Aapnu Gujarat
ગુજરાત

કાંઠાના વિસ્તારોમાં તબીબી સેવા ઉપલબ્ધ બનાવવા માંગ

રાજયના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકાંઠાની આસપાસ મેડિકલ સુવિધા ઉપલબ્ધ નહી હોવાના કારણે માછીમારોની કફોડી હાલત અને ચિંતાજનક સ્થિતિ મુદ્દે થયેલી જાહેરહિતની રિટ અરજીમાં ગુજરાત હાઇકોર્ટે રાજય સરકાર અને કેન્દ્ર સરકારનો ખુલાસો માંગ્યો છે. હાઇકોર્ટે અરજદારપક્ષ દ્વારા અરજીમાં ઉઠાવાયેલા મુદ્દાને લઇ ચિંતા વ્યકત કરી હતી કે, માછીમારો અને સ્થાનિક નાગરિકોના હિતમાં આવી આરોગ્યવિષયક સેવા ઉપલબ્ધ થાય તે જરૂરી છે. હાઇકોર્ટે રાજય સરકાર અને કેન્દ્ર સરકારને આ મામલે આવતા શુક્રવાર સુધીમાં જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો હતો. જાહેરહિતની રિટમાં એવી રજૂઆત કરાઇ હતી કે, રાજયના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકિનારા વિસ્તારમાં કે તેની આસપાસ યોગ્ય અને પૂરતી મેડિકલ સુવિધા જ ઉપલબ્ધ નથી, જેના કારણે દરિયો ખેડતા અને માછીમારી કરી ગુજરાન ચલાવતા માછીમારોની જીવન પર સતત ખતરો તોળાયેલો રહે છે. મધદરિયે માછીમારી કરવા ગયેલા માછીમારોની તબિયત જો મધદરિયે બગડે તો કોઇપણ રીતે તેમને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવાની કોઇ સુવિધા જ તંત્ર પાસે નથી. એટલે સુધી કે, જેટી અને પોર્ટ પાસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો જેવી બુનિયાદી તબીબી સુવિધાનો અભાવ છે. જે ખૂબ જ ગંભીર અને ચિંતાજનક બાબત છે. અરજદારપક્ષ તરફથી વધુમાં જણાવાયું કે, માછીમારોના જીવનરક્ષણ કે તેમની આરોગ્ય સેવા માટે ખરેખર તો દરિયાકાંઠાના વિસ્તારમાં કે નજીકના અંતરે સંપૂર્ણ સુવિધાઓ અને ઓપરેશન થિયેટર સહિતની સુવિધાઓ સાથે અદ્યતન હોસ્પિટલ ઉપલબ્ધ હોવી જોઇએ કારણ કે, ઇમરજન્સી કેસોમાં યોગ્ય અને ત્વરિત સારવારના અભાવે તેઓ અકાળે મોતને ભેટતા હોય છે. આ સંજોગોમાં હાઇકોર્ટે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો સહિતના ગરીબ પરિવારો માટે આરોગ્ય વિષયક સેવા અને હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ બનાવવા રાજય સરકારના સત્તાવાળાઓને આદેશ કરવો જોઇએ. અરજદારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખ્યા બાદ હાઇકોર્ટે ઉપરમુજબ નિર્દેશો જારી કર્યા હતા.

Related posts

નઝીર ઉપર ગોળીબાર કરનારો પાનેરી ઝડપાયો

aapnugujarat

સુરતમાં ભાજપના ૧૨ માંથી ૬ ધારાસભ્યની ટિકિટ કપાઈ

aapnugujarat

૫૦ માઇક્રોન કે વધુ જાડાઇના પ્લાસ્ટિક કપનો ઉપયોગ માન્ય : હાઈકોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1