Aapnu Gujarat
ગુજરાત

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ૧૭ સ્થળોએ જાહેર યોગાભ્યાસનું આયોજન

ભારતીય યોગ સંસ્કૃતિની પ્રચારક વિવિધ સંસ્થાઓ અને નાગરિક સમુદાયોના સહયોગથી તા.૨૧મી જુન, ૨૦૧૭ના રોજ વડોદરા શહેર-જિલ્લામાં વિશ્વ યોગ દિવસની વ્યાપક અને વિધેયાત્મક ઉજવણી કરવામાં આવશે. તેના ભાગરૂપે હાલમાં સયાજીબાગ ખાતે ટ્રેઇન ધી ટ્રેનર હેઠળ આયુષ દ્વારા નિર્ધારીત પ્રોટોકોલને ચૂસ્તપણે વળગી રહીને યોગાભ્યાસ કરાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ લેનારાઓ જાહેર યોગાભ્યાસમાં ભાગ લેનારાઓને યોગ કરાવે એવું આયોજન કરવામાં આવ્યુ છે.

વડોદરા યોગ સંસ્કૃતિનો ભવ્ય વારસો ધરાવે છે એટલે શહેર-જિલ્લામાં વિશ્વ યોગ દિવસની લોકસહભાગી વ્યાપક ઉજવણી થશે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો જાહેર યોગાભ્યાસમાં જોડાશે એવી અપેક્ષા મ્યુનિસિપલ કમિશનર ડૉ. વિનોદ રાવે વ્યક્ત કરી છે. જિલ્લા કલેકટર પી.ભારતીએ જિલ્લાના લોકો જાહેર યોગાભ્યાસમાં મોટી સંખ્યામાં જોડાય એવી અપીલ કરી છે.

તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા યોગ દિવસની ઉજવણીમાં લોકસહભાગીદારી સુનિશ્ચિત કરવા યોગ સંસ્કૃતિની પ્રચારક એવી વિવિધ સંસ્થાઓ અને શૈક્ષણિક સંકુલોના પદાધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. તમામ સંસ્થાઓએ પ્રધાનમંત્રીશ્રીની ભેટ સમાન વિશ્વ યોગ દિવસની પ્રભાવશાળી ઉજવણી થાય તે માટે સહયોગ આપવાની તત્પરતા દર્શાવી હતી અને યોગ દિવસની ઉજવણી રૂટીન પરંપરા નહીં પણ લોક અભિયાન બની રહેશે તેવી ખાતરી આપી હતી.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મુખ્ય ૦૫ સ્થળોએ મેગા પ્રેક્ટીસ-મહા યોગાભ્યાસનું તા.૨૧/૦૬/૨૦૧૭ના રોજ આયોજન કરવામાં આવ્યુ છે. આ સ્થળોમાં મુખ્ય કાર્યક્રમ સ્થળ સમા ઇનડોર સ્પોર્ટસ કોમ્પલેક્સ ઉપરાંત માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્સ, અકોટા સ્ટેડિયમ, સયાજીબાગ બેન્ડ સ્ટેન્ડ અને મ.સ.વિશ્વવિદ્યાલય પેવેલિયનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શહેરની ૧૨ વોર્ડ કચેરીઓ દ્વારા અનુક્રમે કલ્યાણરાયજી હોલ, સર્વાનંદ હોલ, સંખેડા દશાલાડ ભવન, માંજલપુર અતિથિગૃહ, પોલો ક્લબ, અકોટા અતિથિગૃહ, નિઝામપુરા અતિથિગૃહ, સત્યમ શિવમ સુન્દરમ હોલ, ડભોઇ દશાલાડ ભવન, સુભાનપુરા અતિથિગૃહ, દિવાળીપુરા અતિથિગૃહ અને જીઆઇડીસી, મકરપુરાના વીસીસીઆઇ હોલ ખાતે જાહેર યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યુ છે. આ તમામ સ્થળોએ નાગરીકો જાહેર યોગાભ્યાસમાં મોટા પ્રમાણમાં જોડાઇ શકે છે. લોકોએ ઉપરોક્ત સ્થળોમાંથી નજીકના સ્થળે યોગાભ્યાસમાં જોડાવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

આર્ટ ઓફ લીવીંગના અમર મહેતાએ જણાવ્યુ કે, સયાજીબાગમાં હાલમાં વિવિધ સંસ્થાઓના યોગ નિપુણ પ્રતિનિધિઓને ટ્રેઇન ધી ટ્રેનર કાર્યક્રમ હેઠળ તાલીમ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે યોગ દિવસે આયુષ સંસ્થાએ ઠરાવેલા ૪૫ મીનીટસના પ્રોટોકોલ પ્રમાણે જ યોગાભ્યાસ કરવો જરૂરી છે. એટલે ટ્રેનર્સને હાલમાં પ્રોટોકોલ પ્રમાણે યોગ નિદર્શન કરાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. મુખ્ય સ્થળોએ તા.૧૭ થી ૨૦ દરમિયાન યોગ પ્રેક્ટીસ સત્રો પણ યોજાશે.

Related posts

पर्यटकों की संख्या बढ़ी, पर्यटन विभाग का लाभ घटा

aapnugujarat

ઈડર ટાવરની ઘડિયાળ તૂટી પડી

editor

સેટેલાઇટ ગેંગરેપ : પીડિતાએ ફરી કોર્ટમાં અરજી કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1