Aapnu Gujarat
બ્લોગ

મોદી મેજિક યથાવત

૨૩ મેના રોજ લોકસભા ચૂંટણીનાં આવેલાં પરિણામોમાં ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીનું પોતાનું પ્રદર્શન યથાવત રાખ્યું છે એટલું જ નહીં, એની બેઠક સંખ્યામાં પણ વધારો થયો છે. ચૂંટણી પંચના સત્તાવાર આંકડાઓ અનુસાર કુલ ૫૪૨ બેઠકોમાંથી ભાજપે ૩૦૩ બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે ૫૨ બેઠકો પર જીત મેળવી છે. આ સાથે જ ફરી એક વખત નરેન્દ્ર મોદી ઐતિહાસીક બહુમતી સાથે સરકાર બનાવતા જોવા મળી રહ્યાં છે.કોંગ્રેસની જો વાત કરીએ તો કુલ ૧૬ રાજ્યો એવા છે જેમાં કોંગ્રેસ ખાતુ પણ નથી ખોલાવી શકી, કોંગ્રેસને સૌથી વધુ ૧૫ બેઠકો કર્ણાટકમાં મળી છે, જ્યારે પંજાબ અને તમિલનાડુમાં ૮-૮ બેઠકો મળી છે. તો બીજી તરફ ૧૦ રાજ્યોમાં ભાજપ પણ ખાતુ ખોલવામાં નિષ્ફળ રહ્યું છે. ભાજપને સૌથી વધુ ૬૨ બેઠકો ઉત્તર પ્રદેશમાં મળી છે, અને સૌથી ઓછી ૧-૧ બેઠકો મળી હોય તેવા ચાર રાજ્યો છે. ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ભાજપે જીત મેળવી છે.ફરી એકવાર મોદી સરકાર. અને એ પણ પહેલાંથી વધુ દમદાર. ભાજપની આ માટે જીતની અસર હવે મોદી કેબિનેટમાં પણ જોવા મળી શકે છે. કેટલાક મંત્રાલયોમાં પ્રધાનોની ફેરબદલી સંભવ છે. કેટલાક પ્રધાનોને ઈનામ મળી શકે છે, તો કેટલાક નવા ચહેરાઓ પણ સામેલ થઈ શકે છે. જે મંત્રાલયો પર સૌથી વધુ નજર રહેશે તે હશે નાણાં મંત્રાલય અને ગૃહ મંત્રાલય.ભાજપને ૨૦૧૯માં અભૂતપૂર્વ જીત મળી છે તેની પાછળ અમિત શાહની રણનીતિ અને મહેનત ખૂબ કામ લાગી છે. એ જોતાં તેમને કેન્દ્રીય પ્રધાન બનાવી શકે છે.ત્યારે સવાલ એ છે કે, જો અમિત શાહને ગૃહ મંત્રાલય સોંપવામાં આવશે તો રાજનાથ સિંહનું મંત્રાલય પણ બદલવું પડશે. તો બીજી તરફ પાર્ટી અધ્યક્ષની ખુરશી પણ ખાલી થઈ જશે. આ સ્થિતિમાં જેપી નડ્ડા અથવા તો નીતિન ગડકરીને પાર્ટીની કમાન સોંપવામાં આવી શકે છે.આર્થિક મોર્ચે સરકારની હાલત ખરાબ રહી છે. જેથી નાણાં મંત્રાલયની જવાબદારી વધી શકે છે. જેટલીના સ્વાસ્થ્યને જોતાં તેમના કોઈ ઓછી કામગીરી ધરાવતું મંત્રાલય આપી શકે છે અથવા તો પછી તેમની મદદ માટે સાથે રાજ્યપ્રધાન આપવામાં આવશે? જો જેટલીને નાણાંમંત્રાલયની જવાબદારી નહીં સોંપવામાં આવે તો, તેમનું સ્થાને પીયૂષ ગોયલની પસંદગી થઈ શકે છે. જ્યારે જેટલી સારવાર કરાવી રહ્યાં હતાં ત્યારે વચ્ચગાળાના નાણાંપ્રધાન તરીકે પીયૂષ ગોયલ જ કામગીરી સંભાળી રહ્યાં હતાં.અન્ય એક પ્રધાનના પોર્ટફોલિયોમાં ફેરફાર થઈ શકે છે. તે છે વિદેશપ્રધાન સુષમા સ્વરાજ. જો કે, સુષમા સ્વરાજ મોદી કેબિનેટના ટોપ પર્ફોર્મિંગ પ્રધાનોમાંનાં એક છે. પરંતુ તેમનું પણ સ્વાસ્થ્ય તેમના કામની આડે આવી રહ્યું છે. વિદેશ પ્રધાન તરીકે એમની પાસેથી વિદેશ યાત્રાઓની પણ આશા રહે છે. કોઈ આશ્ચર્ય નહીં હોય કે, વડાપ્રધાન મોદી પોતે વિદેશ યાત્રાના મોર્ચે આગળ રહ્યાં છે. એ જોતાં વિદેશ મંત્રાલયમાં પણ ફેરફાર થઈ શકે છે.મહારાષ્ટ્ર,હરિયાણા અને ઝારખંડમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાનાર છે, જેથી સંભવ છે કે, નવી મોદી કેબિનેટમાં આ રાજ્યોના ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે. આ ઉપરાંત લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટી જીત મળી છે. અહીં ગ્રાઉન્ડ સ્તર પર જે નેતાઓએ પાર્ટીને ઉભી કરી છે, તેમને પ્રોત્સાહનના ભાગરૂપે મોદી કેબિનેટમાં તક મળી શકે છે. સાથે જ અહીં ૨૦૨૧માં વિધાનસભા ચૂંટણી પણ યોજાશે. હવે ભાજપનું આગામી મિશન બંગાળમાં પોતાની સરકાર બનાવવાનું હશે.૨૦૨૨માં ઉત્તરપ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાશે. આ વખતે ભલે મોદીના નામ પર રાજ્યમાં મહાગઠબંધનને માત આપી દીધી પરંતુ યુપીમાં લડાઈ હંમેશા પડકારજનક રહેશે. એથી શક્ય છે કે, કેબિનેટ ફેરબદલીમાં યૂપીનું વિશેષ ધ્યાન રાખવામાં આવે.દેશભરમાં ચૂંટણી પરિણામોમાં જો કોઈ રાજ્ય સૌથી વધુ મહત્ત્વપૂર્ણ સાબિત થયું હોય તો તે પશ્ચિમ બંગાળ છે.
પશ્ચિમ બંગાળમાં લઘુમતી તુષ્ટીકરણનો મુદ્દો છવાયેલો રહ્યો છે. મમતા બેનરજીની છાપ લઘુમતીઓને પંપાળનારાં નેતા તરીકે ઊપસી.વિશેષ કરીને દુર્ગાપૂજા તથા મોહરમના વિવાદને કારણે તેમની આ છાપ વધુ ગાઢ બની, જેનું નુકસાન આ લોકસભા ચૂંટણીમાં ભોગવવું પડ્યું.મતોના ધ્રુવીકરણને કારણે મોટા પાયે હિંદુ મતદારો ભાજપ તરફ વળ્યા. અધૂરી કસર ડાબેરી પક્ષોના સંપૂર્ણ પતને પૂર્ણ કરી.
કહેવાય છે કે આ વખતે મોટા ભાગના ડાબેરી કાર્યકરોએ ભાજપને મત આપ્યા. આ ચૂંટણીમાં ડાબેરીપક્ષોની મતોની ટકાવારી ઘટીને માત્ર છ ટકા ઉપર આવી ગઈ છે.હવે ભાજપના નિશાન પર મમતા બેનરજી હતાં.મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં કૉંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં છે. માત્ર પંજાબમાં કૅપ્ટન અમરિન્દર સિંઘે ભાજપ અને શિરોમણિ અકાલીદળની આગેકૂચને અટકાવી.
આ ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર હતી પરંતુ ગત ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓને કારણે ભાજપનો પરાજય થયો હતો, પરંતુ રાષ્ટ્રીય ચૂંટણીમાં ત્રણેય રાજ્યની જનતાએ કૉંગ્રેસને સદંતર નકારી છે.જે-જે બેઠક ઉપર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધી ટક્કકર હતી, તે બેઠક ઉપર ભાજપની સરખામણીએ કૉંગ્રેસ ક્યાંય દેખાતી નથી.પહેલાં મને એવું લાગતું હતું કે કૉંગ્રેસ એકલા હાથે ભાજપને ટક્કર આપી શકે તેમ નથી, પરંતુ મહારાષ્ટ્ર અને બિહારનાં પરિણામ જોઈએ તો એવું લાગે કે ગઠબંધન પણ કંઈ ન કરી શક્યું.આ ચૂંટણીનું એક પાસું એ પણ છે કે તેનું કોઈ વિશ્લેષણ કરી શકાય તેમ નથી.તમે અમિત શાહ તથા નરેન્દ્ર મોદીની ગમે તેટલી પ્રશંસા કરો અને રાહુલ ગાંધીને ગમે તેટલા વગોવો, પરંતુ એક તબક્કે તેનો કોઈ અર્થ નથી સરતો.
વાસ્તવમાં જનતાને મોદી સિવાય કોઈ વિકલ્પ નથી દેખાતો. ગત ૨૫ વર્ષમાં પહેલી વખત કોઈ એક સરકાર બીજી વખત પૂર્ણ બહુમત સાથે સત્તા ઉપર આવી છે.જવાહરલાલ નહેરુ બાદ પહેલી વખત કોઈ વડા પ્રધાનનું પૂર્ણ બહુમત સાથે સત્તામાં પુનરાગમન થયું છે.શરદ યાદવ, શરદ પવાર, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ અને માયાવતી જેવા નેતાઓ પોતાના વિસ્તારના મઠાધીશ બની રહ્યા, પરંતુ તેઓ મોદીનો વિકલ્પ બનવામાં નિષ્ફળ રહ્યા.ભાજપ હિંદુ રાષ્ટ્રવાદના વિચારને વળગી રહ્યો, પરંતુ વિપક્ષ તેનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યો. આ મુદ્દે સીધી ટક્કર આપવાને બદલે વિપક્ષ આડોઅવળો ભટકતો રહ્યો.આ ચૂંટણીનો સૌથી મોટો સંદેશ છે કે દેશે મોદી તથા તેમની વિચારધારાનો સ્વીકાર કર્યો છે.
આ ચૂંટણીએ દેશને મોટા પાયે વિભાજિત કરી નાખ્યો છે, હવે મોદીની સામે સમગ્ર દેશને એકસાથે લઈને આગળ વધવાનો પડકાર રહેશે.વિપક્ષે પણ તેના ઈવીએમના મુદ્દાને સંપૂર્ણપણે ત્યજવો પડશે.૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનાં પરિણામોએ ગુજરાત કૉંગ્રેસને વિચારતી કરી દીધી છે.૧૮૨ બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં કૉંગ્રેસને ૭૭ બેઠકો મળી હતી અને ભાજપને પણ ત્રણ આંકડા સુધી પહોંચવા દીધો ન હતો.એ બાદ સતત એવી ચર્ચા જાગી હતી કે ગુજરાતમાં કૉંગ્રેસ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં સારું પરિણામ લાવશે.એવું માનવામાં આવે છે કે આ જ અપેક્ષાએ અને મોદી-શાહના ગઢ ગણાતા રાજ્યમાંથી ગાબડું પાડવાના ઇરાદા સાથે કૉંગ્રેસે બેઠક પણ ગુજરાતમાં યોજી હતી.રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ વિધિસરના ચૂંટણીપ્રચારની શરૂઆત ગાંધીનગરમાં એક રેલીથી કરી હતી.પ્રિયંકા ગાંધીએ કૉંગ્રેસનાં મહાસચિવ બન્યાં બાદ પ્રથમ જાહેરસભા ગાંધીનગરના અડાલજ ખાતે સંબોધી હતી.કૉંગ્રેસની આટલી ચર્ચા અને કવાયત બાદ પણ તેમનો એકેય ઉમેદવાર જીતી શક્યો નથી. ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચેની સીધા જંગમાં નરેન્દ્ર મોદીએ એવી તે શું કમાલ કરી કે કૉંગ્રેસ ખાતું પણ ન ખોલાવી શકી?ગુજરાતમાં દુષ્કાળ, પાણીની તંગી, નોટબંધી, જીએસટી (ગુડ્‌ઝ ઍન્ડ સર્વિસિઝ ટૅક્સ) વગેરે જેવા મુદ્દાઓની ચર્ચા ચૂંટણીટાણે થઈ, પરંતુ ભાજપ સામે તે મુખ્ય મુદ્દા બની શક્યા નહીં. રાજ ગોસ્વામીએ કહ્યું કે નરેન્દ્ર મોદીની પર્સનાલિટીએ કૉંગ્રેસની કારમી હારમાં સૌથી મોટો ભાગ ભજવ્યો છે.
ગોસ્વામીએ કહ્યું, આ ચૂંટણી પરિણામોને જોતાં એવું કહી શકાય કે ભારતમાં નવા રાજકારણનો ઉદય થયો છે. લોકોએ જ્ઞાતિના રાજકારણથી પર થઈને મતદાન કર્યું છે.ગુજરાત શરૂઆતથી ભાજપનો ગઢ રહ્યો છે તેમાં કોઈ બેમત નથી, પરંતુ છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં ભાજપની મતોની ટકાવારી ઘટી હતી, જે આ વખતે ચિંતાનો વિષય હતો.ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં પાણીની તંગી ભાજપ સરકારને દર વર્ષે પરેશાન કરી રહી છે.સરદાર સરોવર ડેમ, ’સૌની’ યોજના, ’સુજલામ્‌ સુફલામ્‌’ જેવી યોજનાઓ બાદ પણ આ વર્ષે ગુજરાતમાં ચૂંટણી પહેલાં પાણીની તંગીની ચર્ચા થઈ રહી હતી.ખેડૂતો અને પાણીના સ્થાનિક મુદ્દાઓ પર વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપને નડ્યા હતા, તે મુદ્દાઓ લોકસભામાં ક્યાંય નડ્યા નહીં.ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને જાણીતા અર્થશાસ્ત્રી વાય. કે. અલઘે કહ્યું કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓના મુદ્દાઓ અલગ હોય છે.તેઓ કહે છે, ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂતો તરફ સેવાયેલા દુર્લક્ષનો મુદ્દો હતો, જ્યારે લોકસભાની આ ચૂંટણીમાં રાષ્ટ્રીય સુરક્ષા મોટો મુદ્દો હતો. જેથી આ કારણે પરિણામમાં મોટો ફેર જોવા મળી રહ્યો છે.ગુજરાતમાં ચૂંટણી પહેલાં ખેડૂતોના પાકવીમાનો પ્રશ્ન, પાકના પૂરતા ભાવ ન મળવા, બેરોજગારી જેવા મુદ્દાઓ ચર્ચાતા હતા.ગુજરાતના ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ નથી આવતું તે બાબતનો રોષ ખેડૂતોમાં ચોક્કસ જોવા મળે છે, પણ તેમને પોતાની ભૂમિ અને રાષ્ટ્રવાદ સાથે પણ એટલો જ લગાવ હોય છે.ગુજરાતના વરિષ્ઠ રાજકારણી અને લોકસભા ચૂંટણી પહેલાં એનસીપીમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ભાજપ ગુજરાતમાં જીતે છે, કારણ કે કૉંગ્રેસ નબળી છે.કૉંગ્રેસની ભાજપ સાથે ’ઉપલા સ્તર’ પરની દોસ્તી આનું સૌથી મોટું કારણ છે.કૉંગ્રેસ સારા ઉમેદવારોને ’ફ્રિહૅન્ડ’ નથી આપતી. એનો સીધો જ ફાયદો ભાજપને થાય છે. ’ભાજપ ભલે ફાવી જાય પણ કૉંગ્રેસની કોઈ વ્યક્તિ આગળ ન આવવી જોઈએ’ એવી કૉંગ્રેસીઓની માનસિકતા ભાજપને લાભ કરાવી રહી છે.એમ પણ કહી શકાય કે ભાજપને મજબૂત કરવામાં કૉંગ્રેસનો સૌથી મોટો ફાળો છે.આ વખતે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત જૂનાગઢથી કરી હતી.વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢ, પોરબંદર અને માણાવદરની બેઠકમાં ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું હતું. ત્યારે માનવમાં આવતું હતું કે સૌરાષ્ટ્રનો વિસ્તાર અનઅપેક્ષિત પરિણામો આપવા માટે પંકાયેલો છે એટલે આ બેઠકોને બેધ્યાન કરવી પાલવે તેમ નથી.ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોની આત્મહત્યા, પાકવીમો, પાણી જેવી સમસ્યા મોટી છે. એથી વિશેષ ધ્યાન આપવા પ્રચારની શરૂઆત અહીંથી કરવામાં આવી હતી.ગુજરાતમાં ’આ વખતે પણ લોકોએ મોદીને જ મત આપ્યા છે, જે તે વિસ્તારના ઉમેદવારને નહીં.દલિતહત્યા, જાતિવાદ જેવા મુદ્દાઓ ભારે બન્યા હોવા છતાં એ વિસ્તારોમાં પણ સારું મતદાન થયું અને ભાજપની મતની ટકાવારી વધી છે.ગુજરાતમાં મોદીની પ્રતિભા વધુ કામ કરે છે. લોકોને એમ લાગે છે કે મોદી તેમની વચ્ચેની જ એક વ્યક્તિ છે. જે ત્વરિત નિર્ણયો લઈ તેનો અમલ પણ કરે છે.એક સમયે સર્વણોના પક્ષ તરીકે ઓળખાતો ભાજપ આ ચૂંટણીમાં માત્ર સર્વણોનો જ નહીં, પણ ’દરેકનો પક્ષ’ એમ સાબિત કરવામાં કયાંક ને કયાંક સફળ થયો છે.પરંપરાગત રાજનીતિ, જાતિવાદ કે ગરીબ-અમીરના ભેદથી ઉપર ઊઠીને મોદી પોતાની વાત લોકો સુધી પહોંચાડવામાં સફળ થયા છે.કૉંગ્રેસની હારનું એક મુખ્ય કારણ એ પણ છે કે ગુજરાતમાં તે હજુ પણ લોકો સાથે સંવાદ સાધી શકતી નથી. પરંપરાગત ચાલતી આવતી રાજનીતિને જ અનુસરવાને લીધે કે નક્કર મુદ્દાઓ પર વાત ન કરવાને લીધે મજબૂત વિપક્ષ નથી મળી શક્યો.ગોસ્વામી ઉમેરે છે, ચૂંટણીના માહોલમાં પ્રજ્ઞા ઠાકુર જો ગાંધીજી વિશે જેમ-તેમ બોલીને પણ જીતી જાય તો સ્પષ્ટ છે કે લોકોએ મત મોદીને આપ્યા છે. નહીં કે મતક્ષેત્રના ઉમેદવારોને.લોકોએ કૉંગ્રેસને ભૂતકાળમાં સારો એવો સમય આપ્યો છે. હવે તેઓ મોદીને આપીને નવો પ્રયોગ કરવા માગતા હોય એમ ચોક્કસ કહી શકાય.ગુજરાતના દીકરા તરીકેની વાત હોય કે સમસ્યાનું નિરાકરણ કે પછી મજબૂત વિપક્ષની અછત અથવા તો લોકોનો નવો પ્રયોગ મોદીએ ગુજરાતના કાનમાં જેટલી પણ વાત કહી તે ૨૬ બેઠકોના પડઘા રૂપે દેખાઈ રહી છે.

Related posts

હિમાલયન ગ્લેશિયરથી ભયંકર આફતની શક્યતા

aapnugujarat

नये भारत का संदेश : न्यूजप्रिन्ट पर ड्युटी और ओन ड्युटी पत्रकारो को नो एन्ट्री..!

aapnugujarat

શાસકોના પાપે ખેડૂતો ફક્ત ચૂંટણી ટાણે જ યાદ આવે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1