ચૂંટણીપંચે કહ્યું હતું કે અજિત પવારનું જૂથ વાસ્તવિક NCP છે. પંચે પોતાના આદેશમાં એમ પણ કહ્યું છે કે શરદ પવાર જૂથને નવું નામ અને ચૂંટણીચિહ્ન 7 ફેબ્રુઆરીએ ફાળવવામાં આવશે. ચૂંટણીપંચે રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શરદ પવારને તેમના નવા રાજકીય પક્ષનું નામ આપવા માટે વિશેષ આદેશ આપ્યો છે.
જુલાઈ 2023માં અજિત 40 NCP ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રમાં શિંદે સરકારમાં જોડાયા. તેમને ગઠબંધન સરકારમાં ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવ્યા હતા. શરદના બળવા પછી અજિતે દાવો કર્યો હતો કે એનસીપીમાં તેમની બહુમતી છે, તેથી પાર્ટીનાં નામ અને ચિહ્ન પર તેમનો અધિકાર છે.
અજિતે 30 જૂને ચૂંટણીપંચમાં અરજી દાખલ કરીને એનસીપી પાર્ટીનાં નામ અને ચૂંટણીચિહ્નનો દાવો કર્યો હતો. બીજી તરફ, શરદ પવારે પાર્ટી છોડનારા 9 મંત્રી સહિત 31 ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાની માગ કરી હતી.
જુલાઈ 2023માં અજિત પવારે શરદ પવાર સામે બળવો કર્યો હતો. અજિત જૂથે પાર્ટીનાં નામ અને ચૂંટણીચિહ્ન પર દાવો કર્યો હતો. અજિતે 40 ધારાસભ્યના સમર્થન સાથે પોતાને પાર્ટીના નવા અધ્યક્ષ પણ જાહેર કર્યા હતા. એ જ સમયે શરદ પવાર જૂથે ચૂંટણીપંચને કહ્યું હતું કે પાર્ટીમાં કોઈ વિવાદ નથી. માત્ર કેટલાક લોકોએ પોતાના અંગત સ્વાર્થ માટે પાર્ટી છોડી દીધી છે.
ચૂંટણીપંચનું કહેવું છે કે અજિત પવાર જૂથને એનસીપીનાં નામ અને ચૂંટણીચિહ્નનો ઉપયોગ કરવાનો અધિકાર છે.
6 મહિનાથી ચાલતો હતો વિવાદ
અજિત પવારને તેમના કાકા શરદ પવાર સાથે અસલી એનસીપીને લઈને 6 મહિનાથી વિવાદ ચાલતો હતો. સપ્ટેમ્બર 2023માં અજિત પવાર તેમના સમર્થક ધારાસભ્યો સાથે પવારની એનસીપીમાંથી અલગ થઈને શિંદે-ભાજપ સાથે મળી ગયા હતા અને સરકાર રચી હતી, જેમાં તેઓ ડેપ્યુટી સીએમ બન્યાં હતા. શરદ પવાર જૂથે આ મામલે ચૂંટણીપંચમાં પડકાર્યો હતો અને પોતાને જ અસલી શિવસેના ગણાવી હતી, જેની પર આજે ચૂંટણીપંચે નિર્ણય જાહેર કર્યો હતો.
ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, શરદ પવાર જૂથ સમયસર બહુમત સાબિત કરી શક્યા નહીં, એને લઈને આ નિર્ણય તેમના પક્ષમાં આવ્યો નહીં. મહારાષ્ટ્રમાં રાજ્યસભાની 6 સીટ માટે ચૂંટણીની સમયમર્યાદાને ધ્યાનમાં રાખતાં શરદ પવાર જૂથને ચૂંટણી સંચાલન નિયમ 1961ના નિયમ 39AAનું પાલન કરવા માટે વિશેષ છૂટ આપવામાં આવી છે. તેમને 7 ફેબ્રુઆરી સુધીમાં નવી પાર્ટીના નામ આપવા માટે કહેવાયું છે.