Aapnu Gujarat
બ્લોગ

પાણી માટે પાણીપત ન સર્જાય તે માટે અગમચેતી જરૂરી

પશુપાલન વ્યવસાયના વિકાસનો મુખ્ય આધાર પાણીની ઉપલબ્ધી પર છે. પશુઓને પીવા માટે તથા ઘાસ ચારાનું ઉત્પાદન કરવા માટે પાણી અતિ આવશ્યક છે. આથી પાણીની અછતની સીધી અસર પશુપાલન વ્યવસ્થા પર પડે છે. પાણીના અભાવમાં પશુપાલકોએ પોતાના પશુઓ સાથે એક વિસ્તાર માંથી બીજા વિસ્તારમાં સતત ભટકતા રહેવું પડે છે. આ ઉપરાંત પાણીની અછતના કારણે પશુઓને પૂરતો લીલો ઘાસ ચારો પણ મળી શકતો નથી. જેના લીધે પણ પશુઓની દૂધ ઉત્પાદકતા પર માઠી અસર થવા પામે છે.ભારત એક ખેતી પ્રધાન દેશ છે. આઝાદીના છ દાયકાબાદ પણ આજે દેશની ૬૦% જેટલી જમીન સિંચાઈ વિહોણી છે. એક બાજુ દેશમાં ખાદ્યાન્ન તથા અન્ય ખેતપેદાશોની અછત પ્રવર્તે છે. અને બીજી બાજુ સિંચાઈ માટે પૂરતું પાણી ન મળવાથી લાખો એકર જમીન ખેડાયા વિનાની પડી રહી છે. અર્થાત આવી જમીનમાં એક થી વધુ પાક લેવાનું મુશ્કેલ કે અશક્ય બને છે. ભારત જેવા ગરીબ દેશમાં એક બાજુ અનાજ અને અન્ય ખેત પેદાશોની આયાતો પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે અને બીજી બાજુ સરકાર સિંચાઈની સુવિધા વધારવા પાછળ નાણાં ખર્ચ કરવામા અસમર્થતા અનુભવે છે. ભારતમાં હરીયાળી ક્રાંતિના આગમન બાદ સુધારેલા બિયારણોનો ઉપયોગ વધ્યો છે. સુધારેલા બિયારણોને વધારે પાણીની જરૂર પડે છે. જો સમયસર પૂરતા પ્રમાણમાં પાણી ન મળી શકે તો આવા બિયારણો સારી ઉપજ આપી શકતા નથી. ભારતમાં વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સુવિધાના કારણે સુધારેલા બિયારણોનો પૂરતો ઉપયોગ થઈ શકતો નથી. અને જ્યાં ઉપયોગ થાય છે ત્યાં પણ પાણીની અછતના કારણે સારી ઉત્પાદકતા મળી શકતી નથી. આમ પાણીની અપૂરતી ઉપલબ્ધીથી ખેતી ક્ષેત્રે અનેક પ્રશ્નો સર્જાયા છે. પીવાના પાણીની અછતના સમયમાં ખેતી માટેનું પાણી પીવાના ઉપયોગ માટે અનામત રાખવામાં આવે છે. આમ, પાણીની અછતના સમયમાં કે જયારે એક બાજુ ખેતરમાં પાક સૂકાતો હોય ત્યારે જ ખેડૂતોને ડેમમાંથી પાણી મળી શકતું નથી. આમ ઉપલ્બધ પાણી સંગ્રહ અને વિતરણના યોગ્ય આયોજનના અભાવમાં ખેતીક્ષેત્રને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.ભારતમાં ઊભી થયેલ જળ કટોકટી માટે પાણીની અછત કરતાં પાણીના સંગ્રહની ખામી ભરેલી વ્યવસ્થા વધુ જવાબદાર છે. ભારતમાં સપાટી પરના પાણીના સંગ્રહ સ્થાનો ચિંતાજનક ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. દેશમાં ચોમાસા દરમ્યાન ઠેરઠેર કેડ સમા પાણી ભરાયેલા જોવા મળે છે તો તેજ વર્ષે ઉનાળામાં જુદી જુદી વસાહતોમાં પીવાના પાણીનો કકળાટ પણ જોવા મળે છે. ચોમાસામાં પાક ડુબાણમાં જવાના સમાચારો સામે ઉનાળામાં સિંચાઈના અભાવે પાક બગડતો હોય તેવા સમાચાર જોઈ શકાય છે. આવી સ્થિતિનું મુખ્ય કારણ સપાટી પરના જળસંગ્રહમાં થતો ઘટાડો છે. જળસંગ્રહ સ્થાનો ઘટવા પાછળ જવાબદાર કારણો જોઈએ તો-શહેરીકરણ અને ખેતી લાયક જમીનમાં વધતા ઉપયોગના કારણે નદીઓના પટ સાંકડા થઈ રહ્યા છે. કેટલોક ધન કચરો નદીઓના પટમાં ઠાલવવાના કારણે નદીઓનો પટ સાંકડા થતા પાણીનો જળસંગ્રહ ઘટતો જાય છે. ઉપરાંત જમીનમાં પાણી ઊતરવાની રિચાર્જિંગ માં પણ ઘટાડો થાય છે. આ અંગે સરકરાનું કોઈ નક્કર આયોજન જોવા મળતું નથી.શહેરીકરણ અને પાણીનું પ્રદૂષણ :શહેરોમાં વસ્તી ગીચતા વધુ હોવાના કારણે પાણીની માંગ વધુ રહે છે. સાથે સાથે રોજીંદા વપરાશમાં સાબુ, ડિટર્જન્ટ, શેમ્પુ વગેરેના ઉપયોગના કારણે જળ પ્રદૂષણ શહેરોમાં ઉદ્યોગોનું કેન્દ્રીકરણ થયેલ હોવાના કારણે તળાવો અને ભૂગર્ભજળ રિવર્સબોર દ્વારા દૂષિત થઈ રહ્યું છે. ગુજરાતમાં ગોલ્ડન કોરીડોર અમદાવાદ-વાપી આજુબાજુનાઉદ્યોગોમાંથી છોડેલા દૂષિત પાણીને કારણે ઉપયોગ કરી શકાય તેવું પાણી પ્રદૂષિત બની રહ્યું છે. આવા પ્રદૂષિત પાણી ઉપયોગમાં આવતા મનુષ્યના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસરો પડે છે.મોટાબંધો બાંધવાનો પ્રશ્ન જળ સંગ્રહ માટેનો સૌથી સારો માર્ગ નદી પર આડબંધો બાંધીને માનવસર્જિત સરોવર ઉભુ કરવું તે છે. પરંતુ મોટાબંધ બાંધવા માટે મૂડીરોકાણ માટેનો પ્રશ્ન વિકાસશીલ રાષ્ટ્રોને સતાવે છે તેમાં નફાનું પ્રમાણ નહી હોવાના કારણે ખાનગી નિયોજકો મૂડી રોકાણ કરવા તત્પર હોતા નથી અને સરકારની આર્થિક સ્થિતિ નબળી હોય છે. જે વિસ્તારોમાં પાણીની સરળતાથી પ્રાપ્ત થાય છે તે વિસ્તારોમાં પાણીનો દુર ઉપયોગ વધતો જાય છે. જે વિસ્તારોમાં પાણીનો વધુ વપરાશ કરવાની મનોવૃત્તિ વધતી જાય છે. ખાસ કરીને સિંચાઈ માટેની નહેરો જે વિસ્તારમાં આવેલી છે ત્યાં પાણી નીચી કિંમતે પ્રાપ્ય બનતું હોવાથી ખેડૂતો જરૂર કરતા વધારે પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરતા દલદલનો પ્રશ્ન ઊભો થયો છે નહેરોનું બાંધકામ નબળુ હોવાના કારણે હજારો ક્યુસેક પાણી લીકેજ થાય છે અને ખેતી લાયક જમીનમાં ઘટાડો થાય છે. આમ એક બાજુ પાણીની તીવ્ર અછત જોવા મળે છે. તો બીજી બાજુ પ્રાપ્ય જળસ્તોત્રનો સંગ્રહ કરી શકતા નથી. ટૂંકમાં ભારતમાં જળસંગ્રહનું ખામી ભરેલ આયોજન જોવા મળે છે. ભારતમાં પાણીની અછત કરતા ઉપયોગ અંગેના યોગ્ય આયોજનનો પ્રશ્ન વધુ ગંભીર બન્યો છે.પાણીની ઉપલબ્ધી અને આવશ્યકતાની સ્થિતિ જોતા ભારતમાં પાણીની અછત છે તેમ કહી શકાય નહીં. પરંતુ પાણીની અછત એટલા માટે છે કે આપણે ઉપલબ્ધ પાણીનો બગાડ કરીએ છીએ, જરૂર કરતાં પાણીનો વધુ પડતો વપરાશ કરીએ છીએ, ઉપલબ્ધ જળસ્ત્રોત કે જળાશયોની જાળવણી કરતાં નથી અને બીજી બાજુ જળસંગ્રહની કાર્યક્ષમ વ્યવસ્થા આપણે વિકસાવી શક્યા નથી. પરિણામે ઉપલબ્ધ જળ સ્ત્રોત ઘટવા લાગ્યા છે. અને જળ કટોકટીનું નિર્માણ થવા પામ્યું છે. હાલમાં રોજ-બરોજ નવા ઈજનેરી કૌશલ્યો વિકસતા જાય છે ત્યારે આપણે આવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી જળ વ્યવસ્થાપન વધુ મજબૂત બનાવવું પડશે. જળ વ્યવસ્થાપન એવું હોવું જોઈએ કે વર્તમાન પેઢીની પાણીની જરૂરિયાત પૂર્ણ થાય, ઉપલબ્ધ જળસ્ત્રોતની જાળવણી થાય, પાણીની ગુણવત્તા જળવાઈ રહે, પાણીનો કરકસર ભર્યો ઉપયોગ થાય અને આવનારી પેઢીને ઊભી થનાર પાણીની જરૂરિયાતને પણ પહોંચી શકાય. જો આ રીતે પાણીનું વ્યવસ્થાપન થશે તો પાણીની અછતનો કોઈ પ્રશ્ન રહેશે નહીં. જળસંકટ થી બચવાનો મહત્વનો ઉપાય એ યોગ્ય પ્રકારનું વોટર મેનેજમેન્ટ જ છે. આથી હવે આપણે તેના વિશે ચર્ચા કરીશુ.

Related posts

मोदी पर विश्वास बढ़ाती खबरें

aapnugujarat

सदैव बुजुर्गों का सम्मान करें!!!!

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1