Aapnu Gujarat
બ્લોગ

પ્રિયંકા વિશ્વભરમાં ભારતીય ટેલેન્ટનું કરી રહી છે પ્રતિનિધિત્વ

આજની તારીખમાં જા કોઇને માટે ’ઠંડા ઠંડા કૂલ કૂલ’ કહેવું હોય તો અભિનેત્રી પ્રિયંકા ચોપરા માટે ચોક્કસપણે કહી શકાય. આ અદાકારા ગજબની કૂલ છે.તેને કોઇપણ કામ અઘરું લાગતું જ નથી. ચાહે અમેરિકન ટી.વી. સિરિઝમાં એફબીઆઇ એજન્ટ બનીનેે ટેરરિસ્ટોનો ખાત્મો બોલાવવાનો હોય કે પછી ’બેવોચ’માં સેક્સી સિરિન બનવાનું હોય. તે કોઇપણ ભૂમિકા આબેહૂબ રીતે ભજવી જાણે છે. તેથી જ તે વિદેશમાં પણ ’પીપલ્સ ચોઇસ એવોડ્‌ર્ઝ’ની હકદાર બની હતી. વળી તાજેતરમાં તેણે ’મેટ ગાલા’માં બોલ્ડ ફેશન સ્ટેટમેન્ટ આપતું ટ્રેન્ચ કોટ ગાઉન પહેરીને બધાને અવાચક્‌ કરી દીધાં હતા. અને હવે તેની ટી.વી. સિરિઝ ’ક્વોન્ટિકો’ અમેરિકાના રાજકરણ તરફ સરી રહી છે. આમ છતાં પ્રિયંકા એકદમ કૂલ છે. જોકે અભિનેત્રી માને છે કે હાલના તબક્કે અમેરિકામાં જે થઇ રહ્યું છે તેની કલ્પના કોઇએ નહોતી કરી. તેથી લોકો મૂંઝાયેલા છે. અને પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વર્ષ ૨૦૦૯માં પોતાની ફિલ્મ ’કમીને’માં પ્રિયંકાને લેનાર જાણીતા ફિલ્મ સર્જક વિશાલ ભારદ્વાજ કહે છે કે આ અદાકારામાં ગજબનો આત્મવિશ્વાસ છે. અને એ જ તેનું સૌથી સબળ પાસું છે. તે જે રોલ કરવાનો નિર્ણય કરે તેમાં સમગ્રપણે ખૂંપી જાય છેે. તેના કામમાં ક્યાંય કચાશ નથી હોતી. ચાહે તે રોલ નાનો હોય કે મોટો. વિશાલ ભારદ્વાજની વાતનો પડઘો પાડતી હોય તેમ પ્રિયંકા કહે છે કે ’કમીને’માં ં મારા માત્ર આઠ દ્રશ્યો હતાં. આમ છતાં મેં આ મૂૂવીમાં કામ કરવાનો નિર્ણય કર્યો. મારા મતે જો તમે સારી ફિલ્મમાંકામ કરવા માગતા હો તો તમારા રોલની લંબાઇને મહત્વ ન આપવું જોઇએ. બલ્કે તમારી ભૂમિકા કેવી છે તે જોવું જોઇએ. અને તેને બખૂબી નિભાવવી જોઇએ. એક અભિનેત્રી હોવાના નાતે હું શ્રેષ્ઠ ફિલ્મમાં નાનો રોલ કરવાની તક પણ ઝડપી લઉં છું. જોકે તેની વિશાલ ભારદ્વાજ સાથેની જ ’સાત ખૂન માફ’ને નિષ્ફળતા સાંપડી હતી. ફિલ્મ સર્જક આ બાબતે કહે છે કે આ ફિલ્મ બની ત્યારે અભિનેત્રી ૨૦ વર્ષની હતી. અને તેમાં તેને ૫૦ વર્ષની સ્ત્રીનું પાત્ર ભજવવાનું હતું. અને તેણે આ પડકાર ઝીલવા જ આ મૂવી કરવાનો નિર્ણય કર્યો હતો. બાકી મારા મતે ૨૦ વર્ષની કોઇ અભિનેત્રી ૫૦ વર્ષની મહિલાનો રોલ કરવા રાજી ન થાય. મહત્વની વાત એ છે કે ૨૫મી મેના દિવસે પ્રિયંકાની ડેબ્યુ હોલીવૂડ ફિલ્મ ’બેવોચ’ અમેરિકામાં રજૂ થઇ. અને તેના મુખ્ય અભિનેતાની હેડલાઇનને મળતું આવતું મહત્વ પ્રિયંકાને પણ આપવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે તેનો મુખ્ય અભિનેતા ડ્‌વેન જ્હોનસન ’ધ રોક’ના હુલામણા નામે ઓળખાય છે. આ ફિલ્મમાં ઝેક એફ્રોન અને અન્ય જાણીતી અદાકારાઓ પણ છે. આમ છતાં પ્રિયંકાના નામને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું. અત્રે એ પણ નોંધનીય છે કે આ ફિલ્મમાં અદાકારાએ નેગેટિવ ભૂમિકા ભજવી છે. અદાકારાને આ ફિલ્મમાં વિલનનો રોલ ભજવવાનું બહુ ગમ્યું હતું. તે કહે છે કે મેં તેમાં ’વિક્ટોરિયા લીડ્‌સ’ની ભૂમિકા ભજવી છે. વાસ્તવમાં હું આપણી હિન્દી મસાલા ફિલ્મોની જેમ ત્યાં લોકપ્રિય બનતી મેનસ્ટ્રીમ સમર મૂવીમાં કામ કરવા માગતી હતી. મને આ ફિલ્મ કરવાનું એટલા માટે પણ ગમ્યું હતું કે હું પોતે પણ આવી ફિલ્મો મનભરીને માણું છું. વળી હું તેમાં માત્ર એક્ઝોટિક બ્રાઉન ગર્લ બની રહેવા નહોતી માગતી. એટલે મેં વિલનનો રોલ કરવાનું પસંદ કર્યું. અભિનેત્રીએ પશ્ચિમી દેશોમાં પોતાને અફલાતૂન રીતે રજૂ કરી જાણી છે. તે કહે છે કે આજની યુવતીઓ માત્ર શોભાની પૂતળીઓ નથી. બલ્કે અત્યંત બુધ્ધિશાળી પણ છે. તેમને સારી રીતે ખબર હોય છે કે તેઓ શું કરે છે. તેઓ કોઇનાથી દોરવાઇ જવાને બદલે પોતાના નિર્ણયો સ્વયં લે છે. તેઓ સાડી પહેરે, જિન્સ પહેરે કે શોટ્‌ર્સ,પણ સામી વ્યક્તિને પોતાના વિશે વિચારતી કરી મૂકે છે. તેઓ કહે છે કે અહીં હિન્દી ફિલ્મોની અન્ય અભિનેત્રીઓએ પણ કામ કર્યું છે. પરંતુ જે છાપ પ્રિયંકાએ છોડી છે તે તેમણે નથી છોડી.
તેઓ એમ પણ કહે છે કે છેક ૨૦૦૦ની સાલમાં ઐશ્વર્યા રાય બચ્ચને પણ અમેરિકાના બિલબોર્ડો પર સ્થાન મેળવ્યું હતું. પરંતુ તેની આ હાજરી દક્ષિણ એશિયનોની બહોળી વસતિ ધરાવતા ન્યુયોર્કમા ં જ વરતાતી હતી. જ્યારે પ્રિયંકાનો ચહેરો સામયિકો, મૂવીઝના પોસ્ટરો, ટી.વી. પર આવતી એડવર્ટાઇઝો અને બિલબોડ્‌ર્ઝ, સર્વત્ર જોવા મળે છે.
આપણને સહેજે પ્રશ્ન થાય કે તે ક્યાં છવાયેલી નથી. હોલીવૂડમાં આટલી મહત્તા મળ્યા પછી પણ પ્રિયંકાને ભારત અને ભારતીય ફિલ્મોદ્યોગ એટલાં જ વહાલાં છે. તે પોતાને બોલીવૂડ અને હોલીવૂડ બંનેની કલાકાર ગણાવે છે. એટલું જ નહીં, તેણે ભારતની પ્રાદેશિક ફિલ્મોના નિર્માણમાં પણ ઝંપલાવ્યું છે. તેની મરાઠી ફિલ્મ ’વેન્ટિલેટર’ને બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ એડિટિંગ અને બેસ્ટ સાઉન્ડ મેકિંગ માટે રાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત થયા હતાં. વળી તેણે આ ફિલ્મમાં ફિલ્મ સર્જક આશુતોષ ગોવારીકરને અભિનય કરવાની વિનંતી કરી હતી. અને આશુતોષે તેનું માન પણ રાખ્યું હતું. અભિનેત્રીના નિર્માણગૃહે ભોજપુરી ફિલ્મ ’બમ્‌ બમ્‌ બોલ રહા હૈ કાશી’નું નિર્માણ પણ કર્યું હતું. ટૂંકમાં એમ કહી શકાય કે તેપ્રાદેશિક ફિલ્મોનું મહત્વ પણ સમજી છે. અભિનેત્રીએ પોતાનું કૌવત બતાવવાની એક પણ તક નથી છોડી. તેણે ગયા વર્ષે વિડિયો ગેમ ’એવેન્જર્સ એકેડેમી’માં પાકિસ્તાની-અમેરિકન સુપરહીરોઇન કમલા ખાનની ભૂમિકા ’મિસ માર્વેેલ’ માટે પોતાનો સ્વર આપીને પોતાની ભાષા પરના કાબૂનો પરચો આપ્યો હતો. તેને હોલીવૂડમાં બ્રાઉન ગર્લ તરીકેની ઘણી ઓફરો આવે છે. હવે તેને નવી ફિલ્મોમાં ’કેટવૂમન’ના રોલ ભજવવાની ઓફરો આવવા લાગી છે. ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં પ્રિયંકાનુ નામ વિશ્વની સૌથી વિશાળ મૂવી ડેટાબેસ વેબસાઇટ ’આઇએમડીબી’ પર ૧૬મા નંબરે આવ્યું હતું તે તેની બહુ મોટી સિધ્ધિ ગણાય. વાસ્તવમાં આ વેબસાઇટ પર તેનું નામ ૫૫મા નંબરે હતું. પરંતુ ફોર્બસે જેવું તેનું નામ દુનિયાની સૌથી વધુ મહેનતાણું મેળવતી સેલિબ્રિટીઓમાં આઠમા નંબરે ઘોષિત કર્યું કે તરત જ તે ૫૫માં નંબર પરથી કૂદકો મારીને ૧૬મા નંબરે આવી ગઇ હતી. તેણે ગયા વર્ષે ૭૪મા ’ગોલ્ડન ગ્લોબ’ એવોડ્‌ર્ઝ’માં અન્ના કેન્ડ્રીક અને સ્ટીવ કારેલ સાથે પ્રેઝન્ટરની ભૂમિકા ભજવીને વિશ્વભરમાં પોતાના નામનો ડંકો વગાડી દીધો. આજની તારીખમાં પ્રિયંકા ખરા અર્થમાં વિશ્વભરમાં આપણા દેશની ટેલેન્ટનું પ્રતિનિધિત્વ કરી રહી છે.વર્ષ ૨૦૦૦ માં ’મિસ વર્લ્ડ’ સૌંદર્ય સ્પર્ધામાં વિજેતા બન્યા પછી અભિનેત્રી પ્રિયંકા ચોપરા માટે બોલીવૂડના દ્વાર ખુલી ગયા હતા. આરંભના તબક્કામાં ધીમા પણ મક્કમ પગલે આગળ વધેલી પ્રિયંકાએ આજે તેની ’ચિત્તાની ચાલ’નો પુરાવો આપ્યો છે. હિન્દી ફિલ્મોદ્યોગમાં ’મેરી કોમ’, ’દિલ ધડકને દો’, ’બાજીરાવ મસ્તાની’ ઉપરાંત સંખ્યાબંધ ફિલ્મો આપનાર પ્રિયંકાએ છેલ્લા ત્રણ વર્ષમાં હોલીવૂડમાં પણ જે ખ્યાતિ પ્રાપ્ત કરી છે તે અકલ્પનીય છે. તેણે અમેરિકન ટી.વી.શો ’ક્વોન્ટિકો’માં લાજવાબ અભિનય કરીને સમગ્ર વિશ્વની પ્રશંસા પ્રાપ્ત કરી છે. ઈન્ટરનેશનલ સ્ટાર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર આ અદાકારાને ઓગસ્ટ મહિનામાં શરૃ થનારી ’ક્વોન્ટિકો-૩’માં પણ સ્થાન મળ્યું છે. એટલું જ નહીં, લાગલગાટ બબ્બે દશક સુધી ચાલેલા વિશ્વના સૌથી મોટા ટી.વી.શો ’બેવોચ’ની ફિલ્મી આવૃત્તિમાં પણ પ્રિયંકાને મહત્ત્વની ભૂમિકા મળી છે. વાસ્તવમાં એમ કહી શકાય તે અભિનેત્રી આ ફિલ્મમાં એકદમ જુદા અવતારમાં જોવા મળશે. જોકે અત્યાર સુધી પ્રિયંકાએ જે જે પાત્રો ભજવ્યાં છે તેમાં તેની બહુમુખી પ્રતિભાને પરચો મળ્યો છે. આજની તારીખમાં વિશ્વભરમાં ભારતના ચહેરા સમાન બની ગયેલી પ્રિયંકા કહે છે કે મને એક જ પ્રકારની ભૂમિકાઓ ભજવવાનું ક્યારેય નથી ગમ્યું. મેં હમેશાંથી મારી જાતને પડકાર ફેંકવાનું અને તેને પહોંચી વળવાનું કામ કર્યું છે. તે વધુમાં કહે છે કે ૯૦ના દશકમાં આવેલી ’બેવોચ’ની ફિલ્મી આવૃત્તિમાં મને ગ્લેમરસ અને અત્યંત રૃક્ષ ’વિક્ટોરિયા’ની ભૂમિકા ભજવવાની તક મળી છે. ’વિક્ટોરિયા’ એક ક્લબની માલિકણ છે. તે ડ્રગ ટ્રાફિકિંગમાં સંડોવાયેલી છે. અને પોતાના સામ્રાજ્યને વિસ્તારવા બધું કરી છૂટવા તૈયાર છે. મહત્ત્વની વાત એ છે કે પ્રિયંકાને આ પાત્ર ભજવવાની ભારે મોજ પડી રહી છે. તે કહે છે કે મને તેમાં મનફાવે તેમ કરવાની છૂટ છે. તેનું કારણ એ છે કે જ્યારે તમે કોમેડી મૂવીમાં વિલનનો રોલ કરો ત્યારે તમને પોતાની મુનસફી મુજબ કામ કરવાની છૂટ મળે. ’ક્વોન્ટિકો-૩’, ’બેવોચ’ ઉપરાંત પ્રિયંકાને ઈન્ડિ ટ્રાન્સજેન્ડર ડ્રામા ’અ કિડ લાઈક જેક’માં કામ કરવાની તક મળી ગઈ છે. આ ફિલ્મ ડેનિયલ પર્લના નાટક પરથી બનાવવામાં આવશે. આ ફિલ્મમાં પ્રિયંકા ’અમાલ’નો રોલ કરશે જે એક સિંગલ મધર હોય છે. તે પોતાની લવ લાઈફ સંભાળવા સાથે શાળાનું સંચાલન પણ કરે છે. પ્રિયંકા કહે છે કે હું હમેશાં કાંઈક નવું-નોખું કરવાનો આગ્રહ રાખું છું. હું ’ક્વોન્ટિકો’ માટે અમેરિકા આવી ત્યારે પણ કાંઈક અલગ કરવા માગતી હતી. હું મારા સૌપ્રથમ મેગેઝિન કવર, સૌથી પહેલા ટોક શો અને પહેલી હોલીવૂડ ફિલ્મ માટે અત્યંત ઉત્સાહી હતી. ’અલેક્સ પેરિશ’ની પોઝિટિવ ભૂમિકા ભજવ્યા પછી મેં ઈરાદાપૂર્વક ’બેવોચ’માં કામ કરવાનું પસંદ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ’બેવોચ’માં તેના ભાગે ઘણી અભદ્ર ભાષા બોલવાની આવી હતી. પશ્ચિમમાં તેને ’આર’ રેટિંગ સાથે રજૂ કરવામાં આવી હતી. જ્યારે ભારતમાં તેને મોટા પાંચ કટ સાથે ’એ’ સર્ટિફિકેટ મળ્યું હતું. જોકે અગાઉ પ્રિયંકા આટલી બિન્ધાસ્ત નહોતી. તે કહે છે કે ’કમીને’ ફિલ્મ માટે મને વિશાલ ભારદ્વાજે માત્ર એકાદ ગાળ બોલવાનું કહ્યું ત્યારે પણ હું ક્રોધથી રાતીપીળી થઈ ગઈ હતી. કારણ કે હું ભારતીય પડદાનો આ રીતે ઉપયોગ કરવા નહોતી માગતી. પરંતુ હું અગાઉથી જ જાણતી હતી કે ’બેવોચ’ ’આર’ રેટેડ છે તેથી તેમાં બંધ બેસવા મેં અભદ્ર ભાષા બોલાવામાં સંકોચ નહોતો અનુભવ્યો. વાસ્તવમાં તેમાં મારું વિક્ટોરિયાનું પાત્ર અત્યંત દુષ્ટ અને સામી વ્યક્તિને ભય પમાડે એવું હતું. સામાન્ય રીતે અમેરિકન પ્રસાર માધ્યમોમાં રંગભેદ નીતિ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. તેઓ ગોરી ચામડીને જે માન આપે છે તે ઘઉંવર્ણી કે શ્યામ પ્રજાને નથી આપતાં. પરંતુ પ્રિયંકા તેમાં અપવાદ છે. તે કહે છે કે આજની તારીખમાં હું અમેરિકાનો સૌથી વધુ ખ્યાતિ પ્રાપ્ત બ્રાઉન ચહેરો છું. ત્યાંના લોકો મને પૂછે છે કે હું આવું જડબેસલાક અંગ્રેજી શી રીતે બોલી શકું છું. પ્રિયંકાનો આત્મવિશ્વાસ અને દ્રઢ મનોબળ તેની સતત આગેકૂચના દ્યોતક છે. તે કોઈપણ સંજોગો કે સ્થિતિથી ગભરાતી નથી. બલ્કે તેમાંથી માર્ગ શોધી કાઢે છે. તે કહે છે કે મારો ઉછેર એવી રીતે થયો છે કે સૌથી પહેલા તો હું કોઈથી ગભરાતી નથી. અને કવચિત્‌ ભય પામું તોય તે દેખાવા ન દઉં. તે કહે છે કે જો ૨૦૧૭ના વર્ષમાં પણ જો કોઈ એમ કહે કે અમુક કામ પુરૃષો જ રી શકે અને ચોક્કસ કાર્યો મહિલાઓ ન કરી શકે તો તે ખરેખર આઘાતજનક ગણાય. ખરેખર તો પ્રત્યેક સ્ત્રીએ એમ કહેવું જોઈએ કે હું બધું જ કરી શકું છું. અમને એક તક આપો અને અમે એ બધું જ કરી બતાવીશું જે પુરૃષો કરી શકે છે. જોકે તે કબૂલે છે કે આ મુકામ સુધી પહોંચવા તેણે પુષ્કળ સંઘર્ષ કર્યો છે. અભિનેત્રીની વાતમાં તથ્ય પણ છે. તે કહે છે કે મારું ’ક્વોન્ટિકો’નું પાત્ર એક ભારતીય યુવતી માટે નહીં, બલ્કે અમેરિકન યુવતી માટે લખાયું હતું. તેથી મારે તેને બિલકુલ અમેરિકન અભિનેત્રીની અદાથી ભજવવાનું હતું. અહીં મારા હુન્નરની કસોટી હતી. અને આ કસોટીમાં હું પાર ઉતરી. તે વધુમાં કહે છે કે આ બધું કરવા પ્રબળ મહત્વકાંક્ષા અને જડબેસલાક આયોજનની જરૃર પડે. એવું નથી કે હોલીવૂડમાં ગયા પછી પ્રિયંકા બોલીવૂડને ભૂલી ગઈ છે. હાલના તબક્કે તે ભારત અને અમેરિકા, બંને ઠેકાણે કેટલીક ફિલ્મો કરવા વિશે વાતચીત કરી રહી છે. પ્રિયંકા કહે છે કે હું ચોક્કસપણે બંને ઠેકાણે કામ કરી શકીશ. અલબત્ત, તેના માટે મને ભારે દોડધામ કરવી પડશે. પરંતુ તે કરવાની મારી તૈયારી છે. અને બંને જગ્યાએથી મને કેટલીક રસપ્રદ ઓફરો આવી છે. એક કલાકાર તરીકે હું આ ઓફરો હાથમાંથી જવા દેવા નથી માગતી. મને મારી જાત પર એટલો વિશ્વાસ છે કે હું બંને દેશમાં કામ કરી શકીશ. અગાઉ પણ હું આમ કરી ચૂકી છું. તેથી જ હું મને અચિવર માનું છું.
અહીં આપણને સહેજે પ્રશ્ન થાય કે દુનિયાભરમાં સિધ્ધિ પ્રાપ્ત કરનાર અભિનેત્રીની અંગત જિંદગીમાં શું કોઈ પુરુષ નથી.
આના જવાબમાં તે કહે છે કે હું સિંગલ જ છું. જોકે તેનું નામ બ્રિટ સ્ટાર ટોમ હિડલસ્ટોન સાથે સંકળાયું હતું. પરંતુ તે કહે છે કે એક સેલિબ્રિટી તરીકે હું કોઈસાથે ૧૦-૧૫ મિનિટ વાત કરું તોય લોકો મારું નામ તેની સાથે જોડી દે. અને જાહેર જીવનમાં આવું થવું સહજ છે. તેથી મેં આ વાત સ્વીકારી લીધી છે. મને આવી વાતોથી કોઈ ફરક નથી પડતો. હું ગોસિપમાં સંડોવાતી નથી. પરંતુ ગોસિપ સાથે જીવતા શીખી ગઈ છું.

Related posts

મોદી મેજિક યથાવત

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

ચેન્નાઈનું વિકટ જળસંકટ : વરસાદી પાણીના સંગ્રહ અંગે નિરસ સ્થિતિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1