અમદાવાદના માંડલમાં મોતિયાના ઓપરેશનમાં બેદરકારી સામે આવ્યા બાદ હવે આ મામલે હાઈકોર્ટની સુઓમોટો પિટિશન દાખલ કરીને હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને નોટિસ પાઠવવામાં આવી છે. સમાચારોના અહેવાલને આધારે ન્યાયાધિશ એ.એસ.સુપેહિયા અને ન્યાયાધિશ વિમલ વ્યાસની બેન્ચે સુઓમોટો સંજ્ઞાન લઈને આ મામલે સરકારને પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે. આ સુઓમોટો ૭મી ફેબ્રુઆરીએ ચીફ જજની કોર્ટમાં રજૂ થશે.
આ મામલે કોર્ટે નોંધ્યું કે સમાચારમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં અમદાવાદના વિરમગામની માંડલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ બેદરકારીથી કેટલાક લોકોએ દ્રષ્ટિ ગુમાવી હતી. આ ઓપરેશન બાદ ૧૫થી વધુ દર્દીઓને ઈન્ફેક્શન લાગ્યાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. લોકોએ જ્યાં ઓપરેશન કરાવ્યું હતું તે રામાનંદ હોસ્પિટલ સેવાનિકેતન ટ્રસ્ટ દ્વારા ચલાવાય છે.
ઓપરેશન દરમિયાન ફેસિલિટીમાં ખામી હતી કે મેડિકલ ઇક્વીપમેન્ટની સાર સંભાળ રાખવામાં આવી નહોતી કે પછી આઈ ડ્રોપ હલકી ગુણવત્તાના હતા? આ મામલે હજુ સુધી મેડિકલ કર્મી સામે પોલીસમાં ફરિયાદ થઈ નથી. કોર્ટે કહ્યું કે આ મામલે પીડિતોને યોગ્ય ચૂકવવામાં આવે. આ કેસ ૭મી ફેબ્રુઆરીએ ચીફ જજ કોર્ટમાં ચાલશે.