Aapnu Gujarat
બ્લોગ

સોશિયલ મીડિયા : બદમાશી, બેવકૂફી બેદરકારી

આપણાં પરંપરાગત મીડિયાની ત્રણ મુખ્ય ખામી છેઃ બદમાશી, બેવકૂફી અને બેદરકારી. સોશિયલ મીડિયાના આગમન પછી એમાં પણ આ ત્રણ ખામીઓ પ્રવેશી ગઈ છે. ત્રણમાંની સૌથી ગંભીર ખામી વિશે છેલ્લે વાત કરીએ. બેદરકારીની વાત પહેલાં કરી લઈએ.
ચોક્કસાઈ કર્યા વિના આવા કે અન્ય કોઈપણ ગંભીર સમાચારો અંધાધૂંધ ફોરવર્ડ કરવાનો શું અર્થ? અને માન્યું કે તમારી પાસે ચોકસાઈ કરવા માટે કોઈ આધારભૂત સ્રોત નથી તો રહેવા દો, ફોરવર્ડ નહીં કરતા. કોઈએ શું તમને કોન્ટ્રાકટ આપી રાખ્યો છે તમામ મેસેજ આગળ મોકલી આપવાનો? બે વર્ષ પહેલાં ખોવાઈ ગયેલી બેબી ચોવીસ કલાકમાં જ માબાપને પાછી મળી ગઈ હોવા છતાં એના ગુમ થવાના વોટ્‌સએપને નવરાઓ ફોરવર્ડ કર્યાકરશે. નરી બેદરકારીના આ નાદાન નમૂના છે.ચોકસાઈ કર્યા વિના અથવા પૂરતું ધ્યાન આપ્યા વિના, સાંભળેલું લખવામાં શું જોખમ છે તે સૌકોઈ જાણે છે. રાજકારણીઓનાં મોટા-ભાગનાં સ્ટેટમેન્ટસને પત્રકારો આ જ રીતે પોતાની રીતે ઈન્ટરપ્રીટ કરીને છાપતા હોય છે અને પછી જ્યારે રાજકારણીઓ રદિયો મોકલે ત્યારે પત્રકારો કહેતા હોય છેઃ બોલીને ફરી ગયા! બેદરકારી એક બહુમોટો દુર્ગણ છે મીડિયાનો.બેવકૂફી. નોબેલ પારિતોષિક વિજેતા જોન નેશ પરથી બનેલી ફિલ્મ ‘બ્યુટિફૂલ માઈન્ડ’ તમે કદાચ જોઈ હશે. ટોમ હેન્ક્‌સ વાળી આ ફિલ્મ ન જોઈ હોય તો જરૂર જો જો.
મુંબઈમાં એ રિલીઝ થઈ તેના આસપાસના ગાળામાં ખુદ જ્હોન નેશ મુંબઈ આવ્યા હતા. તે વખતે જ્હોન નેશની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં એક પ્રતિષ્ઠિત ટીવી ચેનલની રિપોર્ટરે જ્હોન નેશને જ્યારે પૂછયું કે તમને જેના માટે નોબેલ મળ્યું તે તમારી થિયરી વિશે કંઈક કહેશો? જ્હોન નેશ અકળાઈ ઊઠયા હતા. હકીકતમાં તો એમણે ગુસ્સે થઈને એ પત્રકારના માથામાં જ એના માઈકનો ઘા કરવાનો હતો. તમે જ્યારે એટલું પણ હોમવર્ક કરવાની તસદી નથી લેતા કે જ્હોન નેશને શેના માટે નોબેલ પ્રાઈઝ મળ્યું હતું તો આટલી મોટી વિશ્વપ્રસિધ્ધ હસ્તી તમને શું કામ એકડો ઘૂંટાવે. કેટલો કિંમતી ટાઈમ હોય છે એમનો. પૂરતી તૈયારી વિના રિપોર્ટિંગ કરવું, અધકચરી માહિતીના આધારે લખવું, પોતે ઈલેકટ્રોનિક કે પ્રિન્ટ મીડિયાની કોઈ જાણીતી બ્રાન્ડ સાથે સંકળાયેલા હોવાથી પોતાને લાઈસન્સ મળી ગયું છે મન ફાવે તેવા સવાલો પૂછવાનું! આવી બેવકૂફીથી આપણું મીડિયા જેટલું પ્રભાવશાળી બનવું જોઈએ એટલું બની શક્તું નથી. ટીવી પર જે આવ્યું તે પથ્થરની લકીર સમાન છે એમ માનીને તેનો યથાતથ અનુવાદ છાપી મારતા ભારતનાં ભાષાકીય અખબારો પણ નીરક્ષીર વિવેક જાળવ્યા વિના આવી બેવકૂફીઓનો ભોગ બનીને એને દોહરાવતા હોય છે અને છેવટે વાચકો એનોભોગ બનતા હોય છે અને સૌથી મોટો ગુનો બદમાશીનો. જાણતાં હોવા છતાં ચોક્કસ આશય, નક્કી કરેલા એેજન્ડાને કારણે ખોટી માહિતી પેશ કરવી. અર્ધસત્યમાં રહેલા જુઠ્ઠાણાને ઢાંકવું. એક વખત ફ્રન્ટ પેજ પર ચગાવેલા જુઠ્ઠાણા દ્વારા પોતાનો એજન્ડા બર આવે એ પછી ખુલાસા છાપવા પડે તો તેને અંદરના પાને, કોઈને ન વંચાય તે રીતે છાપવા. ગોધરા હિન્દુ હત્યાકાંડ પછી ૨૦૦૨માં થયેલા ગુજરાત રમખાણો દરમ્યાન મીડિયાની આવી બદમાશી ટોચ પર પહોંચી જે ૨૦૧૪ની ચૂંટણી સુધી ચાલુ રહી. નવી સરકાર આવ્યા પછી આવી બદમાશીઓનું પ્રમાણ તો ઘટયું જ, સાથોસાથ એની ખરાબ અસરો પણ ઘટી. સેક્યુલર આક્રમક્તાનો સામનો કરવા માટે સોશિયલ મીડિયામાં એક આખી તેજસ્વી બ્રિગેડ કાર્યરત બની. ટીવી કે પ્રિન્ટ મીડિયામાં જરા સરખા બદમાશીભર્યા ન્યૂઝ પ્રસર્યા કે તરત આ બ્રિગેડ એમાં રહેલા જુઠ્ઠાણા ઉઘાડા પાડતી વાતો વાઈરલ કરી નાખશે જેથી એ જુઠાણાને કારણે કરવા ધારેલું નુકસાન ઘટી જાય.આવી બદમાશીનો ભોગ જાહેર જીવનમાં પડેલી દરેક વ્યક્તિ બનતી રહી છે. મોદી, બચ્ચનજી, બાબા રામદેવથી માંડીને અંબાણીઝ, શાહરૂખ અને સૌકોઈ. બચ્ચનજીએ આજથી દસ વર્ષ અગાઉ નિયમિત બ્લોગ લખવાનું શરૂ કર્યું. જ્યારે જ્યારે એમને મીડિયામાં મિસક્વોટ કરવામાં આવ્યા કે એમના વિશે ભ્રમણા ફેલાવવામાં આવી ત્યારે એમણે ગણતરીના કલાકોમાં પોતાના બ્લોગ પર વિગતવાર ખુલાસા મૂકીને પોતાની આબરૂનું લિલામ કરવા માગતા મીડિયા પર્સન્સના ગાલ પર કડક તમાચા માર્યા છે. હિંદી ફિલ્મોમાં એક જમાનામાં ‘વન મેન ઈન્ડસ્ટ્રી’ ગણાતા બચ્ચનજી આજે દેશના કોઈપણ મીડિયા હાઉસની બદમાશીને એકલા હાથે સફળતાપૂર્વક સામનો કરી શકે છે. આ જોઈને બીજાઓને પણ સોશિયલમીડિયાનું મહત્ત્વ સમજાયું છે.મીડિયા બેધારી તલવાર છે. એનો સાચો ઉપયોગ તલવાર છે. એનો સાચો ઉપયોગ થાય ત્યારે લાખો લોકોને લાભ થતો હોય છે. પણ એમાં બેદરકારી, બેવકૂફી કે બદમાશી પ્રવેશે છે ત્યારે આપણા જેવા કરોડો વાચકોનું નુકસાન થતું હોય છે.
મીડિયાના આ ત્રણ દુર્ગુણોથી બચવાનો એક માત્ર ઉપાય એ છે કે કોઈની બુદ્ધિએ દોરવાવાને બદલે આપણા નીરક્ષીરવિવેકને, આપણી કોઠાસૂઝને આપણી આંતરસૂઝને, ઈન્ટયુશનને માન આપવું. સો ગળણે ગાળીને પાણી પીવું. ચોકસાઈ કરવા માટે ગૂગલસર્ચ તો છે જ અને તોય જો કોઈ વાતે શંકા જતી હોય તો વાતને સાચી માનવાને બદલે એને ઠરવા દેવી. સત્ય આજે નહીં તો કાલે બહાર આપવાનું જ છે. એક કિસ્સાથી પૂરું કરું.. બે મહિના પહેલાં બરુન કશ્યપ નામના ફિલ્મ એક્ઝિક્યુટિવે બહુ મોટો હોબાળો મચાવ્યો હતો. પહેલાં ફેસબુક પર, પછી ટીવી-પ્રિન્ટ મીડિયામાં કશ્યપે આક્ષેપ કર્યો હતો કે એ મુંબઈમાં રિકશામાં જતો હતો ત્યારે એનો બગલ થેલો ગાયના ચામડામાંથી બનેલો છે એવું કહીને રિક્શાવાળા એ એને ધામધમકી આપી હતી અને રિક્શાવાળો બીજા ત્રણ ગૌરક્ષકોને બોલાવી લાવ્યો હતો. આવી હરકતથી ડઘાઈ ગયેલા બરુન કશ્યપને સેક્યુલર પ્રજાની ખૂબ સહાનુભૂતિ મળી. એણે એફ.આઈ.આર.નોધાવી. પોલીસે તપાસ કરી પેલા ગૌરક્ષકોને શોધવા.
તપાસમાં સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગથી ખબર પડી કે નવ મિનિટના રિક્ષાપ્રવાસ દરમ્યાન એક સેકન્ડ માટે પણ રિક્શા રોકાઈ નથી. પોલીસે બરૂન કશ્યપની કડક પૂછપરછ કરી. કશ્યપે કબૂલ કર્યું કે ‘હું હિન્દુઓને ધિક્કારું છું, કમ્યુનલ ટેન્શન ઊભું કરવાના આશયથી મેં આ નાટક કર્યું. ‘કશ્યપ અત્યારે વન ફિફટીથ્રી-એ (બે જૂથો વચ્ચે કોમી તનાવ પેદા કરવો) અને વન એઈટી ટુબી (પબ્લિક સર્વન્ટનો કાયદેસર ઉપયોગ કરીને કોઈ વ્યક્તિની હેરાનગતિ કરવી)ના આરોપ હેઠળ મુંબઈની આર્થર રોડ જેલમાં છે. એના પરના આક્ષેપો પુરવાર થશે તો એ પાંચ વર્ષ સુધી જેલમાં જ રહેશે.
કશ્યપને મદદ કરવાનો આરોપ જેના પર છે તે ‘આપ’ની કાર્યકર્તા પ્રીતિ શર્મા- મેનનની પણ પોલીસ પૂછપરછ થઈ રહી છે.વાસ્તે મીડિયા અને સોશિયલ મીડિયાના બેદરકાર, બેવકૂફ તથા બદમાશ ઉપયોગકર્તાઓ, સાવધાન! તમારો પણ વારો આવી શકે છે.

Related posts

મોદીએ રાજકારણની દિશા બદલી નાંખી

aapnugujarat

પાણી માટે પાણીપત ન સર્જાય તે માટે અગમચેતી જરૂરી

aapnugujarat

વિશ્વના કોઈ દેશ કરતા ભારતમાં મહિલા પાયલટની સંખ્યા વધુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1