Aapnu Gujarat
ગુજરાત

ડભોઇના ખેડૂતોએ એમએસપીના કાયદાની અવગણના બાબતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું

ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ડભોઇ તાલુકાના ધરમપુરી, બોરીયાદ, કુકડ,વઢવાણા, સિતપુર,કરણેટ વગેરે ગામના ડાંગર પકવતા ખેડૂતોએ ડભોઇના નાયબ કલેકટરને ડાંગરની ખરીદી બાબતે પ્રવર્તમાન સરકારશ્રીના નિયમોની અવગણના અને એમએસપીથી ઓછા ભાવે ડાંગરની ખરીદી થઇ રહી છે તે બાબતે ડભોઇ એપીએમસીના હોદ્દેદારો અને ગુજકોમાસોલના અધિકારીઓ વિરુદ્ધ આક્ષેપો સહિતનું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ખેડૂત અગ્રણીઓએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા ડાંગરની ખરીદી બાબતે હાલમાં ૩૭૩ રૂપિયા પ્રતિ ૨૦ કિલોના ભાવની એમએસપી જાહેર કરેલી છે અને તે જ ભાવે સરકાર ખરીદી કરે છે જ્યારે ગુજકોમાસોલ દ્વારા ડભોઇ તાલુકામાં ૩૦૦ રૂપિયા પ્રતિ ૨૦ કિલોના ભાવે ખરીદી કરવાનું નક્કી કરેલ છે. આમ ગુજકોમાસોલના અધિકારીઓ સરકારશ્રી દ્વારા જાહેર કરેલ એમએસપીના ભાવના કાયદાનું ઉલ્લંઘન કરે છે અને ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ખરીદી કરે છે અને તેમાં પણ વાયદો વટાવ તેમજ ૨૦૦ થી ૩૦૦ ગ્રામ નમન કરે છે તેવા આક્ષેપો ગુજકોમાસોલના અધિકારીઓ સામે ડભોઇ તાલુકાના ખેડૂતોએ કર્યો છે. તેમજ ગુજકોમાસોલના બોર્ડ ઓફ ડિરેક્ટરો તેમના વિસ્તારની મંડળીઓને ડાંગરની ખરીદી કરવા માટે મંજૂરી આપે છે પરંતુ ડભોઇ તાલુકામાં વર્ષોથી સક્રિય એવી સહકારી મંડળીઓ ચાલે છે આવી મંડળીઓને ખરીદી માટે મંજૂરી આપવામાં આવતી નથી.ગુજકોમાસોલના વહીવટમાં ભ્રષ્ટાચાર અને વ્હાલા – દવલાની નીતિ જોવા મળી રહી છે જેના કારણે ડભોઇ તાલુકાના ડાંગર પકવતા ખેડૂતોને અન્યાય સહન કરવાનો વારો આવ્યો છે અને ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડશે તેવી સંભાવના ઉભી થઈ છે. સદર ખેડૂત અગ્રણીઓએ ડભોઇ એપીએમસીના પ્રમુખ અને ડિરેક્ટરોની નિષ્ક્રિયતા બાબતે પણ આવેદન પત્રમાં ઉલ્લેખ કર્યો હતો.ખેડૂતોના મતે જીતીને એ.સી. ઓફિસમાં બેસી રહેતા અને એપીએમસીનો વહીવટ કરતા હોદ્દેદારોના હૃદયમાં ખેડૂતોનું હિત વસેલું ન હોય તેવું ખેડૂત અગ્રણીઓને લાગી રહ્યું છે. ડાંગરની ખરીદીની પ્રક્રિયામાં એપીએમસીના વહીવટદારો ચુપ રહી તાલ તમાશો જોઈ રહ્યા છે પરંતુ ખેડૂતોને એમએસપી મુજબનો ભાવ મળે તે બાબતે કોઇ નક્કર કાર્યવાહી કરી રહ્યા નથી. વધુમાં ખેડૂત અગ્રણીઓનું કહેવું છે કે આવી એપીએમસીને તાળા પણ મારી બંધ કરી દેવી જોઈએ કારણકે એપીએમસી દ્વારા ખેડૂતોનું હિત જોવાતું નથી તેમજ ખેડૂતોને પૂરતી સગવડો આપવામાં આવતી નથી. રાજ્યમાં એવી ઘણી બધી એપીએમસી છે જે ખેડૂતો માટે ચા, નાસ્તો, ભોજન અને અન્ય સગવડો રાહત દરે ઉપલબ્ધ કરાવે છે તેમજ ખેડૂતો માટે જીવન વિમાની પણ સગવડો ઉભી કરાવે છે જ્યારે ડભોઇ તાલુકાની એપીએમસી દ્વારા ખેડૂતોને આવી કોઈપણ સગવડો ઉપલબ્ધ કરવામાં આવતી નથી અને ખેડૂતોનું હિત જોવામાં આવતું નથી જેથી ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. આમ ડભોઇ તાલુકાના ડાંગર પકવતા ખેડૂતોએ પોતાને એમએસપી મુજબનો ભાવ મળે અને ગુજકોમાસોલ તથા ડભોઇ એપીએમસીના વહીવટદારો ખેડૂતોનું હિત જુએ, ખેડૂતોને વ્યાજબી ભાવ મળે તેમજ ખેડૂતોનું શોષણ ન થાય તેવી માંગ સાથે અસરકારક પગલાં ભરાય તે માટે આજરોજ નાયબ કલેકટરશ્રીને સંબોધન કરતું આવેદનપત્ર ડભોઇના નાયબ મામલતદારને આપવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)

Related posts

રાજ્યમાં ૪૮૭ કરોડના ખર્ચે ૧૦ નવા ફલાય ઓવરો બનશે

aapnugujarat

गुजरात में दौड़ेगी रो-पैक्स फेरी

editor

પાવાગઢમાં બે લાખથી પણ વધુ ભક્તોએ કર્યા માતાજીના દર્શન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1