Aapnu Gujarat
ગુજરાત

મહિલા સરપંચશ્રીઓએ ગ્રામ્યકક્ષાએ સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા લાવવાનો અનુરોધ કરતા નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૂચિકાબેન વસાવા

રાજ્યવ્યાપી મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીનાં ભાગરૂપે આજે આઠમા દિવસે નર્મદા જિલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૂચિકાબેન વસાવાના અધ્યક્ષપદે મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી સાથે જિલ્લાની ૧૧૮ ગ્રામ પંચાયતના મહિલા સરપંચશ્રીઓને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઉમદા કામગીરી બદલ સન્માનપત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગરૂડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી લલિતાબેન તડવી પણ ઉપસ્થિત રહ્યાં હતા.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૂચિકાબેન વસાવાએ અધ્યક્ષપદેથી પ્રવચન કરતા જણાવ્યું હતું કે, મહિલા સરપંચશ્રીઓએ ગામના જાહેર સ્થળોની મુલાકાત લઇ સ્વચ્છતા જળવાઇ રહે તે માટે પ્રયત્નશીલ રહેવું જોઇએ. ગ્રામજનો શૌચાલયનો ઉપયોગ કરતા થાય તે ક્ષેત્રે પ્રયત્નો કરવા જોઇએ. ગ્રામસભા વખતે સ્વચ્છતા અને શૌચાલયના ઉપયોગ અંગે જણાવવું જોઇએ. સ્વચ્છતાથી ગામનો વિકાસ થશે અને બિમારીના કેસો પણ નહિવત થશે. મહિલા સરપંચશ્રીઓએ ગ્રામ્યકક્ષાએ સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા લાવવા તેમણે અનુરોધ કર્યો હતો.

નર્મદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામકશ્રી આર.આર. ભાભોરે ગ્રામ વિકાસ એજન્સી દ્વારા થતી કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથોસાથ સ્વચ્છ ભારત મિશન, નરેગા દ્વારા શૌચાલય, આંગણવાડીમાં થતી કામગીરી, ફળીયા મીંટીગ યોજી જાગૃત્તિ અભિયાન વગેરે બાબતો પર મહિલા સરપંચશ્રીઓએ જાગૃત્ત થઇ કામગીરીમાં લાગી જવા હિમાયત કરી હતી.

નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકા વિકાસ અધિકારીશ્રીઓએ ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત મળતા અનુદાન, શૌચાલયના ઉપયોગ અંગે જાગૃત્તિ વગેરે બાબતો પર વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનના કાઉન્સીલર જ્યોતિબેન વાઘમારેએ મહિલાઓને છેડછાડ કે માનસિક ત્રાસ સામે મળતી મદદ વિશે થતી કામગીરીનો વિસ્તૃત અહેવાલ આપ્યો હતો.

નર્મદા જિલ્લાની ર૨૧ ગ્રામ પંચાયતોમાંથી ૧૧૮ ગ્રામ પંચાયતોના મહિલા સરપંચશ્રીઓને નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૂચિકાબેન વસાવા અને ગરૂડેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી લલિતાબેન તડવીએ સન્માનપત્રો એનાયત કરી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહિલા સરપંચશ્રીઓએ તેમના સરપંચ તરીકેની કામગીરીના અનુભવો વર્ણવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લાભરમાંથી મહિલા સરપંચશ્રીઓ, મહિલા આગેવાનો તથા જિલ્લાની મહિલાઓ વગેરે ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અંગેના શપથ ગ્રહણ કર્યા હતાં.

કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામકશ્રી આર.આર. ભાભોરે શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં શ્રી અરવિંદભાઇ પ્રજાપતિએ આભારદર્શન કર્યું હતું.

 

Related posts

દિવાળી તહેવારને લઈ એસટી વિભાગ દોડાવશે એકસ્ટ્રા બસ

aapnugujarat

Gujarat govt’s 16 check-posts to be shut down from 25 Nov

aapnugujarat

મહેસાણા જિલ્લા ખાતે પોલીસ અધિક્ષક અને નિવાસી અધિક કલેકટરે વેકસીન લીધી

editor

Leave a Comment

UA-96247877-1