Aapnu Gujarat
ગુજરાત

શંકરસિંહ વાઘેલા જૂથના સાત ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા

ગુજરાત રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા સાત ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા છે. શંકરસિંહ વાઘેલા જૂથના આ સાતેય ધારાસભ્યોએ શુક્રવારે વિધાનસભા સ્પીકર રમણલાલ વોરાને રાજીનામા સુપરત કર્યા હતા.આ સાત ધારાસભ્યોમાં રાઘવજી પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સીકે રાઉલજી, મહેન્દ્ર સિંહ વાઘેલા, કરમશી પટેલ, અમિત ચૌધરી અને ભોળાભાઈ ગોહિલે રાજીનામાં આપ્યા હતા. ધર્મેન્દ્ર સિંહ જાડેજાએ કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. કોંગ્રેસે આ સાતેય ધારસભ્યોને પહેલાથી જ સસ્પેન્ડ કરી દીધા હતા.ચૂંટણી સમયે શંકરસિંહ વાઘેલા સહિત તેમના જૂથના મનાતા ૭ ધારાસભ્યોએ કોંગ્રેસના વ્હીપ (પાર્ટીનો આદેશ) વિરુધ્ધ જઈને ભાજપના ઉમેદવારને વોટ આપ્યો હતો. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યા બાદ અને તેમના જૂથના સભ્યોએ પણ કોંગ્રેસના વ્હીપનો અનાદર કરતાં તેમને કોંગ્રેસ દ્વારા છ વર્ષ સસ્પેન્ડ કરાયા હતા.રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સલાહકાર વરિષ્ઠ નેતા એહમદભાઈ પટેલને મત આપવાના પક્ષના આદેશનું ઉલ્લંઘન કરીને ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ કરનારા વિરોધપક્ષના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલા, તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા અને રાઘવજી પટેલ સહિતના આઠ ધારાસભ્યોને બુધવારે સાંજે કોંગ્રેસમાંથી છ વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે. આ ધારાસભ્યોએ આચરેલી પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ કોંગ્રેસમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે.વ્હીપનો અનાદર કરનારા આ ધારાસભ્યો છ વર્ષ માટે ચૂંટણી પણ લડી ન શકે તેવી કાયદાકીય જોગવાઈના અમલ માટે તજજ્ઞોની સલાહ લેવાઈ રહી છે એમ, કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું.આ ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણીમાં એહમદભાઈ પટેલને બદલે ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતની તરફેણમાં મતદાન કર્યું હતું. એટલું જ નહીં, શંકરસિંહ અને રાઘવજી પટેલે મતદાન બાદ મીડિયા સમક્ષ તેમનો મત ભાજપને આપ્યો હોવાની કબુલાત પણ કરી હતી. કોંગ્રેસે બરતરફ કરેલાં ધારાસભ્યોમાં રાજ્યસભાની ચૂંટણી પૂર્વે પોતાના જન્મદિને કોંગ્રેસ સામે વિરોધનો સૂર ઉઠાવીને કોંગ્રેસમાંથી મુક્તિ લઈને કોંગ્રેસને મુક્ત કરવાની જાહેરાત કરનારા વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા, તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા, જસદણના ધારાસભ્ય ભોળાભાઈ ગોહેલ, ગોધરાના સી.કે.રાઉલજી, માણસાના અમિત ચૌધરી અને સાણંદના કરમશી કોળીપટેલનો સમાવેશ થાય છે.રાજ્યસભાની ચૂંટણી પૂર્વે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ સામે બળવો પોકારીને કોંગ્રેસની જ ટોચની નેતાગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. સાથોસાથ તેમનો મત એહમદભાઈ પટેલ માટે અનામત રાખ્યો હોવાની જાહેરાત કરી હતી પરંતુ મંગળવારે મતદાન બાદ તેમણે ફેરવી તોળ્યું હતું અને એહમદભાઈ જીતવાના ન હોવાથી તેમણે ભાજપના ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતને મત આપ્યો હોવાનો એકરાર કર્યો હતો.

Related posts

કતલખાને લઈ જવાતા મુંગા પશુઓને બચાવાયા

editor

ફતેહવાડી વિસ્તારમાં પત્નીએ આવેશમાં આવી પતિને છરીના ઘા ઝીંક્યા

aapnugujarat

बीजेपी के टिकट के लिए लगी मुस्लिमों की लाईन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1