Aapnu Gujarat
ગુજરાત

નઝીર ઉપર ગોળીબાર કરનારો પાનેરી ઝડપાયો

શહેરના જૂહાપુરા વિસ્તારમાં થોડાક મહિના પહેલાં વહેલી પરોઢે બિલ્ડર નઝીર વોરા પર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ કરવાના ચકચારભર્યા પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર અને ફાયરીંગ કરનાર આરોપી નરેન્દ્ર પાનેરીને રાજસ્થાનની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સે ઝડપી પાડયો છે. પાનેરીએ પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે, નઝીર વોરાની હત્યા માટે તેના બનેવી મુસ્તફા ઉર્ફે લાલા વોરા અને તેની બીજી પત્ની યાસ્મીન શેખે તેને સોપારી આપી હતી. અમદાવાદ પોલીસે હવે ટૂંક સમયમાં જ રાજસ્થાનના આ ખતરનાક ગેંગસ્ટર નરેન્દ્ર પાનેરીને આ કેસની તપાસ માટે અહીં લાવવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઇદના બીજા દિવસે જૂહાપુરામાં વહેલી પરોઢે બિલ્ડર નઝીર વોરા પર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ કરવામાં આવ્યું હતું, જો કે, આ ફાયરીંગમાં વોરાનો આબાદ બચાવ થયો હતો. આ બનાવ અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન થોડા દિવસ પહેલાં રાજસ્થાન એસટીએફની ટીમે ગેંગસ્ટર અને સોહરાબ કેસના સાક્ષી એવા આઝમખાન પઠાણે પણ રાજસ્થાન પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, નઝીર વોરાની હત્યા માટે સોપારી અપાઇ હતી. રાજસ્થાન પોલીસ આ વાતની ખરાઇની તપાસમાં હતી ત્યાં જ બે દિવસ પહેલાં રાજસ્થાન એસટીએફની ટીમના હાથે કુખ્યાત ગેંગસ્ટર નરેન્દ્ર પાનેરી પિસ્તોલ સાથે રંગેહાથ ઝડપાઇ ગયો હતો. નઝીર વોરાની હત્યા માટે તેના બનેવી મુસ્તફા ઉર્ફે લાલા વોરા અને તેની બીજી પત્ની યાસ્મીન શેખે તેને રૂ.૨૦ લાખની સોપારી આપી હતી. ઇદના દિવસે લાલા વોરા લાલ કલરની સ્વીફટ કાર લઇને તેને રાજસ્થાન લેવા માટે આવ્યો હતો અને ત્યારબાદ નરેન્દ્ર પાનેરીને લઇ લાલા હિંમતનગર આવ્યો હતો, જયાં યાસ્મીન શેક તેની માતા અને ભાઇ આસીફ જમાલ સિંધી વર્ના કાર લઇને ઉભા હતા. તમામ લોકોએ નઝીર વોરાને મારવા માટેનો પ્લાન હિંમતનગરમાં બનાવ્યો હતો. બાદમાં લાલા, પાનેરી અને આસીફ વર્ના કાર લઇને અમદાવાદ આવ્યા હતા અને એ પછી પાનેરીએ નઝીર વોરા પર ફાયરીંગ કર્યુ હતું. જો કે, વોરા બચી જતાં લાલા વોરા અને પાનેરી વચ્ચે ઝઘડો પણ થયો હતો. કારણ કે, લાલાએ તેને એડવાન્સમાં ચાર લાખ રૂપિયા આપ્યા હતા અને બીજા પૈસા કામ પતી જાય પછી આપવાના હતા. પાનેરીની આ કબૂલાતના આધારે હવે આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે. બીજીબાજુ, અમદાવાદ પોલીસે પણ હવે નઝીર વોરાના ફાયરીંગ કેસમાં પાનેરીને શકય એટલો વહેલો અમદાવાદ લાવવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

ઇડરના વસાઈ અને ઝુમસરની સીમમાં દીપડો દેખાયો

editor

શંકરસિંહ વાઘેલાએ એનસીપી સાથે કરી બેઠક

aapnugujarat

ગૃહમાં પણ સરકાર ગેરમાર્ગે દોરી રહી છે : પરેશ ધાનાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1