Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર દિવાલ ધસી પડતા ૪ શ્રમિકોના મોત

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતાં આઠ લોકો દટાયા હતા. જેમાંથી ચાર શ્રમિકોનાં મોત નિપજ્યા છે. વરાછાના કેદાર હાઈટ પાસે આ બનાવ બન્યો છે. દિવાલ ધરાશાયી થવાની જાણકારી મળતાં જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું હતું.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલાં કેદાર હાઈટ્‌સ પાસે નિર્માણાધીન ઈમારત સિલ્વર હાઈટ્‌સની દિવાલ એકાએક ધરાશાયી થઈ ગઈ હતી. આ સમયે ત્યાં કામ ચાલી રહ્યું હતું. અને દિવાલ ધરાશાયી થતાં અનેક શ્રમિકો માટીની અંદર દટાઈ ગયા હતા. દિવાલ ધરાશાયી થતાંની સાથે જ સાથી કારીગરો લોકોને બચાવવા દોડી ગયા હતા. અને પોલીસ તેમજ ફાયર જવાનોએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું હતું.
સિલ્વર હાઈટ બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન દરમિયાન અંડરગ્રાઉન્ડ ખોદકામની કામગીરી ચાલતી હતી. તે સમયે સિમેન્ટની દિવાલ બનાવવાનું કામ ચાલતું હતું. ત્યારે જ એકાએક સ્લેબ તૂટી પડતાં ૨૦ ફૂટ નીચે શ્રમિકો દટાઈ ગયા હતા. ભીની માટી અને સૂકી માટી બંને હોવાને કારણે ફાયરની ટીમને રેસ્કયૂ ઓપરેશનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
સુરત દુર્ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા. શ્રમ અને રોજગાર વિભાગે ઘટનાનો અહેવાલ મગાવ્યો છે.
સમગ્ર ઘટના સાઇટ ઉપર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવી કેમેરામાં દિવાલ કેવી રીતે પડી તે સ્પષ્ટ દેખાય આવ્યું હતું. દિવાલની આસપાસ કામ કરતા મજૂરો દિવાલના કાટમાળ નીચે કેવી રીતે દબાયા હશે તેનો અંદાજ સીસીટીવી પરથી સ્પષ્ટ જણાઈ આવે છે. ગણતરીની સેકન્ડમાં જ દિવાલમાં ગાબડુ પડી જતાનું કેદ થયું હતું.
૪ શ્રમિકોના મોતની ગંભીર ઘટના બન્યા બાદ પણ સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા ઘટના સ્થળની મુલાકાત લેવા પહોંચ્યા હતાં. આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતાએ મેયરના ઉદાસીન વલણની પણ ટીકા કરી હતી. મેયરે કહ્યું કે, સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે. તેમજ દોષિતો સામે પગલા લેવામાં આવશે એવું નિવેદન આપીને ઘટનાસ્થળ પરથી તરત જ રવાના થઇ ગયા હતા.

Related posts

રાજ્યમાં સ્વાઈન ફ્લુથી વધુ બેના મોત

aapnugujarat

ઇડરમાં ૭ દિવસનું સ્વયંભૂ લોકડાઉન જાહેર

editor

ઓઢવમાં માતા-પુત્રનો હત્યારો બે દિવસનાં રિમાન્ડ પર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1