Aapnu Gujarat
ગુજરાત

સ્કુલ ફી નિયમન મુદ્દે ચુકાદો : કાયદા પર સ્ટેનો ઇન્કાર

ગુજરાત સ્વનિર્ભર શાળા(ફી નિયમન) કાયદા-૨૦૧૭ની બંધારણીય કાયદેસરતાને પડકારતી રાજયભરની સ્વનિર્ભર શાળાઓ તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી ઢગલાબંધ રિટ અરજીઓ આજે હાઇકોર્ટે એક અતિમહત્વના અને ઐતિહાસિક ચુકાદા મારફતે ધરાર ફગાવી દીધી હતી. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ.પંચોલની ખંડપીઠે રાજય સરકારના ગુજરાત સ્વનિર્ભર શાળા(ફી નિયમન) કાયદા-૨૦૧૭ને બહાલ રાખ્યો હતો. ગુજરાત હાઇકોર્ટના આ સીમાચિહ્નરૂપ ચુકાદાને પગલે રાજયભરના વિદ્યાર્થીઓ અને વાલીઓને બહુ મોટી રાહત મળી છે તો, બીજીબાજુ, રાજયના ખાનગી અને સ્વનિર્ભર શાળા સંચાલકો સામે નીતિવિષયક નિર્ણયના મામલે રાજય સરકારની ગુજરાત હાઇકોર્ટમાં જીત થઇ છે. હાઇકોર્ટના આ ચુકાદાને પગલે ઉંચી અને તગડી ફી વસૂલી નફાખોરી રળતી સ્વનિર્ભર શાળાઓને જબરદસ્ત પછડાટ મળી છે. હાઇકોર્ટના આ ચુકાદાથી નારાજ સ્વનિર્ભર શાળાઓ તરફથી સુપ્રીમકોર્ટમાં જવું હોઇ આ ચુકાદા સામે સ્ટેની માંગણી કરાઇ હતી જો કે, હાઇકોર્ટની ખંડપીઠે શાળાઓની સ્ટેની માંગણી પણ ધરાર ફગાવી દીધી હતી.
ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને પગલે હવે સ્વનિર્ભર શાળાઓ નફાખોરી રળી શકશે નહી અને વિદ્યાર્થીઓ તેમ જ તેમના વાલીઓ પાસેથી મનસ્વી રીતે ઉંચી કે તગડી ફી વસૂલી શકશે નહી. હાઇકોર્ટે ગુજરાત સ્વનિર્ભર શાળા(ફી નિયમન) કાયદા-૨૦૧૭નો આગામી વર્ષ ૨૦૧૮ના નવા શૈક્ષણિક સત્રથી અમલવારી કરવા પણ સરકારને મંજૂરી આપી હતી અને તેના ચુકાદામાં એ બાબત પણ સ્પષ્ટ કરી દીધી હતી કે, રાજય સરકારને આ પ્રકારનો કાયદો બનાવવાની સત્તા છે અને સરકારે બનાવેલો આ કાયદો બિલકુલ યોગ્ય, વાજબી અને કાયદેસર છે. તેમાં સ્વનિર્ભર શાળાઓ કે તેના સંચાલકોના બંધારણીય અધિકારોનું કોઇ હનન થતું નથી. એટલું જ નહી, આ કાયદા અંતર્ગત સરકાર દ્વારા રચાયેલી ફી નિયમન સમિતિઓ પણ બંધારણીય અને કાયદેસર છે. આ અંગેના સરકારના જાહેરનામા પણ યોગ્ય અને કાયદેસર ઠરે છે.
સરકારના કાયદામાં માઇનોરીટીના કોઇ અધિકારોનું પણ ઉલ્લંઘન થતું નથી. જો કે, હાઇકોર્ટે સ્વનિર્ભર શાળાઓને એ મુદ્દે છૂટ આપી હતી કે, તેઓ શિક્ષણની ગુણવત્તા માટે ફી વધારા અંગે પ્રપોઝલ આપી શકશે અને તેની પર ફી નિર્ધારણ સમિતિ કાયદેસર નિર્ણય લેશે. છ અઠવાડિયામાં ખાનગી સ્વનિર્ભર શાળાઓ એકઝમ્પ્શન માટે સક્ષમ સત્તાવાળાઓ સમક્ષ અરજી કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સ્વનિર્ભર શાળા(ફી નિયમન) કાયદા-૨૦૧૭ની બંધારણીય કાયદેસરતાને પડકારતી રાજયભરની સ્વનિર્ભર શાળાઓ તરફથી તો, સાથે સાથે કેટલાક શ્રીમંત વાલીઓ તરફથી પણ આ શાળાઓને સમર્થન આપતી તેમ જ સ્વનિર્ભર શાળાઓની રજૂઆતનો વિરોધ કરતી જુદી જુદી રિટ અરજીઓ ગુજરાત હાઇકોર્ટમાં થઇ હતી. ખૂબ જ મહત્વપૂર્ણ એવા આ કેસની સુનાવણી અગાઉ ગુજરાત હાઇકોર્ટે ડે ટુ ડે બેઝીઝ પર હાથ ધરવાનુ નક્કી કર્યું છે જેમાં સ્વનિર્ભર શાળાઓ, રાજય સરકાર, વાલીઓ-વિદ્યાર્થીઓ સહિતના તમામ પક્ષકારોની રજૂઆત પૂર્ણ થઇ જતાં ગત તા.૩૧ ઓગસ્ટ,૨૦૧૭ના રોજ હાઇકોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો, જે આજે ખુલ્લી અદાલતમાં જાહેર કરી હાઇકોર્ટે સમગ્ર રાજયના વિદ્યાર્થીઓ અને વાલીઓને બહુ મોટી રાહત આપતો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અને સરકારના ગુજરાત સ્વનિર્ભર શાળા(ફી નિયમન) કાયદા-૨૦૧૭ને બહાલ રાખ્યો હતો.
ફી નિયમનના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આજે આપ્યો હતો. હાઇકોર્ટે તેના ચુકાદામાં એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે, જે શાળાઓએ સરકારે નિયત કરેલી ફી કરતાં વધુ ફી ઉઘરાવી હશે તેવી શાળાઓએ વિદ્યાર્થીઓને આગામી શૈક્ષણિક સત્રમાં વધારાની ઉઘરાવેલી ફીની રકમ મજરે આપવી પડશે એટલે કે, ક્રેડિટ આપવી પડશે. જે વિદ્યાર્થીઓએ અને વાલીઓએ શાળા દ્વારા ઉઘરાવાયેલી વધારાની ફી મુદ્દે તેમને કોઇ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે, શાળા સંચાલકોએ નવા સત્રમાં તફાવતની રકમ ક્રેડિટ આપવી પડશે એટલે કે, નવા સત્રની ફીમાં તેટલી રકમ વાળી આપવી પડશે.
રાજય સરકારના ફી નિયમન કાયદામાં બહુ વિસ્તૃત અને અસરકારક જોગવાઇ લાગુ કરવામાં આવી છે જે મુજબ, જો કોઇ ખાનગી કે સ્વનિર્ભર શાળા દ્વારા સરકારના ફી નિયમન કાયદાનો ત્રણ વાર ભંગ કરાશે તો, તે શાળાની શૈક્ષણિક માન્યતા રદ કરી દેવાશે.
પહેલીવાર કાયદાનો ભંગ કરશે તો, તેને પાંચ લાખ રૂપિયાનો દંડ, બીજીવાર કાયદાના ભંગ બદલ રૂ. દસ લાખનો દંડ અને ત્રીજી વાર કાયદાના ભંગ બદલ શાળાની સીધી માન્યતા જ રદ કરવાની કાયદામાં જોગવાઇ છે.

Related posts

સાવધાન…રોંગ સાઇડ વાહન ચલાવશો તો પંક્ચર થઇ જશે, મુકાશે ‘ટાયર-કિલર’

aapnugujarat

રાજયના ૨૦૩ જળાશયો પૈકી ૦૪ હાઇ એલર્ટ  : સરદાર સરોવર (નર્મદા ડેમ)ની જળ સપાટી ૧૧૫.૦૨ મીટર

aapnugujarat

રાજપીપલાની આઇટીઆઇ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની કરાયેલી ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1