Aapnu Gujarat
ગુજરાત

સેલ્ફીના ચક્કરમાં વડોદરાની પારૂલ યુનિવર્સિટીનાંત્રણ યુવાન તણાયા

વરસાદની મજા માણવા માટે વડોદરા નજીકના સિંધરોટ ચેકડેમ ખાતે ગયેલા પારુલ યુનિર્વિસટીના મિકેનિકલ એન્જિનિયરીંગના ચાર વિદ્યાર્થીઓ પૈકી ત્રણ સેલ્ફી ફોટો પાડવાના ચક્કરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતાં. જો કે, સદ્‌નશીબે બે મિત્રોને સ્થાનિકોએ બચાવી લીધા હતાં જ્યારે ત્રીજો મિત્ર પાણીના વહેણમાં ખેંચાઈ ગયો હતો.વાઘોડિયા ખાતેની પારુલ યુનિર્વિસટીમાં મિકેનિકલ એન્જિનિયરીંગના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતાં પાર્થ બકુલભાઈ ચૌહાણ, નિતિન જેઠાભાઈ પારગી, અમિત ચમન પટેલ અને કુંતલ પટેલ ( તમામ ઉં.વ. ૨૨) શહેરના વાઘોડિયા રોડ પર આવેલા વૃંદાવન ચાર રસ્તા પાસે પેઈન ગેસ્ટ તરીકે રહેતા હતાં.રવિવારની રજા હોવાથી ચારે મિત્રોએ શહેર નજીક આવેલા સિંધરોટ ચેકડેમ ખાતે ફરવા જવાનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો હતો. બે બાઈક લઈને ચારે મિત્રો ડબલ સવારી કરીને સાંજે ૪ કલાકે સિંધરોટ ચેકડેમ ખાતે પહોંચ્યાં હતાં. સૂત્રોએ કહ્યું હતું કે, પાર્થ, નિતિન અને અમિત ત્રણે જણા ચેકડેમ પર ગયા હતાં. જ્યારે કુંતલ પટેલ બહાર જ ઊભો હતો. એ સમયે ઝરમરીયો વરસાદ પડતો હતો અને મહીસાગરમાં પાણીની આવક વધી હોવાથી પાણીનો જબરજસ્ત વહેણ હતો. એવામાં આ ડેમ પર ઊભા રહીને સેલ્ફી ફોટો લેવા જતાં પાર્થ, નિતિન અને અમિત પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયાં હોવાનું સૂત્રોનું કહેવું હતું. જો કે અમિત અને નિતિનને સ્થનિકોએ બચાવી લીધો હતો, પરંતુ પાણીનો વહેણ વધુ હોવાથી પાર્થ ગણતરીના સમયમાં ખેંચાઈ ગયો હતો.જેનો રાત સુધી પત્તો લાગ્યો ન હતો. બનાવ અંદાજે પોણા પાંચ વાગ્યાના અરસામાં બન્યો હતો. જો કે ગભરાઈ ગયેલા અમિતે ફાયર બ્રિગેડને સાંજે ૫-૪૦ કલાકે કોલ કરીને જાણ કરી હતી. પોલીસે એવી આશંકા વ્યક્ત કરી હતી કે, સેલ્ફી પાડવા જતાં પડયાં હાવાની આશંકા છે.પાર્થની સાથે અમિત અને નીતિન પણ મહીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતાં. જો કે, જ્યાંથી તેઓ તણાયા ત્યાંથી અંદાજે ૨૦૦ મીટર દૂર નદીના કિનારા પાસે તે બન્નેએ ઝાડની ડાળખી પકડી લીધી હતી અને બૂમરાણ મચાવી દીધી હતી. એવામાં આસપાસમાંથી પસાર થતાં સ્થાનિકોની નજર પડતાં તેઓ બચાવવા દોડી ગયા હતાં અને મહામુસીબતે બન્નેને બહાર કાઢયાં હતાં તેવું સૂત્રોનું કહેવું હતું. જો કે પાર્થ પાણીમાં ખેંચાઈ ગયો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ચેકડેમ ખાતે દોડી ગયો હતો, પરંતુ પાર્થનો પત્તો લાગ્યો ન હતો. તેથી આગળ જતાં મહીસાગર નદી પાદરા અને વડુ પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોવાથી પોલીસે તુરંત જ આ બન્ને પોલીસ સ્ટેશનને પણ જાણ કરી દીધી હતી.

Related posts

એ કાપ્યોના શોર વચ્ચે ઉત્તરાયણની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઇ

aapnugujarat

માલધારીઓ માટે સરકારે કરી મોટી વ્યવસ્થા, ૧૨ જેટલી રેલવે રેક કચ્છમાં

aapnugujarat

ખસા ગામમાં પાણીની સમસ્યા

editor

Leave a Comment

UA-96247877-1