Aapnu Gujarat
બ્લોગ

રોહિંગ્યા શરણાર્થી : ઓળખ શોધતા લોકો

દુનિયામાં જ્યાં જ્યાં અશાંતિ અને અરાજકતાનું વાતાવરણ પ્રસરે છે ત્યાં મૂળ નાગરિકો પોતાના જીવની સલામતી માટે અન્ય દેશોમાં આશરો લેતાં રહે છે. હજારો વર્ષોનો આ ક્રમ રહ્યો છે અને જ્યારે જ્યારે યુદ્ધજન્ય પરિસ્થિતિઓ વધી છે ત્યારે અન્યત્ર શરણ લેવાનું પ્રમાણ પણ વધ્યું છે. જોકે હાલ દુનિયામાં સત્તાવાર યુદ્ધની સ્થિતિ ન હોવા છતાં છેલ્લાં બે દાયકામાં આ પ્રમાણ અત્યંત વધ્યું છે અને દુનિયાભરમાં વિવિધ સ્થળોએ આશરે ત્રણ કરોડ લોકો પોતાનો દેશ છોડવા મજબૂર બન્યાં છે. ખાસ કરીને ઈસ્લામિક સ્ટેટ્‌સના આતંક પછી સિરિયામાંથી આશરે સવા કરોડ લોકો યુરોપની દિશાએ આશરો મેળવવા હવાતિયાં મારે છે. બીજા શબ્દોમાં કહીએ તો, સિરિયાની અડધોઅડધ વસ્તી હાલ શરણાર્થી છે અને ઘર-બાર કે વતન ગુમાવીને અજાણ્યા પ્રદેશમાં નવી દિશા તલાશવા હવાતિયાં મારે છે. સ્વાભાવિક રીતે જ, આ કંઈ આસાન ક્રમ ન હોય. કોઈપણ રીતે શાંત જિંદગીની તલાશમાં નીકળેલા આ લોકો પૈકી આશરે વીશ હજાર લોકોએ જાન ગુમાવ્યા છે. એવાં લોકોનો આંકડો ય મોટો છે જેમના વિશે કોઈ પતો જ ન હોય. ભૂમધ્ય સમુદ્રના રસ્તે ગ્રીસના લેસબોસ આઈલેન્ડ થઈને યુરોપમાં પ્રવેશવાનો રૃટ સૌથી વધુ સલામત ગણાય છે. ભાગેડુઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલ અને અહીં ત્યજી દેવાયેલ રબ્બરની હોડી, હલેસા, લાઈફ જેકેટ, મોટા ટાયરનો ટેકરો અહીં ૪૦ ફૂટની ઊંચાઈએ પહોંચ્યો છે. યુરોપના દેશો પૈકી ફ્રાન્સ, જર્મની, પોર્ટુગલ અને ગ્રીસ શરણાર્થીઓને પ્રવેશ આપવા માટે ઉદાર વલણ રાખતા રહ્યા છે. બ્રિટને પણ ગત દાયકા સુધી ઉદારતા દાખવી હતી, પરંતુ હવે ત્યાં કાયદા વધુ કડક બન્યા છે. માનવતાના ધોરણે શરણાર્થીઓને આશ્રય આપનાર ફ્રાન્સમાં એ જ શરણાર્થીઓ આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું જણાતાં ફ્રાન્સ સહિત મોટાભાગના યુરોપિય દેશો હવે શરણાર્થીઓ સાથે કડકાઈ દાખવી રહ્યા છે. ભારતમાં પણ રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓની સમસ્યા હવે વધુ કપરી બનતી જાય છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં આ સમુદાયની મોટી હાજરી સમસ્યાને વધુ વકરાવી રહી છે. દરેક સિક્કાની બીજી બાજુ ય હોય છે, જેમાં એક તરફ માનવતા છે તો બીજી તરફ ભવિષ્યની બદહાલીની ફિકર પણ નકારી શકાતી નથી. માત્ર જમ્મુ જ શા માટે, પૂર્વોત્તર ભારતથી લઈને આખા ય યુરોપની આ સમસ્યા છે. કહો કે, એકવીશમી સદીની આ એક એવી ભીષણ સમસ્યા છે જેનું નિરાકરણ કોઈને જડતું નથી. આપણે વાત કરી રહ્યા છે એ જમ્મુની સમસ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં રોહિંગ્યા મુસ્લિમો આશ્રય લઈ રહ્યા છે. અગાઉ ચારેક મહિના પૂર્વે સૈન્યના હાથે બે આતંકીઓ માર્યા ગયા તેમાંથી એક રોહિંગ્યા મુસ્લિમ હોવાના અહેવાલો પછી જમ્મુમાં રોહિંગ્યા મુસલમાનો સામેનો આક્રોશ હદ બહારનો વધી ગયો છે. પોતાને ઉપયોગી મુદ્દો શોધવામાં ઉસ્તાદ રાજકીય પક્ષો પૈકી પેન્થર પાર્ટીને આ મુદ્દો બરાબર ફાવી ગયો છે. પેન્થર પાર્ટીએ રોહિંગ્યા મુસ્લિમોના બહિષ્કારની જાહેરાત કર્યા પછી તેના પર બળજબરીપૂર્વક અમલ કરાવવાનું પણ શરૂ કરી દીધું છે. જમ્મુ-કાશ્મીર આમ પણ અલગતાવાદ અને આતંકવાદથી ત્રસ્ત રાજ્ય છે. તેમાં રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓ નવો ઉમેરો કરી રહ્યા છે. આમ છતાં એક ઝાટકે રોહિંગ્યા મુસ્લિમોની તરફેણમાં માનવતાવાદી બની જવું કે તેમની ભારતમાં હાજરીથી ચિંતિત થઈને રાષ્ટ્રવાદી બની જવું એવા કોઈ અંતિમ નિર્ણય પર આવવાનું આસાન નથી. સૌથી પહેલાં તો રોહિંગ્યા મુસ્લિમોની પોતાની કથની ધ્યાનથી સમજવા જેવી છે. ધર્મના નામે થતી કત્લેઆમનો ઇતિહાસ માનવ સભ્યતા જેટલો જ જૂનો છે. ક્યાંક મુસ્લિમો બહુમતીમાં છે તો ત્યાં તેમના જુલમોસિતમનો ભોગ અન્ય જાતિઓ બને છે. બર્મા યાને મ્યાનમારમાં એથી ઊંધું થઈ રહ્યું છે. મ્યાનમારની બહુમતી પ્રજા બૌદ્ધ છે.
બૌદ્ધ ધર્મને અહિંસાનો પ્રબોધક માનવામાં આવે છે પરંતુ મ્યાનમારનું વાસ્તવિક ચિત્ર બહુ દારુણ છે. અહીં રોહિંગ્યા તરીકે ઓળખાતી પ્રજા મુખ્યત્વે મુસલમાન ધર્મા પાળે છે. એવું કહેવાય છે કે દોઢસો-બસો વર્ષ પહેલાં અંગ્રેજી શાસન વખતે મ્યાનમારના જંગલોની સાફસફાઈ માટે બંગાળના સાગરતટથી મજૂરોને લાવવામાં આવ્યા હતા. જંગલોથી છવાયેલી જમીન સમથળ કરી તેને અંગ્રેજ કેમ્પના રહેણાંક યોગ્ય બનાવવાનું કામ સતત ચાલતું રહ્યું અને મજૂરો અહીં જ વસી ગયા. આજના ચિતાગોંગ આસપાસના આ મુસ્લિમોના મૂળિયા છેક બંગાળના નવાબી શાસન સુધી લંબાય છે પરંતુ પાંચ-છ પેઢીથી એ છેડો તૂટી ચૂક્યો છે. હવે મ્યાનમારના સ્થાનિકોને રોહિંગ્યાઓની હાજરી ખૂંચે છે. આથી છેલ્લાં પાંચેક દાયકાથી તેમને મ્યાનમારમાંથી તગેડી મૂકવાના એકધારા પ્રયાસો જારી રહે છે. હાલમાં તેમની સંખ્યા આશરે ૧૦ લાખ જેટલી છે. મ્યાનમાર સરકાર તેમને સત્તાવાર નાગરિક તરીકેની ઓળખ આપતી નથી અને તેમને બાંગ્લાદેશથી ગેરકાયદે ઘૂસી આવેલા ઘુસણખોરો ગણે છે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશી ઘુસણખોરોની સમસ્યા પૂર્વોત્તર ભારતમાં પણ વ્યાપક છે. મ્યાનમારનું રખાઈન રાજ્ય એવો વિસ્તાર છે જ્યાં રોહિંગ્યાની આબાદી વધારે છે અને શિક્ષિત તેમજ સંગઠિત પણ છે. આથી અહીં બૌદ્ધો સાથે તેમના સંઘર્ષનું પ્રમાણ વધુ છે. અહીં મ્યાનમારના સૈન્યે પણ ભારે ત્રાસ વર્તાવ્યો હોવાના આક્ષેપો થાય છે. રોહિંગ્યાની વસ્તીને કચડી નાંખવા માટે અને તેમને દેશ છોડી જવાની ફરજ પાડવા માટે ટેન્ક અને હેલિકોપ્ટરનો ય ઉપયોગ થયેલો છે. મ્યાનમારમાં રહેવું અસહ્ય બનતાં રોહિંગ્યાઓનો બહુ મોટો સમુદાય છેલ્લાં ત્રીશ વર્શથી ક્રમશઃ હિઝરત કરી રહ્યો છે. સ્વાભાવિક રીતે જ આશરો લેવા માટેની પહેલી પસંદગી પૂર્વજોની ભૂમિ જ હોય, જે આજે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે. પરંતુ બાંગ્લાદેશમાં ય તેમને બહારના ગણીને જાકારો મળે છે. આથી સરહદી વિસ્તારોમાં રોહિંગ્યાઓ વસ્યા, પરંતુ બાંગ્લાદેશની સરકારે તેમને કડક હાથે હાંકી કાઢ્યા. મૂળ બાંગ્લાદેશીઓ પોતે જ ભારતમાં ઘૂસણખોરી કરતા હોય ત્યાં રોહિંગ્યાને તો કોણ આશરો આપે? પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં મૂળ બાંગ્લાદેશીઓ રોહિંગ્યાઓને પ્રવેશવા દેતા નથી આથી બાંગ્લાદેશમાંથી ધકેલાયેલા રોહિંગ્યાઓ ભારતના હૈદરાબાદ, મલબાર, ઓરિસ્સા ઉપરાંત જમ્મુ-કાશ્મીરની દિશાએ પલાયન થઈને સ્થાનિક મુસ્લિમ વસ્તી સાથે વસી જવાના પ્રયાસ કરે છે. તેમાં પણ હવે સંખ્યા સતત વધતી જાય છે એટલે અહીં પણ તેમનું અસ્તિત્વ અને અસલિયત છાના રહી શકતાં નથી. બહારથી આવેલા ઘૂસણખોરો તરીકે સરકારી માન્યતા ન ધરાવનારા પ્રત્યે સ્થાનિકો શંકાથી જુએ તે સ્વાભાવિક છે. તેમાં ય વૈશ્વિક સ્તરે આતંકી પ્રવૃત્તિની ભરમારના પગલે રોહિંગ્યાઓ મુસ્લિમ હોવાથી શંકાનું કારણ બને તેમાં નવાઈ નથી. ફક્ત જમ્મુમાં જ આશરે રોહિંગ્યાની વસ્તી આશરે ૮થી ૧૦,૦૦૦ જેટલી હોવાની ધારણા છે. છૂટક મજૂરી, કડિયા કામ, દરજી કામ જેવા વ્યવસાયોમાં રોજગારી રળતા રોહિંગ્યાઓ હવે જમ્મુમાં બહુ તીવ્રતાથી નિશાન પર આવ્યા છે. અલબત્ત, રાજ્ય સરકાર રોહિંગ્યાને નિરુપદ્રવી ગણાવે છે. સરકારી આંકડા પ્રમાણે આશરે ૧૫ વર્ષથી અહીં વસતા રોહિંગ્યાઓ ક્યાંય દેશદ્રોહી કે આતંકવાદી પ્રવૃત્તિમાં સંકળાયેલા નથી પરંતુ સ્થાનિકો તેમના પર ભરોસો કરવા તૈયાર નથી. પેન્થર પાર્ટીએ મુદ્દો ઉછાળ્યા પછી હવે ભાજપને પણ તેમાં સ્ટેન્ડ લેવાની ફરજ પડી છે. જોકે, રાજ્ય સરકાર હજુ મગનું નામ મરી પાડતી નથી. દરમિયાન, ભાજપે રોહિંગ્યાને આશરો આપવાના મુદ્દે નરો વા કૂંજરો વા જેવું વલણ રાખવા છતાં તેમને મતાધિકાર સહિતની નાગરિક સુવિધાઓ આપવાનો તો વિરોધ કર્યો જ છે. આગામી દિવસોમાં રોહિંગ્યા સમસ્યા પણ પૂર્વોત્તર રાજ્યોની માફક વિકરાળ બને તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.ભારતીય મીડીયાને ઇસ્લામ કે મુસ્લિમ વિરોધી કોઈ બાબતને ચગાવીને રજૂ કરવામાં વિશેષ મજા પડે છે. પાછલા દિવસોમાં આરબ દેશ કતર દ્વારા એક અરબ ડોલર…. એક અરબ ડોલર…નો દંડ ભારતીય સરકાર તરફે જતો કરવામાં આવ્યો. અરબો – ખરબો ડોલર લઈને કોઈ દેશ ભારતને યુદ્ઘ સામગ્રી આપે છે અથવા કોઈ ટેકનોલોજી આપે છે તો મીડીયા એની સાથે ભારતની દોસ્તીના ગીતો ગાય છે, પણ આ એક આરબ મુસ્લિમ દેશ હતો એટલે…. મીડીયાના આવા પ્રભાવ હેઠળ આવીને ઘણા સામાન્ય મુસલમાનો બચાવની પોઝીશનમાં આવી જાય છે. તેઓ સમજે છે કે કયાંક આપણે અથવા આપણા ધરમમાં જ કોઈ એવી ખામી છે જેના કારણે ધરમનું નામ લઈને લોકો આવું કૃત્ય કરે છે અને આપણો ધરમ બદનામ થાય છે. આવા લોકોને ધરમનું નામ લેવાથી રોકવા જોઈએ… પણ વાસ્તવમાં એવી કોઈ જરૂરત નથી હોતી. અગર કોઈ ધરમનું નામ લે છે તો અમેરિકા અને યુરોપ જે સ્વતંત્રતાનું નામ લે છે તે પણ એક પ્રકારનો ધરમ જ છે ને. એનું નામ લઈને જ તેઓ વિશ્વભરમાં લોકોને મારે છે ને. એક ધરમનો કાયદો બીજાને ગોશ્ત ખાવા ઉપર ફાંસી સજા આપવાની માંગ કરે છે. કોઈ કાયદો ચોરી કરનારના હાથ કાપવા કે વ્યાભિચારીને મારી નાખવાની સજા કરે છે… બીજો કાયદો લોકોને બુરકો પહેરવા ઉપર હજારો કે લાખો રૂપિયાનો દંડ કરે છે. વિશ્વની સૌથી વધુ ભયંકર ત્રાસદાયક જેલોના નિયમો એક પ્રકારનો આધુનિક ત્રાસવાદી ધરમ જ છે ને. ? આધુનિક દેશો કાયદા કે કાનૂન નામે જે ધરમને અનુસરી રહયા છે એ કેટલો ન્યાયી છે ? પછી શીદને કોઈ ધર્મને બદનામ કરો છો ? એક દેશનો કાયદો દારૂ ઉપર પાબંદી લગાવે છે, બીજા દેશમાં છૂટ છે, છતાં કોઈ દેશ જૂનવાણી કે કટ્ટર નથી. તો ફકત ઇસ્લામના નામે અમુક કાયદાઓનું નામ લઈને શીદને કોઈને બદનામ કરવામાં આવે છે ? જુગાર અને સટ્ટાની અનેક સ્કીમો કેટલાયે દેશોમાં માન્ય અને સ્વીકાર્ય છે, અને ઘણા દેશોમાં ગુનો છે. એમાં કોઈને કશું ખોટું દેખાતું નથી. પણ ઇસ્લામે વ્યાજને હરામ કહયું એટલે એ બધાને ખુંચે છે. આવું જ કંઈ કહેવાતા આંતકવાદ અને ત્રાસવાદ બાબતે છે. રશિયા યુક્રેનમાં કરે તે, અમેરિકા અશ્વેતો સાથે કરે તે, સવર્ણો દલિતો સાથે કરે તે, મ્યાનમારના બોદ્ઘો રોહિંગ્યા મુસલમાનો સાથે કરે તે, તમિલો અને સિંહલો એકબીજા સાથે કરે તે…બધી નાનકડી ઘટનાઓ…અને પેરિસમાં માથાફરેલ વ્યકિત જે કરે તે આખા વિશ્વને હચમચાવી મુકનારી ઘટના કહેવાય. દેશ અને સત્તાના નામે શાસકો ગમે તે કરે તે ન્યાય અને કોઈ સંગઠન જે કરે તે આતંકવાદ અમેરિકા એના શત્રુ કોરિયા સાથે વાટાઘાટ કરી શકે છે.. જરૂરત પડે તો અલકાયદા કે દાએશ સાથે પણ કેદીઓ છોડાવવા વાટાઘાટો કરે છે, તો પછી શાંતિ માટે કેમ વાટાઘાટો કરવામાં નથી આવતી, એને ખતમ કરવું જ છેલ્લો ઉપાય છે ?

Related posts

MORNING TWEET

aapnugujarat

इमरान को भारत का निमंत्रण

aapnugujarat

ઇમરાન ખાન કોરોના સામે લડવામાં નિષ્ફળ

editor

Leave a Comment

UA-96247877-1