પારિવારિક વિવાદ અને ભરણપોષણના એક કેસમાં બોમ્બે હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે છુટાછેડાના કેસમાં પત્ની જ્યારે પતિના ઘરમાં રહેતી હોય તો પણ તે ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. પત્નીને પોતાના જરૂરી ખર્ચ માટે પતિ તરફથી મેન્ટેનન્સની રકમ મળવી જોઈએ, ભલે પછી તે પતિની માલિકીના ઘરમાં જ રહેતી હોય. આ કેસમાં કોર્ટે એક પુરુષને તેની પત્ની અને બાળકને વચગાળાનું ભરણપોષણ ચુકવવા માટે હુકમ કર્યો છે.
તેની વિરુદ્ધ પતિ હાઈકોર્ટમાં ગયો છે. પતિએ જણાવ્યું કે આ ચુકાદો ન્યાયોચિત નથી કારણ કે મારી પત્ની મારી માલિકીના ઘરમાં રહે છે જેના માટે હું દર મહિને 60 હજાર રૂપિયાનો લોનનો હપતો ભરું છું. પતિએ જણાવ્યું કે તે પોતાની માતા સાથે અલગ રહે છે અને તેની પત્ની ફ્રીલાન્સિંગ કામ દ્વારા મહિને 10,000 રૂપિયા કમાય છે.
કોર્ટે ડોક્યુમેન્ટ તપાસતા જાણવા મળ્યું કે પતિ એન્જિનિયર છે અને મહિને 1.30 લાખની આવક ધરાવે છે. તેની પાસે કાર અને શેર્સ પણ છે. તેની નોકરી સારી છે અને વ્યવસ્થિત આવક ધરાવે છે. તેની તુલનામાં તેની પત્ની એમબીએ છે અને તેની પાસે કોઈ જોબ નથી. તે માત્ર છુટક કામ કરીને 10,000 રૂપિયા કમાય છે. તેની પાસે કાયમી જોબ નથી અને 10 વર્ષના બાળકને ઉછેરવા માટે રૂપિયાની જરૂર પડે છે.
જસ્ટિસ ગોખલેએ જણાવ્યું કે પતિથી છુટા પડવાના કારણે પત્ની અને તેનું બાળક નિરાશ્રિત બની ન જાય અને રસ્તા પર આવી ન જાય તે માટે વચગાળાનું ભરણપોષણ આપવું જરૂરી છે. ભરણપોષણની રકમ નક્કી કરવા માટે કોઈ નિશ્ચિત ફોર્મ્યુલા નથી પરંતુ રકમ વાસ્તવિક અને વાજબી હોવી જરૂરી છે. આ કેસમાં હાઈકોર્ટે પતિની અરજી ફગાવી દીધી હતી અને પત્નીને યોગ્ય ભરણપોષણ ચુકવવા માટે આદેશ આપ્યો હતો.