Aapnu Gujarat
બ્લોગ

ભાજપની જીત અઘરી ખરી કોંગ્રેસ પણ જીતના લાડવાથી હજુ દૂર

દિવાળી બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ. ભાજપ અહીં ૨૨ વર્ષથી સત્તામાં છે. પણ આ વખતે ભાજપનું જીતવું અઘરું છે. આ વાત મોદી સહીત ભાજપ પણ સારી રીતે જાણે છે માટે જ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેબિનેટ મંત્રીઓને ગુજરાતના ચૂંટણી પ્રચારમાં દોડતા કરી લીધા છે. ભાજપ આ વખતે ખાલી વિકાસની વાતો જીતી નહીં શકે. લોકો નહેરો- રસ્તાઓનો વિકાસ જોઇને કંટાળી ગયા છે. જે મોદીનું ભાષણ શરૂ થતા લોકો મોદી-મોદીના નારા લગાવતા, તે મોદીના નારા હવે ગુજરાતમાં સંભળાતા ઓછા થઇ ગયા છે. ચૂંટણી પછી મોદીની પહેલી સ્પીચ અને હાલની પીએમ મોદીની સ્પીચ અને લોકોનો આવકાર ટૂંકમાં એજ કહે છે કે ત્રણ જ વર્ષમાં ઘણું બદલાઇ ગયું. વળી જે વિકાસનું ગીત ગાઇને મોદીએ ગુજરાતમાં જાતિવાદી આંખ આડે કાન કર્યા હતા તે જ જાતિવાદ હવે તેમના પગની બેડી બની ગયો છે. છે. અને તેમાં કંઇ બાકી રહ્યું હોય તે નોટબંધી અને જીએસટીએ પૂરું કર્યું છે. જો કે આ તમામ પાસાઓ હોવા છતાં ભાજપનું જીતવું અઘરું બન્યું છે, અશક્ય નહીં. હજી પણ સંભાવનાઓ રહેલી છે કે ભાજપ આ વખતની ચૂંટણી પણ જીતી જાય.બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો એક સમય હતો જ્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવતા તો લોકો તેમની મજાક ઉડાવતા. કોઇ તેમના ભાષણોને ગંભીરતાથી લેતું નહીં. પણ છેલ્લા બે વખતના પ્રવાસ અને તેમાં ઊમટેલી ભારે ભીડ બતાવે છે કે પ્રવાહ બદલાયો છે. કોંગ્રેસને જીતાડવા પાછળ પાટીદારોએ હાથ લાંબા કર્યા છે. સાથે સાથે કોંગ્રેસની સોશિયલ મીડિયા સ્ટ્રેટર્જી પણ બદલાઇ છે. પણ તેમ છતાં કોંગ્રેસને પણ આ ચૂંટણીમાં ઝાઝું ખુશ થવાની જરૂર નથી. કોંગ્રેસ માટે પણ વિધાનસભાની ચૂંટણીમાં જીતવું લોઢાના ચણા ચાવવા જેટલું જ મુશ્કેલ છે પણ હા કોંગ્રેસ પાસે લાંબા સમય પછી એક સોનેરી તક આવી છે પણ મુખ્યમંત્રીનો કોઇ દમદાર ચહેરો સામે ના હોવાના કારણે અને તેની ભ્રષ્ટાચારી છબીના કારણે જીતનો લાડુ ખાવા માટે તેણે પણ એડી ચોટીનું જોર લગાવવું પડશે.ટૂંકમાં ગુજરાતની જનતા પરિવર્તન ઇચ્છે છે. પણ આ પરિવર્તન માટે તેની સામે કોઇ સારો વિકલ્પ નથી. તેના આ વિકલ્પ ભાજપમાં પણ નથી દેખાતો કોંગ્રેસમાં પણ નહીં અને જનવિકલ્પમાં પણ નહીં અને આ કારણે જ ઊભી થયેલી વિવશતા આવનારી ચૂંટણી કોઇ પાર્ટી માટે અપસેટ સર્જવાની ક્ષમતા ધરાવે છે.ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપને કયા-કયા મુદ્દા નડી શકે છે તેનું એનાલીસીસ કરવા માટે ખાનગી રાહે સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યૂરોએ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ ચાર ઝોનમાં સરવે ચાલુ કરી દીધો છે. ભાજપને ચૂંટણી જીતવા માટે ક્યા ફેક્ટર નડી શકે છે તેનું આંકલન કરીને રાજ્ય સરકારને રિપોર્ટ સબમીટ કરશે. વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે ભાજપને પાટીદાર ફેક્ટર ઉપરાંત દારૂબંધીના કડક અમલનો ક્ષત્રિય સમાજનો મુદ્દો, દલિત આંદોલન અને નોટબંધીનો મુદ્દો નડી જાય એમ છે.ઉત્તર ગુજરાતમાં પાટીદાર ફેક્ટર, સૌરાષ્ટ્ર દલિત આંદોલન, અમદાવાદ શહેર અને આસપાસના ગામડાંમાં દારૂની ભઠ્ઠીઓ અને તેના વેચાણને લઇને ક્ષત્રિય સમાજ લડત આપી રહ્યો છે. નોટબંધી પછી ગામડાંમાં પરિસ્થિતિ વિકટ છે. નવી નોટો અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરમાં પહોંચાડવામાં આવી છે પણ ગ્રામીણ વિસ્તારોમાં નવી નોટો નહીં પહોંચતા સરકારના પ્રતિનિધિમંડળે કેન્દ્રના નાણામંત્રી અરુણ જેટલી મળવું પડયું હતું.ગ્રામીણ વિસ્તારોમાં દૂધ મંડળીઓ, ખેડૂતોને પૂરતી નોટો ન મળતા ભારે નારાજગી છે. વાઇબ્રન્ટમાં પણ જોઇએ તેટલું મોટું રોકાણ થયું નથી. રોકાણની ટકાવારી ઓછી છે. ચૂંટણીમાં બરોજગારીનો પ્રશ્ન પણ મહત્ત્વનો બની રહે એમ છે. કેમ કે ફિક્સ પગારદારો પછી આઉટસોર્સીંગથી કોન્ટ્રાક્ટ પર રાખેલા વર્કરોનો પ્રશ્ન હજુ પડતર છે. અમદાવાદમાં ભાજપના ગઢ ગણાતી બેઠકો પર પાટીદાર ફેક્ટર કામ કરી રહ્યું છે જેના કારણે આઇબી દોડતું થઇ ગયું છે. કોંગ્રેસ એકજૂથ થઇને સક્રિય થઇ રહ્યું છે તે જોતા એવુ ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યુ છે કે, ભાજપ માટે ચૂંટણી જીતવી એટલી આસાન નથી પણ કપરા ચઢાણ સમાન છે. આ તમામ મુદ્દાનું એનાલીસીસ કરીને આઇબી રિપોર્ટ સરકારને આપશે.વર્ષોથી બે જ પક્ષ વચ્ચે ફરતા રહેલા ગુજરાતના રાજકારણમાં અચાનક ત્રણ નવા ખેલાડી પ્રવેશી ગયા છે. એ છે પાટીદાર અનામત આંદોલન સમિતિનાં સંયોજક હાર્દિક પટેલ, યુવા દલિત નેતા જિજ્ઞેશ મેવાણી તથા ઓબિસિ એટલે અન્ય પછાત વર્ગ અને અનુસૂચિત જાતિ-જનજાતિ એકતા મંચના આગેવાન અલ્પેશ ઠાકોર. આમાંથી અલ્પેશ ઠાકોર સોમવારે વિધિવત કોંગ્રેસમાં જોડાઈ ગયા છે તો હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીએ હાજી સુધી કોઈ રાજકીય પક્ષમાં જોડાવાનું ટાળ્યું છે. જો કે આ બંને પણ ભાજપવિરોધી મોરચામાં ભળે તે નિશ્ચિત છે.કહેવાય છે કે હાર્દિક પટેલે ગુજરાત આવેલા કોંગ્રેસ ઉપ-પ્રમુખ રાહુલ ગાંધીની મુલાકાત લઇ પક્ષને પોતાનો ટેકો જાહેર કરવા અમુક શરતો મૂકી છે. હાર્દિકે પોતે આવી કોઈ મુલાકાત કર્યાનું નકાર્યું છે. વરુણ પટેલ અને રેશ્મા પટેલ સહીત હાર્દિક પટેલના અમુક સાથીદારો છેલ્લા બે-ત્રણ દિવસમાં ભાજપમાં જોડાયા છે અને એમણે હાર્દિક પટેલ સામે વાગ્યુદ્ધ છેડ્યું છે.હાર્દિક પટેલના એવા એક સાથીદાર નરેન્દ્ર પટેલે રવિવારે ભાજપમાં જોડાઈ ત્રણ જ કલાકમાં પોતાનો નિર્ણય બદલી કાઢ્યો અને પત્રકારો સામે એ વિષે ખુલાસો કર્યો કે ભાજપે એને એક કરોડ રૂપિયા ચુકવવાની ઓફર કરી હતી અને એના ભાગ રૂપે એને દસ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.બે મહિના પહેલા ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્યો ચૂંટવા માટે મતદાન થયું ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલને હરાવવા ભાજપે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને ખરીદ્યા હોવાના આક્ષેપ થયા હતા એ પછી ભાજપ પર બીજી વાર આવું આળ આવ્યું છે. મોદીની જેમ ઉપરાઉપરી ગુજરાત મુલાકાત લઇ રહેલા રાહુલ ગાંધીએ આ મુદ્દો ઉછાળી સોમવારની પોતાની જાહેરસભામાં કહયું હતું કે ગુજરાતની પ્રજા એવી બિકાઉ નથી જેને ભાજપ ખરીદી શકે.મોદી સરકારે થોડા મહિના પહેલા અમલમાં મુકેલા જીએસટી એટલે ગૂડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સને ફિલ્મ શોલેના વિલન ’ગબ્બર સિંહ ટેક્સ’ એવું નામ આપી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ કરમાળખાએ નાના વેપારી તથા કારખાનેદારોને ખતમ કરી નાખ્યા છે.સોમવારે રાહુલ ગાંધી ગુજરાતમાં હતા તો એના આગલા દિવસે વડાપ્રધાન નરેદ્‌ન્ર મોદીએ વડોદરા અને ભાવનગર નજીકના ઘોઘા બંદરે એમ બે કાર્યક્રમમાં હાજરી આપી હતી. ઘોઘાથી ભરૂચ પાસેના દહેજ બંદર વચ્ચેની ફેરી સર્વિસનું મોદીએ ઉદ્ઘાટન કર્યું તો વડોદરામાં એમણે કુલ સાડા ત્રણ હજાર કરોડ રૂપિયાના પ્રકલ્પનું લોકાર્પણ કર્યું.નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ભાજપ ૨૧ મોટી વિધાનસભા ચૂંટણી લડ્યું છે. જો કે ગુજરાતની વાત અલગ છે. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં છેલ્લા ઘણા સમયથી ભાજપ સત્તા પર છે. આ પહેલુ એવુ રાજ્ય છે જ્યાં ભાજપ કોઈપણ પ્રકારના ગઠબંધન વિના ચૂંટણી લડી રહ્યું છે. વળી, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા અને અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા તે પછીની ગુજરાતમાં યોજાનારી આ પ્રથમ ચૂંટણી છે. વર્ષ ૨૦૧૪માં મોદી વડાપ્રધાન બન્યા પછી ભાજપે આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, ઓરિસ્સા, સિક્કિમ, તેલંગણા, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, બિહાર, દિલ્હી, આસામ, કેરેલા, પુડુચેરી, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ચૂંટણી લડી છે.હરિયાણા, આસામ અને ઉત્તરાખંડમાં ભાજપે સ્વબળે સત્તા હાંસલ કરી છે. તેણે આ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસના હાથમાંથી સત્તા છીનવી લીધી હતી. આંધ્રપ્રદેશ, સિક્કિમ, જમ્મુ કાશ્મી, ઝારખંડ, મહારાષ્ટ્ર, બિહાર, ગોવા, મણિપુર અને ઉત્તર પ્રદેશમાં તેમણે બીજા પક્ષોનો સાથ મેળવીને એનડીએની સરકાર બનાવી છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહના વડપણ હેઠળ લડાયેલી ૨૧ ચૂંટણીમાંથી ભાજપ ૧૨માં જીતી ગયુ છે.
કોંગ્રેસ માત્ર અરૂણાચલ પ્રદેશ અને પુડુચેરી જેવા નાના રાજ્યોમાં જ સત્તા ટકાવવામાં સફળ ગયુ છે. કેરેલા એકમાત્ર એવુ રાજ્ય છે જ્યાં બીજા પક્ષોની મદદ લઈને કોંગ્રેસ સત્તા ટકાવી શક્યુ છે.
મોદી વડાપ્રધાન બન્યા પછી બિહાર અને દિલ્હીમાં મળેલી હાર એ પાર્ટીની સૌથી મોટી હાર છે. જો કે ભાજપ જેડીયુ સાથે જોડાતા બિહારમાં રાજકીય સમીકરણો બદલાઈ ગયા હતા.ભાજપ ગુજરાતને સતત મોડેલ સ્ટેટ તરીકે પ્રમોટ કરતું આવ્યું છે. આથી ડિસેમ્બરમાં આવનારી ચૂંટણી વડાપ્રધાન મોદીનો પાવર વધ્યો છે કે ઘટ્યો તેનું સરવૈયુ આપી દેશે. રસપ્રદ વાત એ છે કે ગુજરાત એ પહેલુ એવુ રાજ્ય છે જેમાં ૧૯૯૫થી ભાજપ બહુમતિથી સરકાર બનાવતુ આવ્યું છે. અત્યાર સુધી નરેન્દ્ર મોદી સરકાર તેમના કેમ્પેઈનના જોરે ચૂંટણી જીતતી આવતી આવતી પરંતુ આ પ્રથમ વાર ભાજપે તેમની કેટલીક પોલીસી માટે બચાવ કરવો પડી રહ્યો છે.આ સમગ્ર એનાલિસિસ સૂચવે છે કે ભાજપે મોદી વડાપ્રધાન બન્યા તેના સાડા ત્રણ વર્ષમાં ઘણી ચૂંટણીઓમાં ઝળહળતી સફળતા મેળવી છે જેમાં કેટલાંક નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં પ્રથમવાર સત્તા હાંસલ કરવાની અને ઉત્તર પ્રદેશમાં ઝળહળતો વિજય મેળવવાની સિદ્ધિનો પણ સમાવેશ થાય છે. હવે આ વખતે ભાજપનું ગુજરાત મોડેલ કેટલે અંશે સફળ જાય છે તે જોવુ રહ્યું.ગુજરાતમાં ડિસેમ્બરમાં થનારી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે રાજ્યભરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જાણે ટક્કર જોવા મળી રહી છે. હવે એક મોટો સવાલ છે કે, શું કોંગ્રેસ ૨૨ વર્ષ પછી ગુજરાતમાં સત્તા મેળવી શકશે? ઓપિનિયન પોલ પ્રમાણે તો કોંગ્રેસ આ વખતે પણ ભાજપથી પાછળ જણાઈ રહી છે. ટાઈમ્સ નાઉ-વીએમઆરના ઓપિનિયન પોલમાં ભાજપને ૨૦૧૨ની સરખામણીમાં વધારે સીટો મળતી જણાઈ રહી છે. ઓપિનિયન પોલ પ્રમાણે જો અલ્પેશ સિવાય હાર્દિક અને જિગ્નેશ જેવા યુવા નેતા પણ કોંગ્રેસનો સાથે આપે તો પણ ભાજપને રોકવું અશક્ય સમાન છે.પોલમાં ભાગ લેનારા ૫૨ ટકા લોકોનું કહેવું છે કે, મોદી સરકાર વિરોધી આ ત્રિપુટી જો કોંગ્રેસમાં શામેલ થશે તો પણ તે ભાજપને જ વોટ આપશે. માત્ર ૩૭ ટકા લોકોનું કહેવું છે કે તે આવી સ્થિતિમાં કોંગ્રેસને વોટ કરશે. ટાઈમ્સ નાઉના ઓપિનિયન પોલમાં ભાજપને વિધાનસભા ઈલેક્શનમાં ૧૧૮-૧૩૪ સીટ મળી શકે છે, જ્યારે કોંગ્રેસને ૪૯-૬૧ સીટ મળવાની શક્યતા છે. અન્યને મહત્તમ ૩ સીટ મળી શકે છે.
આ ઓપિનિયન પોલમાં મોદી બ્રાન્ડનો જાદુ જળવાઈ રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. પોલ પ્રમાણે વડાપ્રધાનના ગૃહ ક્ષેત્ર નોર્થ ગુજરાતમાં મોદી ફેક્ટરને કારણે ભાજપનો સ્ટ્રાઈક રેટ ૬૦ ટકાથી વધીને ૮૧ ટકા થઈ શકે છે. નોર્થ ગુજરાતમાં વિધાનસભાની ૫૩ સીટ્‌સ આવે છે.ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે ગુજરાત ઈલેક્શનમાં નોટબંધી અને જીએસટીને પોતાના મુખ્ય હથિયાર બનાવ્યા છે.
જો કે ટાઈમ્સ નાઉ-વીએમઆરના ઓપિનિયન પોલમાં લોકોનું આ બન્ને મુદ્દાઓ પર અલગ અલગ જણાઈ રહ્યું છે. પોલમાં ભાગ લેનારા ૪૨ ટકા લોકોનું કહેવું છે કે નોટબંધી અને જીએસટી પછી જીવનની ગુણવત્તામાં સુધારો થયો છે અને ૪૦ ટકા લોકોનું કહેવું છે કે તેમાં ઘટાડો થયો છે.
૧૮ ટકા લોકોને આ નિર્ણયો પછી કોઈ પણ બદલાવ નથી જણાઈ રહ્યો.વોટ શેરની વાત કરીએ તો ઓપિનિયન પોલ પ્રમાણે ભાજપને ૫૨ ટકા, કોંગ્રેસને ૩૭ ટકા અને અન્યના ખાતામાં ૧૧ ટકા વોટ આવી શકે છે. પાછલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૧૧૫ સીટ, કોંગ્રેસને ૬૧ સીટ મળી હતી.

Related posts

સત્તા પ્રાપ્તિ માટે પ્રિય બનેલ સોશિયલ મિડીયાથી ભાજપને ડર કેમ લાગે છે??

aapnugujarat

चमकी,बिहार,न्यायालय और सरकार

aapnugujarat

ભાજપ માટે આગામી ચુંટણીની રાહ આસાન થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1