Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદને યુનેસ્કોની ક્રિએટિવ સિટીમાં સ્થાન મળશે

વિશ્વભરનાં સ્થાપત્ય, કળા, ડિઝાઇન, ફિલ્મ, સાહિત્ય, સંગીત વગેરેના વારસાને ન ફક્ત જાળવી રાખવા, પરંતુ આ અમૂલ્ય ધરોહરથી સમગ્ર પ્રજા વાકેફ થાય તે માટે યુનેસ્કો સતત પ્રયત્નશીલ છે. યુનેસ્કો દ્વારા છેક ૨૦૦૪માં યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્ક (યુસીસીએન) જાહેર કરાયું હતું, જેમાં દુનિયાનાં શહેરોની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને પર્યાવરણને લગતી બાબતોને વધુ વિકસિત કરવા પર ભાર મુકાયો છે. ભારતનાં મુંબઈ, હૈદરાબાદ, ચેન્નઈ જેવાં કેટલાંક શહેર યુનેસ્કોની ક્રિએટિવ સિટીઝમાં સ્થાન પામી ચૂક્યાં છે અને હવે આપણા અમદાવાદે આ ગૌરવ પ્રાપ્ત કરવા માટે આગેકૂચ કરવા લીધી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ વિભાગ દ્વારા ડિઝાઇન ક્ષેત્રે અમદાવાદને ક્રિએટિવ સિટીની નવી યશકલગી યુનેસ્કો તરફથી મળે તેવા પ્રયાસો આરંભાયા છે.અગાઉ યુનેસ્કો દ્વારા ૨૦૧૧માં આપણા અમદાવાદનો વર્લ્ડ હેરિટેજની ટેન્ટેટિવ કેટેગરીમાં સમાવેશ કરાયો હતો. લગભગ છ વર્ષ સુધી યુનેસ્કો અને કેન્દ્ર સરકાર વચ્ચે જરૂરી માહિતીનું આદાન-પ્રદાન કરાયા બાદ મ્યુનિ. સત્તાધીશોએ દિલ્હી, મુંબઈ જેવાં શહેરોની તીવ્ર હરીફાઈ વચ્ચે શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનું ગૌરવ અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. ગત તા. ૮ જુલાઈ, ૨૦૧૭એ યુનેસ્કોએ ભારતના સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર તરીકે અમદાવાદની જાહેરાત કરતાં હવે યુનેસ્કોએ ક્રિએટિવ સિટીઝ નેટવર્ક હેઠળ સાત ક્ષેત્રને નિર્ધારિત કર્યાં છે. આ સાત ક્ષેત્રમાં ક્રાફ્ટ્‌સ અને ફોલ્ક આર્ટ, ડિઝાઇન, ફિલ્મ, વાનગી, સાહિત્ય, મીડિયા આર્ટ્‌સ અને સંગીતનો સમાવેશ કર્યો છે. આ સાત ક્ષેત્રો પૈકી કેટલાંક ક્ષેત્રોમાં ભારતનાં જયપુર, હૈદરાબાદ, મુંબઈ, ગ્વાલિયર, ઓરછા, લખનૌ અને ચેન્નઈ જેવાં શહેર સ્ક્રીનિંગ સિટી જાહેર થઈ ચૂક્યાં છે તેમ મ્યુનિ. હેરિટેજ વિભાગના વડા આશિષ ત્રંબાડિયા કહે છે.જયપુરને ક્રાફ્ટ અને ફોલ્ક આર્ટ, મુંબઈને ફિલ્મ અને હૈદરાબાદને વાનગી ક્ષેત્રમાં ક્રિએટિવ સિટીનું ગૌરવ મળ્યું હોવાનું જણાવતાં મ્યુનિ. હેરિટેજ વિભાગના વડા આશિષ ત્રંબાડિયા વધુમાં કહે છે કે આપણા અમદાવાદને ડિઝાઇન ક્ષેત્રમાં યુનેસ્કો ક્રિએટિવ સિટી જાહેર કરે તેવા તંત્રના પ્રયાસો છે. અમદાવાદમાં ડિઝાઇન એજ્યુકેશનની સૌથી પહેલી સંસ્થા એનઆઇડી ઉપરાંત સેપ્ટ, નિરમા અને જીએલએસ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ ડિઝાઇન ક્ષેત્રમાં અમદાવાદના યોગદાન અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સહયોગ કરશે. શહેરમાં અનેક પ્રકારનાં ઇન્ડો-ઇસ્લામિક આર્કિટેક્ચર છે, જેમાં જુમ્મા મસ્જિદ, ભદ્રનો કિલ્લો, શહેરના ઐતિહાસિક દરવાજા, ઝૂલતા મિનારા અને પાંચકૂવા પાસે આવેલી અમૃતવર્ષિણી વાવ વગેરેનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા સંરક્ષિત અમૃતવર્ષિણી વાવ ૪૦૦ વર્ષ જૂની છે એટલે અમદાવાદ જૂના અને નવા ડિઝાઇનના ક્ષેત્રમાં ખૂબ આગળ પડતું છે. આ બાબતનો લાભ લઈ યુનેસ્કો સમક્ષ ડિઝાઇન ક્ષેત્રે અમદાવાદને ક્રિએટિવ સિટીનો દરજ્જો મળે તે દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.

Related posts

गुजरात में ट्रैफिक पुलिस ने किया विशेष स्क्वार्ड का गठन

aapnugujarat

હાલોલ:- ગજાપૂરા પાસેની કેનાલમા બોડેલી વિસ્તારના પ્રેમીપંખીડાની લાશ મળી આવતા ચકચાર.

aapnugujarat

ન્યુઝપ્રિન્ટ પર જીએસટી : સરકારની ૭૫૫ કરોડની આવક માટે ૧.૫ લાખ પરિવારોનું ૧૮૦૦ કરોડનું નુકશાન..?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1