહેરમાં ફોન પર વાત કરતાં પણ આવડતું નથી હોતું. શાળા-કાલેજમાં તેના પર પ્રતિબંધ હોવા છતાં તે માત્ર કાગળ પર જ રહ્યો છે. તેનો ખરેખરો અમલ તો થયો જ નથી. વળી, મા-બાપ પણ પોતાનાં નાનાં બાળકોને પોતાનો મોબાઈલ રમવા માટે આપતા હોય છે અને ગર્વભેર કહેતાં પણ હોય છે કે, ‘છોકરાં કરતાં મોબાઈલ વધારે છે?’-આ તેમની માનસિકતા તદ્દન ખોટી છે. કેમકે, તેમાંથી નીકળતા કિરણો તેના સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક છે. મોબાઈલ પ્રત્યેનું આપણું ઘેલું ઘટશે તો જ કાંઈ થઈ શકશે.

Related posts

ભારતીયો સતત ખરાબ માનસિકતા સાથે જીવન જીવી રહ્યા છે : ૧૪ ટકા આત્મહત્યા ભણી જાય

aapnugujarat

પરિણામ પહેલા ગઠબંધનનાં પ્રયાસ અને નવી સરકાર સામેના પડકાર

aapnugujarat

ભૂમિ પેડનેકર : અનાયાસે અભિનેત્રી નથી બની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1