Aapnu Gujarat
ગુજરાત

બંધારણ મુજબ જ અનામત આપવી જોઇએ : અમરસિંહ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપ, કોંગ્રેસ ઉપરાંત અન્ય નાના-મોટા રાજકીય પક્ષો મેદાનમાં ઉતર્યા છે ત્યારે આજે વધુ એક રાજકીય પક્ષ ભારતીય જન હિતકારી પાર્ટીએ આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પોતાના ૧૦૦થી વધુ ઉમેદવારોને ઉભા રાખવાની જાહેરાત કરી છે. ભારતીય જન હિતકારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમરસિંહ ચૌધરીએ ખેડૂતોના દેવા માફી, યુવાનોને રોજગાર, મહિલાઓને સુરક્ષા સહિતના મુદ્દાઓ સાથે ગુજરાતની જનતા માટે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી હતી. તેમણે અનામતના મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, પાટીદારોને જો બંધારણીય જોગવાઇ મુજબ, અનામત મળવાપાત્ર હોય તો આપવી જોઇએ નહી તો, અનામતની પ્રથા જ નાબૂદ કરવી જોઇએ. તો જ રાજયમાં અને સમાજમાં સમાનતા પ્રવર્તી શકે. આજે અનામતના મામલાને લઇને જ સમાજમાં વર્ગવિગ્રહ જન્મ્યા છે. અમદાવાદની મુલાકાતે આવેલા ભારતીય જન હિતકારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમરસિંહ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, મોદી સરકાર અને ભાજપે ગુજરાત સહિત દેશની જનતાને વાયદાઓ કર્યા છે પરંતુ તે નહી પાળીને લોકોને છેતર્યા છે અને તેમની લાગણીઓ સાથે રમત રમી છે. નોટબંધી અને જીએસટીએ લોકોને બરબાદ કરી નાંખ્યા. લાખો લોકો બેરોજગાર બન્યા અને દેશનો જીડીપી દર બે ટકા સુધી ઘટી ગયો. નોટબંધી દરમ્યાન ૧૧૫થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા, તેના માટે મોદી સરકાર જવાબદાર છે. દેશમાં આજે ૩૦ હજાર કરોડનો ફોરેન એક્ષ્ચેન્જ લોસ અને પાંચ હજાર કરોડનો રેવન્યુ લોસ છે, જે મોદી સરકાર અને તેમના મંત્રીઓ પાસેથી વસૂલાવો જોઇએ. મોદી સરકાર અને ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારીએ માઝા મૂકી છે. ગુજરાત મોડેલને તો આ લોકોએ બિહાર મોડેલ એટલે બેહાલ મોડેલ બનાવી દીધું છે. વિધાનસભાની ચૂંટણીને લઇ ચૌધરીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જન હિતકારી પાર્ટીે તેના ૧૦૦થી વધુ ઉમેદવારો મેદાનમાં ઉભા રાખશે. જેમાં ૨૫ મહિલા ઉમેદવારોને ટિકિટ અપાશે અને તેમાં પણ ૩૦ ટકા એસ.એસટી કેટેગરીની મહિલાઓને પ્રાધાન્યતા અપાશે. તેમણે ગુજરાતની જનતા ખાસ કરીને ખેડૂતોના દેવા માફ કરવાની, પૂરગ્રસ્ત ખેડૂતોને રૂ.ત્રણ-ત્રણ લાખની સહાય, મકાનના રીનોવેશન કે પશુપાલન માટે બે લાખ રૂપિયાની સહાય, યુવાનોને રોજગારી, મહિલાઓને સુરક્ષા સહિતના મુદ્દા પર ચૂંટણીલક્ષી જાહેરાત પણ કરી હતી. આ પ્રસંગે ભારતીય જન હિતકારી પાર્ટીના આગેવાનો કે.સી.પાલીવાલ અને કમલ વર્મન પણ હાજર રહ્યા હતા.

 

Related posts

Gujarat farmers registering themselves for selling groundnut in State-aided procurement process at MSP

editor

વિરમગામમાં લાઇબ્રેરીની શરૂઆત કરીને મનુભાઇ પટેલના ૯૦માં જન્મ દિવસની ઉજવણી કરાશે

aapnugujarat

માંડલમાં ગૌરીવ્રત ઉજવણી દરમિયાન આચાર્ય પરિવારે સામાજિક સમરસતાનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1