Aapnu Gujarat
બ્લોગ

સ્થાનિક મુદ્દા તેમજ કેટલાક સમીકરણની અવગણના બંને પાર્ટી માટે જોખમી બની શકે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે પાટીદાર અનામત આંદોલન, ઓબીસી આંદોલન, દલિત આંદોલન, નોટબંધી, જીએસટી જેવા મુદ્દા તો મહત્વના રહેવાના છે. પરંતુ ગુજરાતની એક ચૂંટણીમાં ચારેય ઝોન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ અનેક મુદ્દાઓનો સ્થાનિક સ્તરે અંડર કરંટ રહેશે. અતિવૃષ્ટિમાં પાણી પાણી થઈ ગયેલા ઉત્તર ગુજરાતમાં પૂર પીડિતો માટે સરકારે કરેલી કામગીરીની પણ કસોટી થશે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓના જંગલની જમીનના હક્ક પ્રમાણપત્ર અપાઈ ગયા પણ સનદો અપાઈ ન હોવાનો મુદ્દો સળગતો છે. સૌરાષ્ટ્રમાં રાબેતા મુજબ પાણીનો પ્રશ્ન છે. જ્યારે મધ્ય ગુજરાતમાં શિક્ષણ તેમજ આરોગ્યની સેવાને લઈ બુમરાણ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ તમામ મુદ્દા પર ભાજપની કસોટી થવાની છે. આમ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય મુદ્દાની સાથે સ્થાનિક પ્રશ્નોના મુદ્દા પણ હાર-જીતની બાજી નક્કી કરશે.અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત રાજ્યના આઠ મહાનગરોના મતદારો ઉપર ભાજપની પકડ જોવા મળે છે પણ ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ સુધર્યો હતો સાથે પાટીદાર અનામત આંદોલન અને દલિત આંદોલનને લીધે કોંગ્રેસને ભાજપના ગઢ એવા મહાનગરોમાં વધુ બેઠકો જીતવાની આશા જાગી છે જોકે, પાટીદાર અનામત આંદોલન અને દલિત આંદોલનની અસર વર્તાય તો ભાજપના ગઢમાં ગાબડું પડી શકે બાકી તો ભાજપ પોતાના ગઢમાં કોંગ્રેસને વધુ બેઠકો જીતવા દે તેવી સંભાવના નહીવત છે. હાલમાં અમદાવાદ સિટીની કુલ બેઠક ૧૬માંથી ભાજપે ૧૪ અને કોંગ્રેસે ૦ર બેઠકો છે. રાજકોટની કુલ ૪ બેઠકોમાંથી ત્રણ બેઠકો ભાજપે અને એક બેઠક કોંગ્રેસ પાસે છે. જામનગરની ૩ બેઠકોમાંથી એક બેઠક ભાજપ અને બે બેઠક કોંગ્રેસે કબજે કરી હતી. જ્યારે સુરતની કુલ ૧ર બેઠક, વડોદરાની ૫ બેઠક, ભાવનગરની બે બેઠક, જૂનાગઢની એક અને ગાંધીનગરની બંને બેઠકો ઉપર ભાજપનો કબજો છે. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં આઠ મહાનગરપાલિકાની ૪૫ વિધાનસભા બેઠકોમાંથી ભાજપે ૪૦ બેઠકો જીતી હતી તો કોંગ્રેસને ફાળે માત્ર પાંચ બેઠકો આવી હતી. હવે મહાનગરોના સ્થાનિકો મુદ્દાઓની સાથે પાટીદાર અનામત આંદોલન અને દલિત આંદોલનના સહારે કોંગ્રેસને મહાનગરોમાં બેઠકો વધવાની આશા જાગી છે. આમ આ વખતે પહેલીવાર કોંગ્રેસ મહાનગરોમાં રેસમાં દેખાઇ રહી છે જેની ભાજપે પણ ગંભીર નોંધ લેવી પડી છે.ગુજરાતની ૮ મહાપાલિકા વિસ્તારમાં પડતી ૪૫ વિધાનસભા બેઠકો આ ચૂંટણીમાં ભાજપ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે કારણ કે, આ અર્બન બેઠકો ઉપર વર્ષોથી રહેલો ભાજપનો દબદબો છેલ્લે ૨૦૧૫માં યોજાયેલી મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં સહેજ ઘટયો છે. મહાનગરપાલિકાઓની ચૂંટણીનું પરિણામ એટલા માટે દિશા દર્શાવનારું છે કેમ કે એ ચૂંટણી લોકસભાની ચૂંટણી બાદ યોજાઈ હતી અને ત્યાર બાદ વચ્ચે કોઈ ચૂંટણી યોજાઈ નથી.રાજ્યની આઠે મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં અત્યારે શાસનની ધૂરા ભાજપ સંભાળી રહ્યું છે. પરંતુ ૪ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પરિણામ નોંધનીય રહ્યું હતું. ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપ અને કોંગ્રેસને એક સરખી ૧૬ બેઠકો મળી હતી, પણ તોડફોડને સહારે ત્યાં ભાજપનું શાસન છે, જો કે ત્યાં ભાજપના ૪૪.૭૬ ટકા વોટશેર કરતાં કોંગ્રેસનો વોટશેર ૨.૧૭ ટકા વધારે હતો. રાજકોટ કોર્પોરેશનમાં ભાજપ કરતાં કોંગ્રેસની બેઠકો માત્ર ૪ ઓછી છે અને કોંગ્રેસના ૪૬.૩૭ ટકા વોટશેર કરતાં ભાજપનો વોટશેર માત્ર ૦.૬ ટકા જ વધારે છે.
જ્યારે અમદાવાદ અને સુરત મહાનગરપાલિકાઓમાં છેલ્લી ચૂંટણીમાં પાટીદાર ફેક્ટરના કારણે પાટીદાર સમાજની બહુમતીવાળી કોર્પોરેશનોની બેઠકો ઉપર મોટા ફેરફાર થયા છે. રાજ્યની આઠે મહાનગરપાલિકાઓમાં અત્યારે ભાજપ પાસે ૪૪૭ બેઠકો, કોંગ્રેસ પાસે ૨૦૭ બેઠકો, બહુજન સમાજ પાર્ટી પાસે ૨ બેઠકો અને અન્ય પક્ષો પાસે ૧૨ બેઠકો છે, જ્યારે ૨ બેઠકો ઉપર અપક્ષો ચૂંટાયેલા છે. ભાજપના ૫૦.૨૭ ટકા વોટશેર કરતાં કોંગ્રેસનો વોટશેર ૮.૭૩ ટકા ઓછો છે. આ ૯ ટકાનો વોટશેરનો તફાવત રાજકીય રીતે બન્ને મુખ્ય પક્ષો માટે ઘણું મહત્ત્વ ધરાવે છે. કોંગ્રેસે તેનો વોટશેર વધારવો પડે અને આ આઠેય મહાનગરોની કુલ ૪૫ બેઠકો પૈકી માત્ર ૫ બેઠકો કોંગ્રેસ પાસે છે. ભાજપે જો ૧૫૦ બેઠકોનો ટારગેટ હાંસલ કરવો હોય તો તેના મ્યુનિસિપલ કોર્પોરેશનોના વિસ્તારમાંનો ૫૦.૨૭ ટકા વોટશેર વધારીને ૬૦ ટકાએ પહોંચાડવો પડે. અહીં એ પણ રસપ્રદ છે કે, ૨૦૧૨ની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વોટશેરનો તફાવત ૮.૯૨ ટકા રહ્યો હતો. ભાજપ માટે આઠે મહાનગરોના વિસ્તારનો, કોર્પોરેશનોની ચૂંટણીનો તેનો ૫૦.૨૭ ટકાનો વોટશેર ટકાવી રાખવો આ વખતે મુશ્કેલ એટલા માટે છે કેમ કે પાટીદાર ફેક્ટર તથા જીએસટી સામે વેપારી વર્ગનો વિરોધ તેને નડી રહ્યો છે. પાટીદારોની બહુધા વસ્તીવાળી બેઠકોમાં ભાજપને ચૂંટણી પ્રચાર કરવો પણ મુશ્કેલ બની રહ્યો છે. જ્યારે જીએસટીમાં થોડા ફેરફાર કરવા છતાં વેપારી વર્ગને ભાજપ મનાવી શક્યો નથી. કોંગ્રેસ માટે આ જ મોટા પ્લસ પોઈન્ટ્‌સ છે.
સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્તરે પછાત રહેલો કોળી સમાજ ગુજરાતના રાજકારણમાં પાટીદારો પછી પ્રતિનિધિત્ત્વ ઊભું કરવાના મામલે સૌથી સમૃદ્ધ રહ્યો છે ! વર્ષ ૨૦૧૨માં નવા સીમાંકનથી યોજાયેલી ચૂંટણીમાં ભૌગોલિક સ્તરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૨૮ બેઠકો ઉપર કોળી મતદારો નંબર વન તરીકે ઊભર્યા છે. ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોમાં કોળી સમાજના ૧૮ ધારાસભ્યો ચૂંટાયા હતા. આ સમાજ પણ પોતાના સંગઠનની તાકાતે જે રાજકીય પક્ષ તરફ ઢળે ત્યાં મતોનો ઢગલો કરી આપવા જાણીતો છે.ગુજરાતની સ્થાપના અને એ પૂર્વે મુંબઈ રાજ્યના કાળમાં પણ દક્ષિણ ગુજરાતના કોળી પટેલોનો રાજકીય દબદબો રહ્યો છે. પરંપરાગતપણે વર્ષ ૨૦૦૨ સુધી કોંગ્રેસની અકબંધ વોટબેન્ક રહેલો આ સમાજ ઉપર વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી બાદ ભાજપે પણ ધીમીધારે મજબૂત પકડ જમાવી છે. આથી, પહેલીવાર કોળી સમાજના પ્રતિનિધિને ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. વર્ષ ૨૦૧૨માં ૧૩મી વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ કોળી મતો ધરાવતો કોળી સમાજ પ્રભાવિત ૨૮ મતક્ષેત્રોમાં કોડીનાર, ગઢડા, મોરવાહડફ, લીમખેડા, ગણદેવી અને વાસંદા એમ કુલ ૬ બેઠકો એસસી, એસટી રિઝર્વેશન હેઠળ છે. આથી, આ ૬ બેઠકનો બાદ કરતા ૨૨ બેઠક પૈકી ત્રણેક અપવાદને બાદ કરતા મોટાભાગે બંન્ને રાજકીય પક્ષોએ કોળી સમાજના ઉમેદવારો આપ્યા હતા. જેમાંથી ૧૮ બેઠકો ઉપર કોળી ઉમેદવારો ચૂંટાઈને આવ્યા હતા.
બાકીની ચાર બેઠકો પૈકી વાંકાનેરમાં લઘુમતી, ભાવનગર પૂર્વમાં પટેલ અને પશ્ચિમમાં બ્રાહ્મણ ઉમેદવાર ચૂંટાયા હતા. એકમાત્ર બોટાદમાં કોળી મતો સામે સપ્રમાણ પાટીદાર મતો હોવાથી પાટીદાર ઉમેદવારને વિધાનસભામાં પ્રતિનિધિત્ત્વનું સમીકરણ રચાયું હતું.કટોકટી બાદ ગુજરાતમાં કોંગ્રેસના વળતા પાણી સામે એંશીના દાયકામાં દક્ષિણ ગુજરાતનો કોળી સમાજ દીવાલ બનીને ઊભર્યો હતો. એવી જ રીતે નેવુના દાયકામાં સૌરાષ્ટ્રના કોળી સમાજે નવા ઉદય પામતા ભાજપનો હાથ પકડયો હતો. આમ બન્ને રાજકીય પાર્ટીઓ માટે આ સમાજ સંકટ સમયની સાંકળ કહેવાય છે. કોંગ્રેસે પહેલીવાર આ સમાજમાંથી આવતા વલસાડના સી.ડી.પટેલને નાયબ મુખ્યમંત્રીપદે પહોંચાડયા હતા.ભારતના હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉત્તર પ્રદેશના છે. રાષ્ટ્રીય કોળી સમાજના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને ભાજપમાં પ્રવૃત્ત હતા ત્યારે અનેકવાર ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે. ત્યારે તેમનો પ્રવાસ મોટાભાગે કોળી સમાજના વિસ્તારોમાં રહેતો આથી, ગુજરાતના કોળી સમાજના આગેવાનો સાથે રામનાથ કોવિંદનો સારો એવો ઘરેબો છે. તેમને એનડીએ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જાહેર કર્યા ત્યારે તેઓ ગુજરાતમાં હતા આથી, કોવિંદને ગુજરાત ફળ્યું છે. રાષ્ટ્રપતિપદ ધારણ કર્યા બાદ પણ તેઓ ગુજરાત આવી ચૂક્યા છે. આ સંજોગોમાં કોળી સમાજ આ વખતે ભાજપને ફળશે કે કેમ તેના ઉપર સૌની નજર છે.૧.૯૦ લાખથી લઈને ૨.૯૫ લાખ મતો ધરાવતી વિધાનસભાનાની અલગ અલગ બેઠકોમાં રાપર, ધોળકા, દસાડા (એસસી- અનામત), રાજકોટ ગ્રામ્ય (એસસી- અનામત), તાલાળા, ગારિયાધાર મતક્ષેત્રમાં કોળી સમાજના ૩૦ હજારથી વધુ મતો છે. જે કોઈપણ રાજકીય પક્ષની લીડ ઓછી પણ કરી શકે છે અને તેમાં ગાબડું પાડીને હરાવી પણ શકે છે. આ ઉપરાંત, વિરમગામ, વઢવાણ, ટંકારા, રાજકોટ પશ્ચિમ, ગોંડલ, જેતપુર, જામજોધપુર, દ્વારકા, પોરબંદર, કુતિયાણા, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, શહેરા, છોટાઉદેપુર, જેતપુર, સંખેડા, માંડવી (એસટી- અનામત), કતારગામ, પારડીમાં પણ કોળી સમાજના ૧૦,૦૦૦થી વધુ મતો રહેલા છે.ભાજપમાં પાટીદારો પછી સૌથી વધુ કોળી ધારાસભ્યો, સાંસદો છે. છતાંયે સરકાર સંચાલન, કેબિનેટમાં આ સમાજનું સ્થાન નથી ! વર્ષોથી પરસોત્તમ સોલંકીને સામાન્ય વિભાગના રાજ્યમંત્રી રાખ્યા છે. નવી નેતાગીરીને તક મળી નથી. આવી હૈયાહોળીનો કોંગ્રેસે લાભ ઉઠાવે તે નિશ્ચિત છે. કારણ કે, કોંગ્રેસની સરકારમાં સી.ડી.પટેલને નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષપદ સોંપાયું હતું. તેની પાસે કુંવરજી બાવળિયા, સોમાભાઈ પટેલ જેવું નેતૃત્ત્વ છે. જો કે, તેના કાઉન્ટરમાં ભાજપે રાજેશ ચૂડાસમા, ડો.ભારતી શિયાળ જેવા યુવાન અને મહિલા સાંસદો ઉતાર્યા છે.

Related posts

શું ખરેખર ફડણવીસ સરકાર મરાઠાઓને અનામત આપી શકશે કે પછી….!!?

aapnugujarat

તારા પ્રેમનો સ્વાદ ચાખ્યા પછી શરદ પૂનમની ચાંદનીના દૂધ પૌઆની મીઠાશ પણ ફિક્કી લાગી

aapnugujarat

કાર્ડિયેક અરેસ્ટ કોઇ પણ વયમાં થઇ શકે છે : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1