Aapnu Gujarat
બ્લોગ

ચેન્નાઈનું વિકટ જળસંકટ : વરસાદી પાણીના સંગ્રહ અંગે નિરસ સ્થિતિ

તામિલનાડુની રાજધાની ચેન્નાઈમાં પાણીની ભયંકર તંગી છે ચેન્નાઈ ભયંકર જળસંકટમાં ફસાયું છે પાણીની ભંયકર તંગીમાંથી પસાર થતા ચેન્નાઈમાં છેલ્લા ૧૫ દિવસથી શહેરમાં ૫૦,૦૦૦ થી વધુ રેસ્ટોરન્ટો પાણીની તંગીને કારણે બંધ થઇ ગઈ છે .ચેન્નાઈમાં ઘણી જાણીતી રેસ્ટોરન્ટોએ કામના કલાકો ઘટાડી દીધા છે . રેસ્ટોરન્ટોમાં બેસીને જમવાની જગ્યાએ ઘરે પાર્સલ લઈ જનારાઓને મોટુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે . ચેન્નાઈ હોટલ એસોસિએશનના કહેવા મુજબ પાણીની તંગીના કારણે શહેરમાં લગભગ ૫૦૦૦૦ હોટલો અને રેસ્ટોરન્ટો પંદર દિવસથી બંધ છે અને હજારો લોકો હાલમાં બેરોજગાર છે ચેન્નાઈના આઈટી કોરિડોર તરીકે ઓળખાતા મહાબલીપુરમ રોડ પરની ૬૦૦ કરતા વધારે આઈટી કંપનીઓમાંથી મોટાભાગની કંપનીઓએ પાણીના અભાવે પોતાના કર્મચારીઓને તાજેતરમાં જ ઘરેથી કામ કરવાના આદેશ આપી દીધા છે .ચેન્નાઈમાં પાણી લગભગ ખતમ થઈ ચુક્યુ છે . ૯૦ લાખની વસતી ધરાવતા મહાનગરમાં નળોમાંથી પાણીનુ ટીપુ પણ નથી બહાર આવી રહ્યુ . ૧૨૦૦૦ લીટર પાણીની ટેન્કરનો ૫૦૦૦ રૂપિયા સુધી ભાવ બોલાઈ રહ્યો છે .આ સ્થિતિ સર્જાવાનુ કારણ એ છે કે , અન્ય શહેરોની જેમ ચેન્નાઈમાં પણ પાણીના જળસ્ત્રોતને આડેધડ વિકાસની દોડમાં ખતમ કરી દેવાયા છે . ચેન્નાઈમાં ૨૦૧૫ માં ભયંકર પુર આવ્યુ હતુ . એ પછી એક રિપોર્ટમાં બહાર આવ્યુ હતુ કે , ચેન્નાઈના ૬૫૦ જેટલા જળાશયો પૂરાણ કરીને મેદાનમાં ફેરવી નંખાયા છે . બીજી તરફ ચેન્નાઈમાંથી પસાર થતી બે નદીઓ અડયાર અને કૂવમને પણ લોકોએ ગટર ગંગામાં ફેરવી નાંખી છે . આ બંને નદીઓના તટ પર ઝુપડપટ્ટીઓ ઉભી થઈ ચુકી છે . જેમાં રહેનારા ૩૦ લાખ લોકો જે પણ પાણી વાપરે છે તે ગંદુ થયા બાદ ગટરમાં જવાની જગ્યાએ સીધુ નદીઓમાં જાય છે .ભલે દેશના બંધારણના અનુચ્છેદ ૪૭માં એ લખ્યું હોય કે પ્રત્યેક દેશવાસીને સાફ પીવાનું પાણી પુરૂ પાડવાની જવાબદારી રાજયની છે પણ આજે પણ દેશની લગભગ ૧૭ લાખ ગ્રામ્ય વસાહતોમાંથી ૭૮ ટકાને પાણીની લધુતમ માઆ પહોંચાડી શકાઇ છે.અત્યાર સુધીમાં કરોડો રૂપિયા ખર્ચાયા પછી પણ સરકાર આ યોજનના લાભ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહી છે.દેશના ફકત ૪૫૦૫૩ ગામડાઓને નળ-જળ અને હેન્ડપપોની સગવડ મળી છે પણ લગભગ ૧૯૦૦૦ ગામડાઓ એવા પણ છે જયા ચોખ્ખુ પાણી મેળવવાના કોઇ નિયમીત સાધનો નથી. હજારો વસ્તીઓ એવી છે જયાંના લોકો કેટલાય કિલોમીટર પગે ચાલીને પાણી લાવે છે. આ આંકડાઓ ભારત સરકારના મંત્રાલયના છે. ઓગસ્ટ ૨૦૧૮માં સરકારી ઓડીર રિપોર્ટમાં કહેવાયું હતું કે સરકારી યોજનાઓ દરેક વ્યકિતને રોજની બે ડોલ પાણી આપવામાં નિષ્ફળ રહી છે જે નિર્ધારીત લક્ષ્ય કરતા પણ અડધી છે. રિપોર્ટમાં કહેવાયું છે ખરાધ આયોજન અને ગેરવહીવટના કારણે બધી યોજનાઓ લક્ષ્યથી દુર થતી ગઇ.ભારત સરકારે દરેક ગ્રામીણ વ્યકતિને પીવા જમવાનું બનાવવા અને અન્ય ધરેલુ જરૂરિયાતો માટે પાણીના લધુતમ જરૂરિયાતો પુરી પાડવાના આશયથી રાષ્ટ્રીય ગ્રામીણ પેયજલ કાર્યક્રમ ૨૦૦૯માં શરૂ કર્યો હતો. જેમાં દરેક ઘરને ફીલ્ટર્ડ પાણી ઘર અથવા સાવર્જનિક જગ્યાઓએ જળ દ્વારા પહોંચાડવાની યોજના હતી. જેમાં ૨૦૨૨ સુધીમાં દેશમાં ૧૦૦ ટકા ઘરોમાં શુધ્ધ પીવાનું પાણી પહોચાડવાનું લક્ષ્ય હતું. ભારતના એકાઉન્ટ જનરલનો રિપોર્ટ કહે છે કે કેટલાય હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા પછી પણ આ યોજના સફેદ હાથી સાબિત થઇ છે.ગુજરાતના અનેક વિસ્તારો હાલ પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતનાં કેટલાંક ગામો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની તંગી છે.ડિસેમ્બર ૨૦૧૮માં ગુજરાતની મુખ્ય વેટલૅન્ડમાં ગણાતું અમદાવાદ પાસેનું નળ સરોવર સુકાઈ ગયું હતું અને ૧૨૦.૮૨ ચોરસ કિલોમિટરનો વિસ્તાર મેદાનમાં ફેરવાઈ ગયો હતો.ગુજરાતનાં સરોવરો, ડૅમ, નદીઓ, તળાવોનાં તળિયાં દેખાઈ રહ્યાં છે અને ક્યાંક તો નદીઓના પટ સાવ કોરા છે.ઓછા વરસાદના કારણે ખેતી માટે સિંચાઈના પાણીની અછત છેલ્લા થોડા મહિનાઓથી ચર્ચામાં છે, પણ હવે પીવાના પાણીની ચિંતા સતાવી રહી છે.એ જ રીતે મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને નસવાડી તાલુકાનાં કેટલાંક ગામોમાં પાણીની તંગી છે.ભારતના છઠ્ઠા સૌથી મોટા શહેર ચેન્નાઈમાં જળસંકટ વધારે ગાઢ બન્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં દુષ્કાળ સમી સ્થિતિ દર વર્ષે ચર્ચામાં રહેતી હોય છે, પણ ચેન્નાઈના જળસંકટે શહેરી વિસ્તારમાં પાણીની અછતના પ્રશ્ન પરત્વે ધ્યાન દોર્યું છે.
ચેન્નાઈમાં સર્જાયેલી સ્થિતિ બાદ કેટલીક ચીજો ગુજરાતે શીખવાની જરૂર છે. ગુજરાતના શહેરોનું શું આયોજન છે એ દિશામાં પણ બારીકાઈથી તપાસ કરવાની જરૂર છે.ચેન્નાઈમાં એક વર્ષ પૂર્વે આજ જેવી વિકટ સ્થિતિ નહોતી, તો એવું તો શું થયું કે એક વર્ષમાં આવી ભયાવહ્‌ સ્થિતિનું સર્જન થઈ ગયું?ચેન્નાઈ તામિલનાડુમાં આવેલું છે અને તામિલનાડુની સૌથી મોટી નદી કાવેરી દેશની ચોથી સૌથી મોટી નદી છે. કાવેરી નદી હોવાં છતાં ચેન્નાઈમાં જળસંકટની સ્થિતિ કેમ સર્જાઈ?
એક વર્ષ પાછળ ડોકિયું કરીએ તો બરાબર એક વર્ષ પહેલાં ૨૪ જુલાઈ ૨૦૧૮ના દિવસે કાવેરી નદી પરના તમા ડૅમ છલોછલ સ્થિતિમાં હતા અને છૂટથી પાણીનો સપ્લાય ચાલુ હતો.એક વર્ષ પહેલાં આવી સ્થિતિ હતી પણ આ વર્ષે સ્થિતિ એટલી બદલાઈ ગઈ કે આઈટી કંપનીઓ કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહી રહી છે.
ચેન્નાઈનું જળસંકટ એટલું વિકટ છે કે સમગ્ર દેશમાં આ અંગે ચર્ચા છે. ગયા વર્ષે વરસાદ ન હતો એવું પણ નથી.ગયા વર્ષે કાવેરી વિસ્તારમાં સામાન્ય કરતાં ફકત ચાર ટકા જેટલો ઓછો વરસાદ થયો હતો. એ છતાં ડૅમ છલોછલ હતા.આ સંદર્ભે કૅચમૅન્ટ અંગે પણ સુધારા કરવાની જરૂર છે. ડૅમ જલદી ખાલી થઈ જાય છે કેમ કે કૅચમૅન્ટ વિસ્તારમાં પાણી હોતું જ નથી. જો કૅચમૅન્ટ સારી સ્થિતિમાં હોય તો પાણીનો વધારે પણ સંગ્રહ કરી શકાય.વધારે વૃક્ષો, જંગલ, સ્થાનિક જળવ્યવસ્થા, જળસંગ્રહની વધુ ક્ષમતવાળી જમીન હોય તો વરસાદી પાણી વહી નહીં જાય અને નદીઓ પણ જલદી સુકાશે નહીં.કૅચમૅન્ટની પાણી સંગ્રહ કરી શકવાની ક્ષમતાને આપણે ખતમ કરી રહ્યા છીએ. એ કારણથી વરસાદનું પાણી સંગ્રહી શકાતું નથી અને વર્ષ દરમિયાન જળસ્રોતો જલદી સુકાઈ જાય છે.અર્બન ડેવલપમૅન્ટ ઇન ઇન્ડિયા પાણીની સ્થિતિના સંદર્ભમાં દિશાવિહીન છે. આ સ્થિતિ ચેન્નાઈમાં, ગુજરાતનાં શહેરોમાં અને અન્ય જગ્યાઓએ પણ છે.આપણી ત્યાં શહેરોના ડેવલપમૅન્ટ માટે સ્માર્ટ સિટી પ્રોગ્રામ છે, પણ વૉટર સ્માર્ટ સિટી પ્રોગ્રામ ક્યાંય નથી. આ પાયાની બાબત છે.અર્બન ડેવલપમૅન્ટ માટે તમે સામાન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવતા રહો એ આપણા માટે પાણીની સમસ્યા સર્જી શકે છે.આપણને નેશનલ અર્બન વૉટર પોલિસીની જરૂર છે. જેના આધારે શહેરી વિસ્તારમાં પાણીની સમસ્યાની સમીક્ષા કરવા અંગેની ગાઇડલાઇન નક્કી થાય.વૉટર સ્માર્ટ સિટી અને શહેરી વિસ્તારોમાં પાણીની સમસ્યાના નિવારણ માટેની ગાઇડલાઇનની તાતી જરૂર છે.વૉટર સ્માર્ટ સિટી જેવા આયોજનની ગેરહાજરીમાં શહેરી વિકાસ થાય તો તે પાણીની સમસ્યાને નોતરે છે.અત્યારે શહેરી વિસ્તારમાં વરસાદી પાણીના સંગ્રહ અંગે નિરસ સ્થિતિ જોવા મળે છે.ભૂજળસ્તર રિચાર્જ કરવામાં તંત્રને જાણે રસ જ નથી, જળસ્રોતોને સુરક્ષિત રાખવાનું આયોજન પણ નથી.વળી, પાણીના બગાડને રોકવાનું યોગ્ય આયોજન પણ નથી.શહેરમાં વસતા લોકોમાં જાગૃતિ કેળવવાનું અને લોકોને સાથે જોડવાનું પણ આયોજન નથી. પાણીની વધી રહેલી માગ અને જરૂરિયાત સામે તંત્ર સહેલા અને હંગામી ઉકેલો શોધે છે.તંત્ર દ્વારા એક પછી એક મોટા ડૅમ બનાવવાની દિશામાં આયોજન કરવામાં આવે છે, અત્યારે એ પ્રકારનો જ ટ્રૅન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં ફેરફાર કરવાની જરૂર છે.શહેરી વિસ્તારમાં જે પાણીની સમસ્યા છે એના પાયામાં આ જ બાબત છે.આપણી પાસે કોઈ મૉડલ પણ નથી, આપણને ઉદાહરણની જરૂર છે.પાયાના ઉપાયો અને લાંબા ગાળા માટેના આયોજન કરવાને બદલે સરળ ઉપાયોની દિશામાં કામ કરવામાં આવે છે.આયોજનમાં પરિવર્તન પણ એવા જ થાય છે. હવે મોટા ડૅમને બદલે મેજર વૉટર ડિસેલિનેશન પ્લાન્ટ બનાવાઈ રહ્યા છે, હવે એનો ટ્રૅન્ડ ચાલી રહ્યો છે. ચેન્નાઈ અને ગુજરાતનાં શહેરોની સ્થિતિ પણ એ જ છે.અમદાવાદમાં સાબરમતી નદી પર બનાવેલો રિવર ફ્રંટ ખરેખરમાં તો કૅનાલ ફ્રંટ ડેવલપમૅન્ટ છે.સાબરમતી નદી પર રિવર ફ્રંટ ડેવલપમૅન્ટના નામે આપણે કૉંક્રિટનું માળખું નદીના વિસ્તારમાં ઊભું કરી દીધું છે.આવું કરીને નદીના કેટલાક ભાગને પ્રવાહિત નદીના ભાગથી અલગ કરી દીધી છે. નદીના પ્રવાહમાં રિવર ફ્રંટ થકી અતિક્રમણ કર્યું છે.આ બધા પાછળ ઇકૉલૉજી પ્રત્યેની આપણી અસાક્ષરતા કારણભૂત છે. જેના થકી આપણે સ્થિતિને વધારે ગંભીર બનાવી રહ્યા છીએ.ગયા વર્ષે કૅપટાઉનમાં ઝીરો ડે જાહેર કરવામાં આવ્યો હતો, એ પછી ’ઝીરો ડે’ શબ્દ ચર્ચામાં આવ્યો હતો.ચેન્નાઈ આજે આ સ્થિતિ સર્જાઈ છે પણ આપણે ક્યારેય ચેન્નાઈ માટે ઝીરો ડેની જાહેરાત કરાઈ હોય એવું સાંભળ્યું નથી.ગુજરાતનાં પણ કોઈ જ શહેરોમાં ઝીરો ડેની જાહેરાત થઈ હોય એવું બન્યું નથી.ઝીરો ડેની જાહેરાત કરાતી નથી પણ સીધા ઝીરો ડે જેવી સ્થિતિનો સામનો કરવો પડે છે.કૅપટાઉનમાં મહિનાઓ પહેલાં ઝીરો ડે જાહેર કરવામાં આવે છે પણ અહીં મહિનાઓ પહેલાં ઝીરો ડેની જાહેરાત કરાતી નથી.પાણીની અછતની સ્થિતિ ન સર્જાય એ માટે આ પ્રકારની સજ્જતા કેળવવી પડશે.છેલ્લા ચાર દાયકાથી ભારતમાં ભૂ-જળ જીવાદોરી સમાન છે, પણ આપણી નેશનલ વૉટર પોલિસી, સ્ટેટ વૉટર પૉલિસી હજી પણ એ બાબતને સ્વીકારતા નથી. એ હકીકતને સ્વીકારવાની જરૂર છે.એ હકીકતને સ્વીકારીએ તો જ ભૂ-જળની સ્થિતિને સુધારવાની દિશામાં પગલાં લઈ શકીએ.તળાવ, સરોવર અને કૂવાને ઊંડા કરીને જળસ્તર સુધારી શકાય અને વરસાદી પાણીનો સંગ્રહ પણ વધારી શકાય.વધારે વૃક્ષો ઉગાડીને, જંગલ અને વૅટલૅન્ડની જાળવણી કરીને આ જળસ્તરને જાળવી રાખવાની દિશામાં કામ કરવું આવકાર્ય છે.

Related posts

Dear મારી પિયર ગઈ છે!

aapnugujarat

શેરોમાં અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

aapnugujarat

ગુજરાતમાં ૧૯૬૨થી ૨૦૧૪ સુધીની લોકસભા ચૂંટણીમાં ઉપસેલી રાજકીય તાસિરની તસવીર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1