Aapnu Gujarat
Uncategorized

વલસાડ પોસ્ટ ઓફિસના કર્મીએ ખાતા ધારકોને ચૂનો ચોપડ્યો

વલસાડની પોસ્ટ ઓફિસમાં નાણાં જમા કરાવનાર ખાતા ધારકોને પોસ્ટના જ એક કર્મચારીએ લાખોનો ચૂનો ચોપડયો છે. પોસ્ટ ઓફિસના જ એક કૌભાંડિયા કર્મચારીએ ખાતેદારોના ખાતાના રૂપિયા જમા કરવાને બદલે પોતે જ બારોબાર ખાતેદારની ડુપ્લિકેટ સહી કરી અને લાખો રૂપિયા ચાંઉ કરી ગયો હોવાની ફરિયાદ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાતા ચકચાર મચી ગઇ હતી. ફરિયાદ દાખલ થતાં જ સીટી પોલીસ અને પોસ્ટ વિભાગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. જેમાં વલસાડ પોસ્ટ ઓફિસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સુનિલ ચાવડા નામના એક કર્મચારીએ અનેક ખાતેદારોના ખાતામાંથી બારોબાર રૂપિયા ચાંઉ કરી પોસ્ટ ઓફિસમાં ખાતુ ધરાવતા અનેક ખાતેદારો સાથે લાખોની ઠગાઇ કરવાનું કૌભાડ બહાર આવ્યું છે. ફરિયાદ નોંધવાના ગણતરીના સમયમાં જ વલસાડ સીટી પોલીસે કૌભાંડી પોસ્ટ કર્મચારીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. આરોપી સુનિલ ચાવડા, વલસાડની મુખ્ય પોસ્ટ ઓફિસનો કર્મચારી છે. સામાન્ય રીતે, આ વ્યક્તિનું કામ પોસ્ટ બચતના પૈસા સલામત રીતે જમા કરવા અને તેમના ખાતાની અવધિ પૂરી થાય ત્યારે ખાતેદારોને તેમના પૈસા સલામત રીતે પરત કરવાનું છે. પરંતુ પોતાના સરકારી પગારથી પણ વધુ કમાવાની લાલચ સુનિલના મનમાં જાગી હતી અને તેના જ કારણે આજે તેને જેલની હવા ખાવી પડે છે. સુનિલ ચાવડાએ તેના પોસ્ટ ઓફિસમાં લાંબા સમય સુધી કોઈપણ પ્રકારના લેવડ-દેવડ ન થયું હોય તેવા ખાતામાં જમા રહેલી રકમ બારોબાર જાતે જ ઉપાડી લીધી હતી. ચોંકાવનારી બાબત તો એ છે કે, સુનિલ ચાવડાએ ખાતેદારોની નકલી સહી પણ જાતે જ કરી લીધી હતી. ઉધઈ જેમ લાકડા ને કોરી ખાય તેમ સુનિલ ચાવડા ધીરે ધીરે આ કૌભાંડ આચરતો હતો. જાેકે સુનિલ ચાવડાની પોલ અચાનક જ ખુલી ગઈ હતી. એક ખાતાધારકે પોતાના ખાતાની તપાસ કરતા તેમાંથી મોટી રકમ ગાયબ થઇ જતાં તેણે પોસ્ટના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ફરિયાદ કરી હતી.. જેથી તપાસ કરતા આખો મામલો બહાર આવ્યો છે. સમગ્ર મામલે પોસ્ટના ઉચ્ચ અધિકારીએ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. વલસાડ સીટી પોલીસે આરોપી ચાવડાની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, સુનિલે ૯.૮૦ લાખનું કૌભાંડ કર્યું છે. પોસ્ટ ઓફિસમાં સામાન્ય રીતે મધ્યમ વર્ગના લોકો નાની નાની રકમ એકત્ર કરી લાંબા સમય માટે બચત કરતા હોય છે, પરંતુ સુનિલ ચાવડા જેવા લેભાગુ અને કૌભાંડી કર્મચારીઓના કારણે મધ્યમવર્ગના લોકોની મરણમૂડી ખોવાનો વારો આવ્યો છે.

Related posts

ધોરાજીમાં બે દેવીપૂજક યુવતીઓ ચેકડેમમાં પડતાં મોતને ભેટી

editor

પરિણિતાને બ્લેકમેલ કરી યુવકે દુષ્કર્મ આચર્યું

aapnugujarat

ભાવનગરમાં “તરસમિયા EWS-1 તથા EWS-2ના આવસોનો ડ્રો યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1