વર્ષ ૨૦૨૩માં ઘણા સુપરસ્ટાર્સે તેમની ફિલ્મો સાથે મોટા પડદા પર જોરદાર કમબેક કર્યું. આ યાદીમાં શાહરૂખ ખાનથી લઈને સની દેઓલ જેવા સ્ટાર્સ સામેલ છે. પરંતુ એક એવો સુપરસ્ટાર છે જેણે પોતાની એક ફિલ્મથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. તેનું નામ પ્રભાસ છે. તેની ફિલ્મ ‘સાલાર’ બોક્સ ઓફિસ પર દબદબો જમાવી રહી છે અને દરરોજ જોરદાર કલેક્શન કરી રહી છે. સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. તેણે ૬ વર્ષ પછી સફળતાનો સ્વાદ ચાખ્યો છે. ‘સાલાર’ની સફળતા પહેલા તેની કોઈપણ ફિલ્મ એ જાદુ બતાવી શકી નથી જેવો જાદુ ‘બાહુબલી ૨’એ કર્યો હતો. વર્ષ ૨૦૧૭માં પ્રભાસની ફિલ્મ ‘બાહુબલી ૨’એ બોક્સ ઓફિસ પર ઘણી ધૂમ મચાવી હતી. એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મે વિશ્વભરમાં ૧૭૮૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો હતો, પરંતુ આ પછી પ્રભાસનું કરિયર પાટા પરથી ઉતરી ગયું હતું. બાહુબલી ૨ પછી પ્રભાસની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ના કરી શકી. ૨૦૧૯માં રિલીઝ થયેલી પ્રભાસની ‘સાહો’ને વિવેચકો અને પ્રેક્ષકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી પરંતુ બોક્સ ઓફિસ પર ‘બાહુબલી ૨’ જેટલી સફળ રહી નહોતી. આ પછી પ્રભાસે ‘રાધે શ્યામ’ નામની ફિલ્મમાં કામ કર્યું. વર્ષ ૨૦૨૨માં રિલીઝ થયેલી આ એક લવ સ્ટોરી ફિલ્મ હતી જેમાં પ્રભાસ પૂજા હેગડે સાથે જોવા મળ્યો હતો. થિયેટરોમાં રિલીઝ થયા પછી ‘રાધે શ્યામ’ દર્શકોના દિલ જીતવામાં નિષ્ફળ રહી અને પરિણામ એ આવ્યું કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ ગઈ. વર્ષ ૨૦૨૩માં પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ની ખૂબ ચર્ચા થઈ હતી, પરંતુ તેની રિલીઝ પછી લોકોએ ફિલ્મની આકરી ટીકા કરી હતી. વીએફએક્સથી લઈને ફિલ્મના ડાયલોગ્સ સુધીની મજાક ઉડી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘આદિપુરુષ’નું બજેટ લગભગ ૬૦૦ કરોડ હતું પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ડિઝાસ્ટર સાબિત થઈ. ૬ વર્ષ પછી પ્રભાસને એ ફિલ્મ મળી જેણે તેને ફરી એકવાર બોક્સ ઓફિસ પર સુપરસ્ટાર બનાવી દીધો. એ ફિલ્મનું નામ છે ‘સાલાર’. આમાં તેણે પોતાના એક્શન અવતારથી ચાહકોને દંગ કરી દીધા. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આજે પણ બોક્સ ઓફિસ પર દરરોજ કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલન અનુસાર, ‘સાલાર’એ વિશ્વભરમાં ૭૧૦ કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરી ચૂકી છે.