Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુંબઈ : શાહ પતિ-પત્નીનું મોત ગેસ ગીઝરથી નહોતું થયું

મિત્રો સાથે હોળી રમીને ઘરે આવેલા મુંબઈમાં રહેતા ગુજરાતી કપલના મોતમાં હવે એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. 07 માર્ચના રોજ ઘાટકોપરમાં રહેતા 44 વર્ષના દીપક શાહ અને તેમના પત્ની ટીના શાહના મૃતદેહ ઘરના બાથરૂમમાંથી મળી આવ્યા હતા. આ ઘટનાની પોલીસને જાણ થઈ ત્યારે એવું મનાઈ રહ્યું હતું કે ગેસ ગીઝરને કારણે સફોકેશન થતાં કપલનું મોત થયું હોઈ શકે છે. જોકે, અત્યારસુધીની તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ કપલ બાથરૂમમાં ગયું ત્યારે ગેસ ગીઝર બંધ હતું. તેમની ચારે તરફ વોમીટ ફેલાયેલી હતી. તેવામાં પોલીસનું માનવું છે કે દીપક અને ટીનાનું મોત ગૂંગળાઈ જવાના કારણે નહીં, પરંતુ ભાંગ અને દારૂની ઝેરી અસર થવાના કારણે થયું હોઈ શકે છે.
બંને મૃતકોના આખરી પીએમ રિપોર્ટ આવવાના હજુ બાકી છે, જોકે કપલના પેટના અંગોના કેમિકલ એનાલિસિસ તેમજ સ્પોટ પરથી મળેલી વોમિટ તેમના મોતનું કારણ અલગ જ હોવાનો અંદેશો આપી રહી છે. પોલીસે આ કપલ તેના ઘરે પહોંચ્યું તે વખતના બિલ્ડિંગના સીસીટીવી ફુટેજ પણ ચકાસ્યા છે, જેમાં તેઓ પ્રિમાઈસિસમાં પણ વોમિટ કરતા દેખાયા છે. આ તમામ કડીઓને ભેગી કરી પોલીસ કેસની તપાસ કરી રહી છે, અને આ ચર્ચાસ્પદ ઘટનામાં કપલના મોતનું સાચું કારણ જાણવા માટે પ્રયાસ કરી રહી છે. દીપક શાહ અને તેમના પત્ની ટીના શાહ ઘાટકોપરના કુકરેજા ટાવર્સમાં રહેતા હતા. મિત્રો સાથે વીલે પાર્લેમાં તેઓ મંગળવારે બપોરે સાડા ત્રણ વાગ્યા સુધી હોળી રમ્યા બાદ ઘરે સાડા ચાર વાગ્યાની આસપાસ પરત ફર્યા હતા.

આ સમગ્ર ઘટનાક્રમની અત્યારસુધીની તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે દીપક અને ટીના ઘરે પહોંચ્યા તે વખતે જ તેમની તબિયત લથડી હતી. તેમની હાલત એવી થઈ ચૂકી હતી કે હોળી રમ્યા બાદ તેઓ ઘરે પહોંચી ન્હાવા કે કપડાં બદલવાની સ્થિતિમાં પણ નહોતા રહ્યાં. પોલીસને બાથરૂમમાંથી તેમના મૃતદેહ મળ્યા ત્યારે પણ તેના પર રંગ લાગેલો હતો અને કપડાં પણ હોળીના રંગથી રંગાયેલા હતા. પોલીસનું માનવું છે કે પતિ-પત્ની ઘરે પહોંચ્યા તેના થોડા જ સમયમાં તેમનું મોત થયું હતું. જોકે, તેમના મોતની જાણ છેક બીજા દિવસે થઈ હતી. દીપક અને ટીનાએ અંતિમ શ્વાસ બાથરૂમમાં જ લીધા હતા, અને તે વખતે શાવર પણ ચાલુ જ હતો.

બાથરૂમમાં જ મોતને ભેટેલા દીપક અને ટીનાની બોડી પર સતત 20 કલાક સુધી પાણી પડતું રહ્યું હતું. જેના કારણે તેમની ચામડી પણ ઢીલી પડી ગઈ હતી. પોલીસ તેમના ઘરે પહોંચી ત્યારે તો તેમના મૃતદેહની હાલત પણ જોઈને રૂંવાડા ઉભા થઈ જાય તેવી થઈ ચૂકી હતી. દીપક શાહના આ બીજા લગ્ન હતા, તેમની અગાઉની પત્ની સાથે તેમના ડિવોર્સ થયા હતા. તેમને પહેલા મેરેજથી બે બાળકો પણ હતા, જે બંને હાલ પહેલી પત્ની સાથે રહે છે. બે વર્ષ પહેલા દીપક શાહે ટીના શાહ સાથે લગ્ન કર્યા હતા. પોલીસે દીપક શાહની પૂર્વ પત્નીને પણ પૂછપરછ માટે બોલાવી છે. આ સિવાય દીપક અને ટીનાની કોલ ડિટેઈલ્સ ચેક કરીને પોલીસે છેલ્લા ત્રણ મહિના તેમના ફોન પરથી થયેલા 4500 જેટલા કોલ્સનું લિસ્ટ બનાવી અમુક કોન્ટેક્ટ્સને અલગ તારવવાનું શરૂ કર્યું છે.

ટીના અને દીપક ભાડાંના ફ્લેટમાં રહેતા હતા. બુધવારે બપોરે એટલે કે 9 માર્ચના રોજ તેમની કામવાળી ફ્લેટ પર આવી હતી. જોકે, ઘણા સમય સુધી તેણે ડોલબેલ વગાડ્યા બાદ પણ કોઈએ બારણું નહોતું ખોલ્યું, તેણે ટીનાના નંબર પર ફોન પણ કર્યા હતા, પરંતુ તેનો પણ કોઈ જવાબ નહોતો મળ્યો. ત્યારબાદ બાજુની બિલ્ડિંગમાં રહેતા તેમના એક સંબંધીને બોલાવાયા હતા જેમણે ડુપ્લિકેટ ચાવીથી ફ્લેટનો દરવાજો ખોલ્યો હતો. તે વખતે બાથરૂમમાં શાવર ચાલુ હોવાનો અવાજ આવતો હોવાથી તેમના રિલેટીવ અને કામવાળી તરત જ ત્યાં દોડ્યા હતા, જ્યાં તેમણે ટીના અને દીપકને બાથરૂમમાં પડેલા જોયા હતા. વિકૃત હાલતમાં તેમની બોડી જોતા જ ચીસાચીસ શરૂ થઈ જતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને આ મામલે પોલીસને જાણ કરાઈ હતી.

શરૂઆતમાં એવું મનાઈ રહ્યું હતું કે દીપક અને ટીના મિત્રોને ત્યાં હોળી રમીને આવ્યા બાદ સાથે જ ન્હાવા માટે બાથરૂમમાં ગયા હતા, પરંતુ ગેસ ગીઝરને કારણે બાથરૂમમાં ગૂંગળામણ થઈ જતાં તેમનું ત્યાં જ મોત થયું હતું. જોકે, પોલીસે આ કેસની વધુ તપાસ કરી ત્યારે ખબર પડી હતી કે બંનેની બોડી મળી તે વખતે બાથરૂમમાં લાગેલું ગેસ ગીઝર તો બંધ હતું. આ ઉપરાંત, ઘરમાં તેમજ બાથરૂમમાંથી વોમિટના સેમ્પલ મળતા દીપક અને ટીનાના મોતનું કારણ કંઈક બીજું જ હોવાની પોલીસને શંકા ગઈ હતી. દીપક અને ટીના જ્યાં હોળી રમવા ગયા હતા ત્યાં તેમણે ભાંગ કે દારૂ જેવા કોઈ નશીલા પદાર્થનું સેવન કર્યું હતું કે કેમ તેની તપાસ પણ હાલ પોલીસ કરી રહી છે.

Related posts

जनसंख्या विस्फोट देश की बड़ी समस्या : मनोज तिवारी

aapnugujarat

રાજસ્થાનમાં બંપર ઉત્પાદન છતાંય ડુંગળી ગુજરાતમાંથી

aapnugujarat

વડાપ્રધાન મોદી નફરત ફેલાવવામાં વ્યસ્ત છે : રાહુલ ગાંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1