Aapnu Gujarat
બ્લોગ

સવર્ણોેન અનામત સરકાર માટે પડકારજનક

લોકસભાની ચૂંટણીનાં પડઘમ મધ્યે કેન્દ્રની મોદી સરકારે જનરલ કેટેગરીમાં આવતાં આર્થિક રીતે નબળાં લોકો માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિકસંસ્થાઓમાં ૧૦ ટકા અનામતને મંજૂરી આપી દીધી છે. સોમવારે દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગરીબ સવર્ણોને અનામતના લાભ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સરકારના પ્રસ્તાવ અનુસાર જનરલ કેટેગરીમાં આવતા રૂપિયા ૮ લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોને અનામતનો લાભ અપાશે.આ અનામત સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત કરેલી અનામતની ૫૦ ટકાની મર્યાદા ઉપરાંતની હશે. આ માટે સરકારે મંગળવારે બંધારણના આર્ટિકલ ૧૫ અને ૧૬માં સુધારો કરવા માટે સંસદમાં ખરડો રજૂ કર્યો હતો.
સરકારે આ નિર્ણય ફક્ત જાતિના આધારે નહીં પરંતુ આર્થિક સ્થિતિના આધારે અનામત આપવી જોઈએ તેવા સંઘનાં મંતવ્યના આધારે લીધો હોવાનું મનાય છે. કોઈપણ પ્રકારની અનામતની ૫૦ ટકાની મર્યાદા બહાર જવી જોઈએ નહીં તેવા સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન ન થાય તે માટે સરકારે બંધારણીય સુધારો કરવાનો નિર્ણય કર્યો છે, જેથી તેનાં આ પગલાંને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય નહીં. આ માટેનો ખરડો તૈયાર થઈ ગયો હોવાનું મનાય છે અને મંગળવારે સંસદમાં રજૂ થયો હતો જોકે સંસદમાં ખરડો પસાર ન થાય ત્યાંસુધી તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપી શકાય છે.
સંસદમાં આ ખરડાને તાત્કાલિક બહાલી મળે તેવા હાલ સંજોગો દેખાતા નથી. મોદી સરકારે લોકસભાની ચૂંટણી પહેલાં સવર્ણોને અનામતના પ્રસ્તાવને મંજૂરી આપીને ગેમ-ચેન્જર દાવ રમ્યો છે. એસસી-એસટી એટ્રોસિટી એક્ટમાં સુપ્રીમના ચુકાદાને ઊલટાવીને મોદી સરકાર સવર્ણોના રોષનો ભોગ બની હતી, તે ઉપરાંત અનામતને કારણે ગરીબ અને મધ્યમવર્ગીય સવર્ણો દરેક સરકારથી નારાજ રહેતાં હતાં. સવર્ણોની નારાજગી દૂર કરવા સરકારે આ પત્તું ઉતાર્યું છે.
અનામતના ગણિતને કારણે દેશની રાજનીતિ ઘણી ગુંચવાડા ભરી બની છે. હાલની વ્યવસ્થામાં હરિયાણામાં સૌથી વધુ ૭૦ ટકા અનામત આપવામાં આવે છે. જ્યારે પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમમાં એસટી સમુદાયો માટે ૮૦ ટકા અનામત છે.
હાલની વ્યવસ્થામાં જોઈએ ક્યાં રાજ્યોમાં કેટલું અનામત ઉપલબ્ધ છે.લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીની સરકારે સામાન્ય જાતિમાં આર્થિક આધાર પર અનામત માટે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. તેના પ્રમાણે સરકારી નોકરીઓ અને શિક્ષણના ક્ષેત્રમાં ૧૦ ટકા અનામત આપવામાં આવ્યું છે.
માનવામાં આવે છે કે સરકારના નિર્ણય અને સુપ્રીમ કોર્ટના ૧૯૯૨ના ઈન્દિરા સાહની કેસના ચુકાદાની પચાસ ટકાની મર્યાદા વચ્ચે ક્યાંય કોઈ ટકરાવ નથી. કારણ કે ૫૦ ટકાની આ મર્યાદા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોને સરકારી નોકરીઓમાં અનામત આપવાના મામલામાં છે. આ મર્યાદા આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપવાના મામલામાં નથી. રાજ્યો તરફ જોવામાં આવે, તો હાલની વ્યવસ્થામાં સૌથી વધારે ૭૦ ટકા અનામત હરિયાણામાં આપવામાં આવે છે. બાદમાં તમિલનાડુમાં ૬૮ ટકા, મહારાષ્ટ્રમાં ૬૮ ટકા અને ઝારખંડમાં ૬૦ ટકા અનામત આપવામાં આવે છે. જ્યારે રાજસ્થાનમાં ૫૪ ટકા, યુપીમાં ૫૦ ટકા, બિહારમાં ૫૦ ટકા, મધ્યપ્રદેશમાં પણ ૫૦ ટકા અનામત આપવામાં આવે છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં ૩૫ ટકા અનામતની વ્યવસ્થા છે. આંધ્રપ્રદેશમાં ૫૦ ટકા અનામત આપવામાં આવે છે અને તેમા મહિલાઓને આપવામાં આવતા ૩૩.૩૩ ટકાનું અનામત પણ સામેલ છે. પૂર્વોત્તરની વાત કરીએ, તો અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમમાં અનુસૂચિત જનજાતિ માટે ૮૦ ટકા અનામત છે.હાલની અનામત વ્યવસ્થામાં ૧૫ ટકા અનામત અનુસૂચિત જાતિને આપવામાં આવે છે. જ્યારે અનુસૂચિત જનજાતિને ૭.૫ ટકા અનામત અપાય છે. તો ૨૭ ટકા અનામત અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસીને આપવામાં આવે છે. ૫૦.૫ ટકા બિનઅનામત વર્ગ માટે ઉપલબ્ધ છે.રાજકીય બાબતોના જાણકારો મુજબ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની હાર બાદ ગરીબ સવર્ણોને અનામત આપવા માટેનું પગલું સરકારે ઉઠાવ્યું છે. આંકડા મુજબ મધ્યપ્રદેશના ગ્વાલિયર-ચંબલ વિસ્તારમાં સવર્ણ આંદોલનને કારણે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૩૪માંથી સાત બેઠકો મળી હતી. જ્યારે અહીંથી ૨૦૧૩ની ચૂંટણીમાં ભાજપને ૨૦ ટકા બેઠકો મળી હતી.ભાજપ માટે આવી જ સ્થિતિ રાજસ્થાનમાં હતી. રાજપૂત બહુમતી ધરાવતા રાજસ્થાનના વિસ્તારોમાં ભાજપને મોટું નુકસાન સહન કરવું પડયું હતું. રાજસ્થાનમાં પંદર બેઠકો એવી હતી કે જ્યાં જીતનું અંતર નોટાને મળેલા વોટના અંતર કરતા ઓછું હતું. રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસે ૪૧ રાજપૂતોને ટિકિટ આપી હતી અને તેમાના ૧૭ રાજપૂત ઉમેદવારોને જીત મળી હતી.જ્યારે છત્તીસગઢની વાત કરીએ તો ૨.૧ ટકા વોટ નોટાને મળ્યા છે. સૌથી મોટી વાત એ છે કે છત્તીસગઢમાં ભાજપના તમામ સવર્ણ ઉમેદવારો ચૂંટણી હારી ગયા હતા.કહેવા માટે ભારતીય બંધારણ ડ્રાફ્ટિંગની ચુસ્તી માટે વખણાય છે, પરંતુ તેથી વિરુદ્ધની હકિકત એ પણ છે કે આઝાદીના ૭૧ વર્ષમાં બંધારણમાં કુલ ૧૦૧ સુધારાઓ કરવા પડ્યા છે. સવર્ણોને આર્થિક અનામત એ ૧૦૨મો સુધારો બનશે.સમય અને સંજોગો મુજબ બંધારણમાં સુધારા કરવા પડે. ક્યારેક ભાષા અને અર્થઘટન સંબંધિત મડાગાંઠ ઊભી થતી નિવારવા માટે પણ સુધારા કરવા પડ્યા છે. જોકે બંધારણની મૂળભૂત ભાવનામાં થયેલા સુધારાને મુખ્ય અથવા તો પાયાના સુધારા કહેવામાં આવે છે. ૪૨મા સુધારા તરીકે બંધારણની પ્રસ્તાવનામાં ભારતની ઓળખ તરીકે સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા હતા અને દેશની એકતા તેમજ અખંડિતતાને મુખ્ય ગણવામાં આવી હતી. આ પાયાનો સુધારો હતો. એ જ રીતે, સામાજિક દરજ્જાની સમાનતા માટે અનામત આપવાના હેતુમાં હવે આર્થિક માપદંડ ઉમેરવાનો સુધારો પણ પાયાનો સુધારો બની રહેશે. બંધારણમાં સુધારા માટે સંસદના બંને ગૃહો સમક્ષ વારાફરતી સુધારાના પ્રસ્તાવને કાનૂની ખરડા સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. સંસદના બંને ગૃહોમાં ખરડો બે તૃતિયાંશ બહુમતિથી પસાર થવો જરૂરી છે. સંસદના બંને ગૃહોમાં ખરડો પસાર થયા બાદ રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવે છે. રાષ્ટ્રપતિ પોતાની વિવેકબુદ્ધિ અનુસાર નિર્ણય લઈ શકે છે. વિશિષ્ટ સંજોગોમાં ખરડો સંસદની પુનર્વિચારણા માટે પરત પણ મોકલી શકે છે. પરંતુ સંસદ બીજી વાર ખરડો પસાર કરીને મોકલે તો રાષ્ટ્રપતિ તેને મંજૂર કરવા બંધાયેલા છે. કેટલાંક ખાસ કાયદાઓ માટે સંસદમાં ખરડો પસાર થયા પછી રાજ્યોની વિધાનસભામાં પણ તેને મંજૂર કરાવવો પડે છે. બંધારણના અનુચ્છેદ ૧૫માં સામાજિક દરજ્જાની સમાનતા માટે નબળા વર્ગોને અનામત આપવાની જોગવાઈ લાગુ કરવામાં આવી છે. હવે તેમાં સામાજિક ઉપરાંત આર્થિક હેતુ પણ ઉમેરવો પડશે.ઉપરાંત અનામતની ટોચ મર્યાદા ૪૯ ટકાથી વધારીને ૫૯ ટકા કરવા માટે પેટાકલમ ૪માં પણ સુધારો કરવો પડશે. સંસદના બંને ગૃહોમાં ખરડો પસાર થાય પછી એકથી બે અઠવાડિયામાં રાષ્ટ્રપતિ મંજૂરી આપે અને તેનાં ત્રણેક અઠવાડિયામાં સરકાર નોટિફિકેશન પ્રસિદ્ધ કરે તો માર્ચ મહિના સુધીમાં ગરીબ સવર્ણોને ૧૦ ટકા અનામતનો કાયદો અમલમાં આવી શકે છે. જોકે તેમાં કેટલીક અડચણો પણ ઊભેલી છે. હાલ કોંગ્રેસ, બસપા સહિતના વિપક્ષોએ ખરડાને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. પરંતુ બંધારણના અનુચ્છેદમાં સુધારો કરવાનો હોવાથી ખરડો ચકાસવા માટે વિપક્ષો સમય માંગી શકે છે. એ સંજોગોમાં બે વિકલ્પો રહે છે. સરકાર સંસદનું સત્ર અનિશ્ચિત સમય માટે લંબાવે અથવા તો વિશેષ સત્ર બોલાવે. લોકસભાની ચૂંટણી પહેલાંનું આ છેલ્લું સત્ર હોવાથી વિશેષ સત્ર માટે વિપક્ષ ઈનકાર પણ કરી શકે છે. એ સંજોગોમાં સંસદના કોઈ એક ગૃહમાં ખરડો પસાર થયો હોય તો લોકસભાની ચૂંટણી પછી નવી સરકારની રચના વખતે તેનાં પર આગળની કાર્યવાહી થઈ શકે છે.૧૯૯૧માં નરસિંહરાવ સરકારે આર્થિક આધારે ૧૦ ટકા અનામતની જાહેરાત કરી હતી પરંતુ ૧૯૯૨માં અદાલતે આ નિર્ણય રદ કરી દીધો હતો.એપ્રિલ ૨૦૧૬માં ગુજરાત સરકારે ગરીબ સવર્ણોને ૧૦ ટકા અનામતની જાહેરાત કરી હતી પરંતુ ઓગસ્ટ ૨૦૧૬માં ગુજરાત હાઇકોર્ટે આ નિર્ણયને ગેરબંધારણીય જાહેર કર્યો હતો.સપ્ટેમ્બર ૨૦૧૫માં રાજસ્થાનમાં ગરીબ સવર્ણોને ૧૪ ટકા અનામતનું વચન અપાયું હતું પરંતુ ૨૦૧૬માં રાજસ્થાન હાઇકોર્ટે અનામત ખરડો રદ કરી નાખ્યો હતો.૧૯૭૮માં બિહારમાં કર્પુરી ઠાકુર સરકારે ગરીબ સવર્ણોને ૩ ટકા અનામતની જાહેરાત કરી હતી પરંતુ કોર્ટે આ વ્યવસ્થા રદ કરી નાખી હતી.સુપ્રીમના મંડલ ચુકાદા અનુસાર અનામત ૫૦ ટકાથી વધવી જોઇએ નહીં.બંધારણનો આર્ટિકલ ૧૬(૪) કહે છે કે, પછાતપણાનો અર્થ સામાજિક પછાતપણું છે.અનામત ૫૦ ટકા કરતાં વધે તો તે ન્યાયિક સમીક્ષાના દાયરામાં આવી જાય છે.બંધારણીય સુધારાથી બંધારણના મૂળભૂત માળખામાં છેડછાડ કરી શકાતી નથી.બંધારણનો આર્ટિકલ ૧૬ સમાનતા અને તમામને સમાન તકની વાત કરે છે જે બેઝિક સ્ટ્રક્ચર છે.બંધારણીય સુધારા, ૯મી અનુસૂચિમાં રખાય તો પણ જ્યુડિશિયલ સ્ક્રૂટિની કરી શકાય છે.૯મી અનસૂચિમાં એવો કોઇ સુધારો રાખી શકાતો નથી જેનાથી મૂળભૂત માળખાને અસર થતી હોય.સુપ્રીમના વરિષ્ઠ વકીલ કે. ટી. એસ. તુલસીએ જણાવ્યું હતું કે, અદાલતે વ્યવસ્થા આપી છે કે ૯મી અનુસૂચિનો સહારો લઇ ગેરકાયદેસર કાયદાને સંરક્ષણ આપી શકાતું નથી. જો કોઇ કાયદોબંધારણીય દાયરાની બહાર હોય તો તેને ૯મી અનુસૂચિમાં રાખીને સંરક્ષિત કરી શકાતો નથી. એવો કોઇ બંધારણીય સુધારો અદાલતમાં ટકી શકશે નહીં જે મૂળભૂત માળખા સાથે છેડછાડ કરતો હોય. સુપ્રીમની ૧૩ જજની બંધારણીય બેન્ચે કેશવાનંદ ભારતી કેસમાં ચુકાદો આપ્યો હતો કે, બંધારણના મૂળભૂત માળખા સાથે છેડછાડ કરી શકાતી નથી, તેથી જો સરકાર બંધારણમાં સુધારો કરીને કાયદો પસાર કરે તો પણ તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપી શકાય છે.૧૯૩૧ બાદ ભારતમાં ક્યારેય જાતિ આધારિત વસતીગણતરી થઈ નથી. ૯૦ના દાયકામાં રચાયેલાં મંડલ પંચના અહેવાલ અનુસાર દેશમાં પછાત વર્ગોની વસતી ૫૦ ટકા ઉપર છે. ૨૦૦૭માં સરકારના એક સરવેમાં જણાવવામાં આવ્યું હતું કે, દેશની હિંદુ વસતીમાં પછાતોની વસતી ૪૧ ટકા અને સવર્ણોની સંખ્યા ૩૧ટકા છે. દેશની ૧૨૫ લોકસભાની બેઠકો પર સવર્ણ મતબેન્ક અસર કરે છે.મોદી સરકાર સવર્ણોને આર્થિક આધારે અનામતની જોગવાઈ કરી રહી છે. હાલ ભારતનાં બંધારણમાં આર્થિક આધારે અનામત આપવાની કોઈ જોગવાઈ નથી. ભારતનાં બંધારણમાં ફક્ત જાતિ આધારિત અનામતની જ જોગવાઈ કરાઈ છે તેથી સરકારે બંધારણના આર્ટિકલ ૧૫ અને ૧૬માં સુધારો કરવો પડશે. આ બંધારણીય સુધારો થયા પછી આર્થિક આધારે અનામત આપવાનો માર્ગ મોકળો બનશે.

Related posts

સ્થાનિક મુદ્દા તેમજ કેટલાક સમીકરણની અવગણના બંને પાર્ટી માટે જોખમી બની શકે

aapnugujarat

બાલાકોટ પર એર સ્ટ્રાઇક કરી મોદી સરકારે કડક સંદેશ આપ્યો

aapnugujarat

ચૂંટણીપ્રચારમાં ધમકી, ગાળો અને અપશબ્દોનો વરસાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1