Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

કોલંબો ટેસ્ટ મેચમાં શ્રીલંકા પર ભારતની ઇંનિંગ્સ-૫૩ રને જીત

રવિન્દ્ર જાડેજાના તરખાટની મદદથી કોલંબોના સિંઘાલી સ્પોટ્‌ર્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પણ યજમાન શ્રીલંકા ઉપર એક ઇનિંગ્સ અને ૫૩ રને ભારતે આજે જીત મેળવી હતી. આની સાથે જ ભારતે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી ૨-૦થી જીતી લીધી છે. દુનિયાની નંબર વન ટીમ ભારતે સતત આઠમી શ્રેણી જીતી છે. ૨૦૧૪-૧૫માં ઓસ્ટ્રેલિયાની જમીન પર ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૨-૦થી શ્રેણી ગુમાવી દીધા બાદથી ટીમ ઇન્ડિયાએ કોઇપણ ટેસ્ટ શ્રેણી ગુમાવી નથી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતે પોતાની અપરાજીત ઝુંબેશ જારી રાખી છે. કરૂણારત્નેના ૧૪૧ રનની મદદથી શ્રીલંકાની ટીમે એક વખતે ૪ વિકેટે ૩૧૦ રન બનાવ્યા હતા અને તેની સ્થિતિ મજબૂત દેખાઈ રહી હતી પરંતુ ત્યારબાદ નિયમિત ગાળામાં વિકેટો ગુમાવી હતી. રવિન્દ્ર જાડેજાએ નવમી વખત પાંચ અથવા તેનાથી વધુ વિકેટ ઝડપી હતી. જાડેજાએ ૧૫૨ રન આપીને પાંચ વિકેટ ઝડપીને આ ટેસ્ટ મેચ ભારતને જીતાડવામાં ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. યજમાન ટીમ જાડેજા સામે મેદાન પર ટકી શકી ન હતી અને પોતાની છેલ્લી છ વિકેટ માત્ર ૭૬ રનમાં ગુમાવી દીધી હતી. ફોલોઓન થયા બાદ મેદાનમાં ઉતરેલી શ્રીલંકાની ટીમ તેના બીજા દાવમાં ૧૧૬.૫ ઓવરમાં ૩૮૬ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. કરૂણારત્નેએ મેન્ડીસ ૧૧૦ સાથે મળીન બીજી વિકેટની ભાગીદારીમાં ૧૯૧ રન ઉમેર્યા હતા. કરૂણારત્નેએ આજે પુષ્પકુમાર સાથે ત્રીજી વિકેટ માટે ૪૦ અને મેથ્યુસ સાથે પાંચમી વિકેટની ભાગીદારીમાં ૬૯ રન ઉમેર્યા હતા પરંતુ બાકીના ખેલાડીઓ ટીમને ઇનિંગ્સની હારથી બચાવી શક્યા ન હતા. જાડેજા ઉપરાંત હાર્દિક પંડ્યાએ ૩૧ રન આપીને બે તથા અશ્વિને ૧૩૨ રન આપીને બે વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવ ૩૯ રન આપીને એક વિકેટ ઝડપી લેવામાં સફળ રહ્યો હતો. ભારત પ્રથમ ઇનિંગ્સમાં નવ વિકેટે ૬૨૨ રન બનાવ્યા બાદ દાવ ડિકલેર કર્યો હતો. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ ૧૮૩ રન કરીને ઓલઆઉટ થઇ હતી જેના લીધે તેને ફોલોઓનની ફરજ પડી હતી.હવે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ ૧૨મી ઓગસ્ટથી કેન્ડીના પાલ્લેકલ મેદાનમાં રમાશે. મેન ઓફ દ મેચ તરીકે જાડેજાની પસંદગી કરાઈ હતી. અત્રે નોંધનીય છે કે, ગોલના મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે યજમાન શ્રીલંકા પર ૩૦૪ રને ભવ્ય જીત મેળવી હતી. આની સાથે જ ટેસ્ટ શ્રેણીમાં ૧-૦ની મહત્વપૂર્ણ લીડ પણ મેળવી લીધી હતી. મેચના ચોથા દિવસે જ ભારતે આ ટેસ્ટ પોતાના નામ પર કરી હતી. શ્રીલંકાની ટીમ તેના બીજા દાવમાં માત્ર ૨૪૫ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇજાના કારણે બે બેટ્‌સમેન બેટિંગ કરવા માટે મેદાનમાં આવી શક્યા ન હતા. જેથી ભારતને વિજેતા જાહેર કરી દેવાતા કરોડો ચાહકોમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ.
શ્રીલંકાની બીજી ઇનિગ્સમાં રવિચન્દ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ જોરદાર તરખાટ મચાવ્યો હતો. આ શ્રેણીમાં ત્રણ ટેસ્ટ મેચ, પાંચ વનડે મેચો અને એક ટ્‌વેન્ટી મેચ રમાનાર છે. વર્ષ ૨૦૧૫માં ભારતે શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણીમાં ૨-૧થી જીત મેળવી હતી. વર્ષ ૨૦૧૫ની શ્રેણીમાં ગાલે ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતની ૬૩ રને હાર થઇ હતી. જો કે ત્યારબાદ શાનદાર વાપસી કરીને ભારતે આ શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી. ૨૨ વર્ષમાં પ્રથમ વખત શ્રીલંકા પર ભારતે જીત મેળવી હતી. આ શ્રેણીની છેલ્લી ટેસ્ટમાં ચેતેશ્વર પુજારાએ ૧૪૫ રન કર્યા હતા. પુજારાએ ફરી એકવાર વર્તમાન શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં પણ સદી કરી હતી. વર્ષ ૨૦૧૫ પહેલા વર્ષે ૨૦૧૦માં રમાયેલી ટેસ્ટ શ્રેણી ૧-૧થી ડ્રોમાં રહી હતી. ભારતે સતત આઠમી શ્રેણી જીતી છે. આજે ચોથા દિવસે ભારતીય બોલરો છવાયેલા રહ્યા હતા. શ્રીલંકા તરફથી કરૂણારત્નેએ સૌથી વધુ ૧૪૧ રન બનાવ્યા હતા. આ મેચમાં ૭૦ રનની ઇનિંગ્સ અને સાત વિકેટ લેનાર જાડેજાની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરાઈ હતી.

Related posts

અયોધ્યા કેસ : મધ્યસ્થી મામલે સુપ્રીમનો ચુકાદો અનામત રહ્યો

aapnugujarat

નિરવ મોદીની રોલ્સ રોયલ્સ સહિત નવ મોંઘી કાર જપ્ત

aapnugujarat

સેન્સેક્સમાં ૧૫૯ પોઈન્ટનો ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1