હાલમાં અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં જમીનોના ભાવમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેનો ફાયદો ઔડા એટલે કે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને પણ થવાનો છે. આગામી વર્ષે એટલે કે 2024માં ઔડા પર નાણાનો વરસાદ થવાનો છે. આગામી વર્ષે ઔડા દ્વારા 19 પ્લોટની હરાજી કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ 19 પ્લોટની હરાજીમાંથી ઔડા 1600 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. જ્યારે અન્ય 11 પ્લોટની હરાજીમાંથી 800 કરોડ એકઠા કરવાની યોજના છે. આમ ઔડા દ્વારા પ્લોટ્સની હરાજીમાંથી કુલ 2400 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે. આ હરાજીમાંથી મળનારી રકમનો ઉપયોગ સામાજિક માળખાકીય વિકાસ માટે કરવામાં આવશે. આગામી ત્રણથી ચાર મહિનામાં શહેરના પશ્ચિમ અને પૂર્વ ભાગમાં પ્રાઇમ પ્લોટ્સની હરાજી કરવામાં આવશે.
AUDAના CEO દેવાંગ દેસાઈએ આગામી બે મોટા પ્રોજેક્ટ્સ અંગે વાતચીત કરી હતી. જેમાં 200-ફૂટ SP રિંગ રોડ પર 10 ફ્લાયઓવર અને શેલા, ગોધાવી અને મણિપુર જેવા વિસ્તારોમાં ડ્રેનેજ લાઈનોનું નાંખવામાં આવશે. આ પ્રોજેક્ટ તથા અન્ય માળખાકીય સુવિધાઓ માટે 1,200 કરોડ રૂપિયાથી વધુનું બજેટ જરૂરી છે, એમ દેસાઈએ જણાવ્યું હતું.
અમદાવાદમાં હાલમાં રિયલ એસ્ટેટના ભાવ આકાશને આંબી રહ્યા છે. તાજેતરમાં એવા કેટલાક સોદા થયા છે જેના કારણે અમદાવાદના રિયલ એસ્ટેટમાં ભારે ચર્ચા જાગી હતી. દિવાળી પહેલા જ અમદાવાદમાં આંબલી-બોપલ રોડ પર આવેલી એક સોસાયટીનો સોદો 300 કરોડ રૂપિયામાં થયો હોવાના અહેવાલ હતા. ત્યારબાદ અમદાવાદના એસજી હાઈવે પર ઈસ્કોન ક્રોસ રોડથી ફક્ત 700 મીટર દૂર રહેલા 4,500 સ્ક્વેર યાર્ડના એક પ્લોટનો સોદો પણ રેકોર્ડ કિંમતે થયો હતો. આ પ્લોટની કિંમત 3.4 લાખ રૂપિયા પ્રતિ સ્ક્વેર યાર્ડ મુજબ સોદો થયો હતો. એટલે કે 4,500 સ્ક્વેર યાર્ડનો સોદો 153 કરોડ રૂપિયાની જંગી કિંમતે થયો હતો. જેને રિયલ્ટી નિષ્ણાતો ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોંઘો જમીન સોદો ગણાવી રહ્યા છે.