Aapnu Gujarat
ગુજરાત

શરદોત્સવના નામે ખંડણી ઉઘરાવો, જલસા કરો કાંડ :સુરેશ મહેતા સહિતના આગેવાનો દ્વારા આક્ષેપો

સને ૨૦૦૫માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છ શરદોત્સવના ઓઠા હેઠળ જિલ્લા કલેકટર મારફતે કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવી જલસા કરવાનું કૌભાંડ આચર્યું હોવા અંગે આજે રાજયના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા, લોકશાહી બચાવો અભિયાનના કન્વીનરો પ્રો.હેમંતભાઇ શાહ અને ગૌતમભાઇ ઠાકરે ગંભીર આક્ષેપો કર્યો હતા. તત્કાલીન મોદી સરકારે બંધારણીય અને કાયદાકીય જોગવાઇઓ નેવે મૂકીને આચરેલા આ કૌભાંડને પગલે રાજયની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનો આરોપ પણ આ મહાનુભાવોએ લગાવ્યો હતો. રાજયના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા, લોકશાહી બચાવો અભિયાનના કન્વીનરો પ્રો.હેમંતભાઇ શાહ, ગૌતમભાઇ ઠાકર અને મહેશભાઇ પંડયાએ અત્રે એક પત્રકાર પરિષદમાં મોદી સરકારના આ કૌભાંડ અંગે જણાવ્યું હતું કે, મોદી સરકારે ૨૦૦૫માં શરદોત્સવના નામે વેલસ્પન જેવી મોટી કંપની પાસેથીરૂ.૫૦ લાખનો ફાળો ઉઘરાવી તેના બદલામાં કરોડો રૂપિયાની ૪૦ એકર જેટલી જમીન કંપનીને ફાળવી દેવાઇ હતી. એટલું જ નહી, પંચાયતની ચૂંટણી સમયે આચારસંહિતાનો ભંગ કરીને ઓકટોબર-૨૦૦૫માં શરદોત્સવની ઉજવણી કરાઇ હતી. કચ્છમાં ૨૦૦૫માં મોદી સરકાર દ્વારા શરદોત્સવ યોજવામાં આવ્યો હતો. જે અંગે તા.૧૬-૮-૦૫ના રોજ સંકલન સમિતિની બેઠક મળી હતી અને તેમાં ઠરાવ નં-૬માં શરદ મહોત્સવ-૨૦૦૫ નામનું એક બેંક એકાઉન્ટ ખોલાવવા કલેકટરને મંજૂરી આપવામાં આવી હતી. એટલું જ નહી, દોઢ કરોડ રૂપિયાનું ઉઘરાણું કરી આ રકમ ખાતામાં જમા કરવા ઠરાવાયું હતું. ત્રણ દિવસ બાદ કલેકટરના અધ્યક્ષપદે પાંચ અધિકારીઓની એક સમિતિ રચાઇ હતી. એ પછી જિલ્લા કલેકટર દ્વારા ઉઘરાણું શરૂ કરાય છે એટલે કે, ખંડણી ઉઘરાવાય છે. જેમાં અદાણી પોર્ટ લિમિટેડને તા.૭-૯-૦૫ના રોજ પત્ર લખી કલેકટર રૂ.૫૦ લાખની માંગણી કરે છે, જેના અનુસંધાનમાં કંપનીએ તા.૧૫-૯-૦૫ના રોજ રૂ.૨૫ લાખનો ચેક મોકલય્‌ હતો. આ જ પ્રકારે આ બેંક એકાઉન્ટમાં ૪૫૩ જેટલી નાની-મોટી કંપનીઓ, ખાનગી વ્યકિતઓ, સહકારી મંડળીઓ, સિનેમાગૃહો, પેટ્રોલપંપો, ગ્રામ પંચાયતો, બિનસરકારી સંગઠનો અને ઉદ્યોગ મંડળો પાસેથી કુલ રૂ.૨, ૩૯,૦૬,૮૨૦ જેટલી મસમોટી રકમ ઉઘરાવી ઉપરોકત બેંક ખાતામાં જમા કરાવાઇ હતી. તા.૩૧-૮-૦૫ના રોજ વેલસ્પન કંપનીએ રૂ.૨૫ લાખનો એક એવા બે ચેકો મળી કુલ રૂ.૫૦ લાખ આપ્યા હતા. ઉપરોકત મહાનુભાવોએ મોદી સરકારના શરદોત્સવ કૌભાંડનો પર્દાફાશ કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલાં જનતાની અદાલતમાં અમે મોદી સરકારના અનેક કૌભાંડો મૂકયા છે, તેમાં એક નવું કૌભાંડ છે, હવે ચૂંટણીમાં મતદાન વખતે ગુજરાતની જનતાએ પોતાની સૂઝબુઝ વાપરી ફેંસલો કરવાનો છે. પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા અને લોકશાહી બચાવો અભિયાનના કન્વીનરો પ્રો.હેમંતભાઇ શાહ અને ગૌતમભાઇ ઠાકરે જણાવ્યું કે, કલેકટરે શરદોત્સવ માટે એસબીઆઇની ભુજ શાખામાં ખાતુ ખોલાવ્યું હતું. કલેકટર અલગ ખાતુ ખોલાવે અને તેમાં પૈસા ઉઘરાવી જમા કરાવે તે સ્પષ્ટ રીતે નાણાંકીય કૌભાંડ જ છે. બંધારણની કલમ-૨૬૬ હેઠળ સરકાર પાસે જે કોઇ નાણાં આવે તે બધા રાજયની એકત્રિત નિધિમાં જમા થાય અથવા જાહેરહિસાબમાં જમા થાય પરંતુ ઉપરોકત ખંડણીના પૈસા બેમાંથી એકેય નિધિમાં જમા થયા નથી. સૌથી મોટી વાત એ છે કે, વેલસ્પન કંપનીને રૂ.૨૧ હજાર કરોડના લાભ વિવિધ પ્રકારની સબસીડી પેટે અપાયા હતા. આ કંપનીને જે જમીન અપાઇ તે મોદીના કહેવાથી જ અપાઇ હતી. ખુદ તત્કાલીન કચ્છ કલેકટર પ્રદીપ શર્માએ કોર્ટ સમક્ષના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમણે મુખ્યમંત્રીના કહેવાથી જમીન ફાળવી હતી અને જો ખોટી જમીન ફાળવી હોય તો સરકાર જપ્ત કેમ કરતી નથી. સ્વાભાવિક છે કે, કંપનીએ રૂ.૫૦ લાખની ખંડણી ચૂકવી હતી, તેથી જમીન કેવી રીતે જપ્ત થાય.

Related posts

કાંકરિયા કાર્નિવલની ભવ્ય શરૂઆત

aapnugujarat

કાંઠાના વિસ્તારોમાં તબીબી સેવા ઉપલબ્ધ બનાવવા માંગ

aapnugujarat

ડભોઈ નાંદોદી ભાગોળ પોલીસ ચોકી સામે ટ્રક પલટી ગઈ

editor

Leave a Comment

UA-96247877-1