Aapnu Gujarat
ગુજરાત

૧૦ રૂપિયામાં શ્રમિકોને ભરપેટ સાત્વિક ભોજન : મુખ્યમંત્રીના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ

અમદાવાદ સહિત રાજયભરમાં વિવિધ કડિયાનાકાઓ પર હવે બાંધકામ શ્રમિકોને માત્ર રૂ.૧૦માં ભરપેટ સાત્વિક ભોજન મળશે. રોટલી, દાળ-ભાત, શાક અને શુધ્ધ ઘીમાંથી બનાવેલી સુખડી સાથે સંપૂર્ણ ભોજનની ગુજરાત સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નવા વાડજ વોર્ડના અખબારનગર સર્કલ ખાતેના કડિયાનાકા પર વિધિવત્‌ ઉદઘાટન કરી પ્રારંભ કરાવ્યો હતો. બાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે બાંધકામ શ્રમિકો માટે આશીર્વાદસમાન એવી આ યોજના વિશે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, શ્રમિક સુખી તો, દેશ સુખીના મંત્ર સાથે આ સરકાર આગળ વધી રહી છે. શ્રમિકો માટે દયાભાવ નહી પરંતુ સંવેદનશીલ માનવીય અભિગમથી આ યોજના શરૂ કરાઇ છે, જેનો રાજયના લાખો શ્રમિકો લાભ લેશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ સરકાર તવંગર ઉદ્યોગપતિઓની નહી પરંતુ ગરીબ, વંચિતો, પીડિતો, શોષિતો અને શ્રમિકોની સરકાર છે. બાંધકામ શ્રમિકોના પુરુષાર્થ અને અથાગ મહેનતના કારણે જ દેશમાં અનેક મહાકાય પ્રોજેક્ટસ બન્યા છે. છતાંય તેઓની સંવેદનાની૬૦-૬૫ વર્ષ સુધી શાસન કરનારા કોઇએ કયારેય દરકાર કરી નથી. શ્રમિકો કંઇપણ ખોટુ કર્યા સિવાય સખત પરિશ્રમ અને પ્રમાણિકતાથી આગળ વધે છે. પોતાના કુંટુંબની ચિંતા કરતો આવો શ્રમિક નિશ્ચિંતતાપૂર્વક પોતાનું પેટિયું રળી શકે તે માટે રાજય સરકારે આ યોજનાનો પ્રારંભ કર્યો છે. આજે વહેલી સવારે નવ વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કાયદાપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, શ્રમિક કલ્યાણ બોર્ડના અધ્યક્ષ ડો.અનિલભાઇ પટેલ, મેયર ગૌતમભાઇ શાહ, નવાવાડજ વોર્ડના ભાજપના મંત્રી રમેશભાઇ ગીડવાણી, કલેકટર અવતિંકાસિંઘ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રાંરભ કરાવ્યો ત્યારે વરસતા વરસાદમાં પણ હાજર રહેલા ત્રણ હજારથી વધુ બાંધકામ શ્રમિકોમાં ભારે ઉત્સાહ અને ખુશીની લાગણી છવાઇ ગઇ હતી. આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપભાઇ ઠાકોરે જણાવ્યું કે, રાજયમાં ૩૯ પ્રકારની કામગીરી કરતાં ૨૫ હજારથી વધુ શ્રમિકોને પ્રથમ તબક્કામાં રૂ.૧૦માં પૌષ્ટિક અને સાત્વિક ભોજન આપવાનો આ પાયલોટ પ્રોજેકટ છે. શ્રમિકોના રોટલા અને ઓટલાની ચિંતા આ સરકારે કરી છે અને હવે કોઇપણ ગરીબ શ્રમજીવી ભૂખ્યા પેટે સૂશે નહી.

Related posts

હિંમતનગરનો માલધારી સમાજ નગરપાલિકાથી નારાજ

editor

ભાજપનો ખેતી અને ખેડૂત વિરોધી ચહેરો ખૂલ્લો પડી ગયો : અમિત ચાવડા

editor

ભૂજમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગનો આતંક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1