Aapnu Gujarat
બ્લોગ

રક્ષાબંધન : ભાઈની રક્ષા માટે બંધાતું પવિત્ર રક્ષા કવચ

આજે કમનસીબે નિદોર્ષ યુવતીઓ પર શારીરિક છેડછાડ, બળાત્કાર અને અપહરણ જેવી રોજબરોજ ઘટનાઓ બનતી રહે છે ત્યારે દરેક પુરુષનું એ કર્તવ્ય બને છે કે દરેક સ્ત્રીનું રક્ષણ કરે. સ્ત્રી પૂજાય તો સંસ્કૃતિનું રક્ષણ થાય છે. રક્ષાબંધન એ સ્ત્રીના સન્માનનું પર્વ છે. દેશની દરેક સ્ત્રીઓને પોતાની બહેન માનીને તેનું રક્ષણ કરવું જોઇએ.રક્ષાબંધનનો શુભારંભ પુરાણો અને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભગવાન વિષ્ણુએ જ્યારે બલિરાજાને વરદાન માગવા કહેલું ત્યારે બલિરાજાએ વિષ્ણુને પોતાની સાથે પાતાળમાં રહેવાનું વરદાન માગેલું. બલિરાજાનું આ વરદાન વિષ્ણુ ભગવાને માન્ય રાખીને બલિરાજા સાથે પાતાળમાં રહેવા લાગ્યાં. લક્ષ્મીજી ભગવાન વિના એકલાં પડી જાય છે ત્યારે લક્ષ્મીજી નારદજીના બતાવેલા ઉપાયથી બલિરાજાને પોતાનો ભાઇ બનાવીને રાખડી બાંધે છે ને બદલામાં ભગવાન વિષ્ણુને બલિરાજા પાસેથી છોડાવે છે. બસ, ત્યારથી જ આ પર્વ પરંપરાગત રીતે ઉજવણી થાય છે. હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે ઉજવાતું રક્ષાબંધનનું પર્વ એટલે ભગિની પ્રેમબંધન. જેમાં ભાઈબહેનના પ્રેમ અને લાગણીભર્યા સંબંધોનું બંધન જોવા મળે છે. આ દિવસે બહેન તેના ભાઇને રાખડી બાંધીને તેના કલ્યાણની કામના કરે છે. તો સામે ભાઈ બહેનને સુરક્ષા કરવાની ખાતરી આપે છે. રક્ષાબંધનને બળેવ તેમજ નાળિયેરી પૂનમ કે શ્રાવણી પૂનમ પણ કહેવામાં આવે છે. રક્ષાબંધન એ બ્રાહ્મણોનો યજ્ઞોપવિત બદલવાનો પણ ઉત્સવ છે.રાખડીના પ્રત્યેક તાતણાંમાં બહેનના હૃદયનો નિર્વ્યાજ પ્રેમ અભિવ્યકત થાય છે. ભાઈબહેનના નિસ્વાર્થ અને પવિત્ર સંબંધોની બાબત સમુદ્રની વચ્ચે મીઠી વીરડી સમાન છે. આ પ્રકારના સંબંધો ભારતીય સંસ્કૃતિમાં જ જોવા મળે છે. ખરેખર ભાઈબહેનનું હેત અસીમ હોય છે. લોહીની સગાઈ હોય કે ધર્મના ભાઈબહેન બન્ને હેતને જીવનભર બાંધી રાખે છે. ભાઈબહેન બંને એકબીજાથી દૂર હોય તો પણ આ રક્ષાબંધનના દિવસે બહેન સ્નેહની સરિતામાં તણાઈને વીરા પાસે આવી પહોચે છે.રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો નિસ્વાર્થ પ્રેમ, ભાઈની રક્ષા માટે બંધાતું પવિત્ર રક્ષા કવચ.સાચા મનથી બંધાયેલો લાલ રંગનો દોરો પણ આતંકવાદ જેવા દુષણો સામે લડતા ભાઈની રક્ષા કરી શકે તેના માટે સ્પાઈડરમેન અને સુપરમેનની રાખડીઓની જરુર નથી.એક એવું બંધન કે જેના આગમાનના અહેસાસ માત્રથી વાતાવરણમાં અનેરી તાજગી પ્રસરી જાય છે. એક એવું બંધન કે જે પોતાના પ્રેમ ભાવરૂપી પ્રકાશથી વિશ્વ અંજવી નાંખે છે. એક બંધન કે જેમાં રક્ષા અને બલીદાનની ભાવના છે. એક એવું બંધન કે જેમાં ભાઈની કલાઈ પર રક્ષાકવચ બાંધીને નિસ્વાર્થ પણે પોતાનો પ્રેમ રજૂ કરતી બહેન. શ્રાવણ માસની પુનમે ઉજવવામાં આવતું બંધન એટલે રક્ષા બંધન.રક્ષાબંધન આવતાની સાથે જ સમગ્ર વાતાવરણમાં જાણે કે એક અનેરી તાજગી પ્રસરી જાય છે. દરેક ઘરમાં હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જાઈ જાય છે. જાણે કે સાક્ષાત ઈન્દ્ર અને ઇન્દ્રાણી આ ધરતી પર ઉતરી આવ્યા ન હોય અને સમગ્ર વિશ્વ તેમની સાથે આ તહેવાર મનાવતા ન હોય.રક્ષાબંધન એટલે માત્ર રાખડીના એક ધાગા સુધી બંધાઈને રહે તે નહીં પણ એવું બંધન કે જેમાં એક બહેન પોતાના ભાઈની આ માયાવી દુનિયામાં રક્ષા કાજે પોતાની પ્રેમ રુપી શક્તિને એકઠી કરી ભાઈની કલાઈ પર બાંધી હરહમેસ પ્રભુને ભાઈની રક્ષા કાજે આ રક્ષા રુપી બંધનથી બાંધે છે. જો કે આજના આધુનિક યુગમાં આ તહેવાર પણ અન્ય તહેવારની માફક માત્ર એક ઉજવણી થઈને રહી ગયો છે.આજનો બદલાતો એટલે કે અત્યાધુનિક સુવિધાવાળા સમાજમાં માત્ર ગણ્યા ગાંઠયા લોકોને જ આ પવિત્ર બંધન વિશે માહિતી હશે. જ્યારે અન્યો તો વર્ષોથી ઉજવવામાં આવતા આ તહેવારને એક તહેવારની માફક માત્ર દેખાડો કરવા માટે પણ આ તહેવારની ઉજવણી કરી રહ્યાં છે. એક સમય એવો હતો કે જ્યારે માત્ર એક લાલ રંગનો ટુકડો રક્ષા કવચ તરીકેની ભુમિકા ભજવતો હતો. જ્યારે આજે ફેશનની દુનિયામાં નિતનવા બજારમાં જોવા મળતા અસંખ્ય પ્રકારના રક્ષા કવચોથી રક્ષાબંધનની ઉજવણી કરતા હોય છે.ભુતકાળ અને વર્તમાનને થોડા સમય બાજુએ મુકીને ઈતિહાસ વિશે વાત કરીએ તો રક્ષાબંધનની ઉજવણીએ સમયથી કરવામાં આવે છે કે જ્યારે દેવ અને દાનવ વચ્ચે ઘમાસાણ યુદ્ધ ખેલાતું હતું. તે સમયે દાનવોની તાકાત સામે દેવો વામણા પુરવાર થતા હતા. ત્યારે દાનવોની શક્તિ સામે દેવની સ્થિતિ જોઈ ઈન્દ્ર દેવની પત્ની મુંઝવણમાં પડી ગયા હતા. ત્યારે શ્રાવણ માસની એ પુનમ કે જે દિવસે ઈન્દ્રની પત્ની એટલે કે ઈન્દ્રાણીએ ઈન્દ્રની રક્ષા કાજે એક લાલા રંગનો ધાગો જમણા હાથે બાંધ્યો હતો. બસ ત્યારથી આ પવિત્ર બંધનની ઉજવણી આપણે કરતા આવીએ છીએ.સમય બદલાયો તહેવાર ઉજવવાની રીતમાં પણ ફેરબદલ થતો રહ્યો છે. પહેલા સાચા સ્નેહ સાથે એક બહેન પોતાના ભાઈની કલાઈ પર હોંશે હોંશે રાખડી રુપી રક્ષાકવચ બાંધતી હતી. અને ભાઈ દ્વારા જે કાંઈ પણ ભેટ રુપે અપાતું તેનો સહર્ષ સાથે સ્વિકાર કરી લેતી હતી. જ્યારે આજના આ દેખાવો પર ટકેલી દુનિયામાં માત્ર દેખાવ કરવા માટે બજારમાં મળતી મોંધી દાટ રાખડીઓથી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે.પણ આ ફેસનેબલ અને મોર્ડન બહેનોને કોણ સમજાવે કે આતંકવાદ જેવા દુષણ વચ્ચે જીવતા ભાઈને સ્પાઈડરમેન, સુપરમેન અને ક્રિશ દોરેલી રાખડીઓ બાંધવાથી જ ભાઈની રક્ષા નહીં થાય. તેના માટે સાચો ભાવ પણ હોવો જરુરી છે. જો કે વાત માત્ર બહેનોની નથી આજના ભાઈઓ પણ માથાભારે છે. તેમને પણ સામાન્ય રાખડી બાંધવામાં આવે તો કહેશે કે આવી રાખડી થોડી લેવાય. ભેટ મોંધી દાટ જોઈએ છે ને રાખડી આવી !
ત્યારે એ ગગાને કોણ સમજાવે કે ભઈ સુપરમેન કે સ્પાડરમેન તારી રક્ષા નહીં કરે રક્ષા એ બહેન કરશે કે જેણે તારા હાથ પર આ રક્ષાકવચ બાંધ્યું છે. આજે આ તહેવાર માત્ર માનાવવા ખાતર માનવવામાં આવી રહ્યો છે. જો કે તેમાં વાંક આજની યુવા પેઢીનો નથી. પણ તેમને આ પવિત્ર બંધન વિશે જણાવવામાં જ નથી આવ્યું કે તેઓ જે તહેવાર ઉજવે છે તે ખરા અર્થમાં છે શું?
કોઈને પણ આ અંગે પુછવામાં આવે તો તે માત્ર એટલું જ કહેશે કે આ એક તહેવાર છે જેમાં બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ તેને મોંધી ભેટ આપે છે. પણ તેનો સાચો મહિમા કોઈ નથી જાણતું જેના કારણે એક પવિત્ર તહેવાર માત્ર એક ઉજવણી બની ગયો છે.
વાત માહિતીની નીકળી છે ત્યારે આ અંગે એવા ઘણા લોકોને પુછ્યું કે ભઈ આ તહેવાર કેમ મનાવવામાં આવે છે. ત્યારે પોતાના જીવનમાં એક ઉંચુ સ્થાન પામનાર લોકોને આ અંગે પુછવામાં આવે તો તેઓ આ કહેશે કે આ એક પૌરાણિક તહેવાર છે જેમાં બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ તેને ભેટ આપે છે.
પણ માત્ર એક ધાગો બાંધવાથી આ તહેવાર પુરો થઈ જતો નથી. આ એક એવો તહેવાર છે જેમાં નિસ્વાર્થ પ્રેમની ભાવના રહેલી છે. જેમાં કોઈ પણ જાતના સ્વાર્થ વગર એક બહેન પોતાના વિરાની રક્ષા માટે પોતાના ઈસ્ટ દેવને મનાવે છે. અને સદાઈ તેનું રક્ષણ કરવા જણાવે છે. ભગવાના આશિર્વાદ રુપી તે ધાગાને ભાઈની કલાઈ પર બાંધે છે. જ્યારે ભાઈ બહેન દ્વારા નિસ્વાર્થપણે જે કાર્ય કરવામાં આવ્યું છે તેના બદલામાં એક યથાશક્તિ ભેટ આપે છે.
જ્યારે આજના આ મોર્ડન કહો કે ફેસનેબલ વાતાવરણમાં આ તેહવાર માત્ર એક વર્ષોથી ચાલ્યો આવતો તહેવાર થઈ ગયો છે. પણ આજની યુવા પેઢીને કોણ સમજાવે કે માત્ર ધાગો બાંધી લેવાથી કે બહેનને મોંઘીદાટ ભેટ આપી દેવાથી આ તહેવારની માત્ર ઉજવણી જ થાય. પણ જે સાચો ભાવ મળે એતો અંતરના પવિત્ર પ્રેમથી જ મળે. તેમને કોણ સમજાવે કે માત્ર સુપરમેન અને સ્પાઈડરમેનના ચીત્રવાળી રાખડી બાંધી દેવાથી ભાઈની રક્ષા ન થાય તેના માટે અંતરથી નિસ્વાર્થભાવે ભાઈ રક્ષા માટે પ્રભુને પ્રાથના કરવી પડે. ઇન્દ્ર અને ઇન્દ્રાણીની કથા
ભવિષ્ય પુરાણમાં પણ રક્ષાબંધનના સંદર્ભે એક બીજી કથા પ્રસિદ્ધ છે. દેવો અને દાનવોના યુદ્ધમાં દેવતાઓ હારવા લાગ્યા. ત્યારે દેવતાઓ તેમની પરેશાનીનો ઉકેલ મેળવવા માટે દેવરાજ ઇન્દ્ર પાસે ગયા. દેવતાઓને ભયભીત જોઈને ઇન્દ્રાણીએ તેમના હાથ પર રક્ષાસૂત્ર બાંધી દીધું, તેનાથી દેવતાઓનો આત્મવિશ્વાસ વધી ગયો અને તેમણે દાનવો પર વિજય પ્રાપ્ત કરી લીધો. કહેવાય છે કે તે જ દિવસથી યુદ્ધમાં જતા યોદ્ધાને રાખડી બાંધવાની પ્રથા પણ શરૂ થઈ. એટલે જ રાજપૂત જ્યારે યુદ્ધ લડવા માટે જતા હતા ત્યારે ઘરની સ્ત્રીઓ તેમને રેશમી દોરી બાંધી, વિજય તિલક કરીને રણભૂમિમાં તેમની રક્ષા થાય અને વિજય મળે તેવી પ્રાર્થના કરતી.
યોગેશ્વર પણ બંધાયા રેશમના તાંતણે
મહાભારતની કથામાં પણ રક્ષાબંધનના પર્વનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે મહાભારતનું યુદ્ધ નિશ્ચિત થઈ ગયું ત્યારે યુધિષ્ઠિર બહુ ચિંતિત હતા. તેમણે ભગવાન શ્રીકૃષ્ણને પૂછયું કે, ’હું બધાં જ સંકટોને પાર કેવી રીતે કરી શકું?’ ત્યારે ભગવાન કૃષ્ણએ તેમની સેના માટે રક્ષાબંધનનો તહેવાર ઊજવવાની સલાહ આપી. ભગવાને કહ્યું હતું કે, ’આ રેશમની દોરીમાં એવી તાકાત છે કે જે દરેક મુશ્કેલીમાં તમારું રક્ષણ કરશે.’
આ જ ભાવના સાથે યુદ્ધમાં લડવા જતાં અભિમન્યુને કુંતી રક્ષાસૂત્ર બાંધે છે. દ્રૌપદીના ભ્રાતપ્રેમને દર્શાવતો એક બીજો પણ હૃદયસ્પર્શી પ્રસંગ છે, જેમાં શ્રીકૃષ્ણ અને દ્રૌપદીના પ્રેમની ઝાંખી થાય છે. જ્યારે મહાભારતમાં શિશુપાલવધમાં સુદર્શન ચક્રને લીધે શ્રીકૃષ્ણ ભગવાનની આંગળી કપાઈ જાય છે ત્યારે દ્રૌપદી તરત જ પોતાની સાડીના છેડાથી પાટો બાંધી દે છે. કહેવાય છે કે આ દિવસે પણ શ્રાવણી પૂનમનો પાવન દિવસ જ હતો, તેથી જ શ્રીકૃષ્ણ ભગવાન દ્રૌપદીની સાડીની એ પટ્ટીમાં જેટલા તાંતણા હતા તેટલાં ચીર પૂરીને વસ્ત્રાહરણ વખતે તેની લાજ રાખે છે.
ઐતિહાસિક મહત્ત્વ
રાખડીના આ તાંતણાએ ઇતિહાસમાં સમર્પણ અને બલિદાનની ભાવનાને પણ ઉજાગર કરી છે. ચિત્તોડની રાજમાતા કર્માવતીએ મુગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલી ભાઈ બનાવ્યો હતો અને તે પણ સંકટના સમયે બહેન કર્માવતીની રક્ષા માટે ચિત્તોડ આવી પહોંચ્યો હતો. કહેવાય છે કે મેવાડની મહારાણી કર્માવતીને બહાદુરશાહ દ્વારા મેવાડ પર હુમલાની પૂર્વસૂચના મળી હતી. રાણી લડવા માટે અસમર્થ હતી, તેથી તેણે મુગલ નરેશ હુમાયુને રક્ષા મોકલી અને રાજ્યની રક્ષા માટે પણ પ્રાર્થના કરી. હુમાયુ મુસલમાન હોવા છતાં પણ તેણે રાખડીની લાજ રાખી અને બહાદુર સાથે યુદ્ધ કરીને તેની બહેન કર્માવતીની અને મેવાડની રક્ષા કરી. સિકંદરની કથા સાથે પણ આ રક્ષાસૂત્રનું માહાત્મ્ય જોડાયેલું છે. સિકંદરની પત્નીએ તેના પતિનો હિન્દુ શત્રુ પુરુવાસને રાખડી બાંધી અને પતિને ન મારવાનું વચન લીધું હતું અને પુરુવાસે પણ રણભૂમિમાં બહેને બાંધેલ રક્ષાસૂત્રનું સન્માન કરતાં સિકંદરને જીવતદાન આપ્યું હતું.
પર્વની પ્રાદેશિક વિશેષતા
દરેક પ્રદેશની આગવી પરંપરા તેમજ લાક્ષણિકતા હોય છે. આ વિશેષતા તહેવારની ઉજવણીમાં પણ જોવા મળે છે. મહારાષ્ટ્રમાં રક્ષાબંધનને નાળિયેરી પૂનમ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે મરાઠી લોકો વરુણ દેવતાની પૂજા કરે છે અને નાળિયેર વરુણ દેવતાને અર્‌પિત કરે છે. આ દિવસે મહારાષ્ટ્રમાં સમુદ્રની પૂજા કરીને સમુદ્રને નાળિયેર અર્પણ કરવામાં આવે છે, તેથી દરિયાકિનારો નાળિયેરથી ભરાઈ જાય છે.
રાજસ્થાનમાં રામરાખી, ચૂડારાખી કે લૂંબા બાંધવાનો રિવાજ છે. રામરાખી સામાન્ય રાખડીથી અલગ હોય છે. તેમાં લાલ દોરા પર પીળું ફૂલ હોય છે જે માત્ર ભગવાનને બાંધવામાં આવે છે. ચૂડારાખી ભાભીની ચૂડીઓ પર બાંધવામાં આવે છે. જોધપુરમાં રાખીના દિવસે માત્ર રાખી જ નથી બાંધવામાં આવતી, પણ બપોરે નદી કે દરિયાકિનારે ગણેશજી અને દુર્ગામાની પ્રતિમા બનાવીને ઋષિ-મુનિને તર્પણ કરવામાં આવે છે. આ ધાર્મિક અનુષ્ઠાન બાદ ઘરે યજ્ઞા કરવામાં આવે છે. રક્ષાસૂત્રને કાચા દૂધથી ધોઈ, અભિમંત્રિત કરીને પછી ભાઈના કાંડા પર બાંધવામાં આવે છે. આ ઉપરાંત તમિલનાડુ, કેરળ અને ઓરિસ્સાના દક્ષિણ બ્રાહ્મણ રક્ષાબંધનના પર્વને અવની અવિતમ કહે છે. વ્રજમાં હરિયાળી ત્રીજથી શ્રાવણ પૂર્ણિમા સુધી મંદિરમાં ઠાકોરના ઝૂલા લગાવવામાં આવે છે. રક્ષાબંધનને દિવસે ઝૂલાનાં દર્શન બંધ થઈ જાય છે.

Related posts

સવર્ણોેન અનામત સરકાર માટે પડકારજનક

aapnugujarat

डाॆ. बाबासाहेब आम्बेडकर : बाबासाहेब के सर्वश्रेष्ठ विचार

aapnugujarat

જેકસન બ્રાઉન”ની 55 સુંદર વાતાે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1