હિમાલયન ગ્લેશિયરથી ભયંકર આફતની શક્યતા

Font Size

હિમાલયન પર્વતમાળામાં ઝડપથી બદલતા વિશ્વ વાતાવરણની ખરાબ અસર થઈ રહી છે. વૈશ્વિક તાપમાનના વધારાના કારણે ખાસ્સી ઉંચાઈએ આવેલા ગ્લેશિયર પણ ધીમે ધીમે પીગળી રહ્યા છે અને તેના કારણે નવા તળાવ નિર્માણ પામી રહ્યા છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ગત ૨ વર્ષમાં જ પીગળતા ગ્લેશિયરના કારણે ૧૧૦ જેટલા નવા તળાવ હિમાચલ પ્રદેશમાં આવેલા ઉંચા ભાગોમાં અસ્તિત્વમાં આવ્યા છે. આ કારણે હિમાચલ પ્રદેશ પર ગ્લોફ તરીકે ઓળખાતા પૂરનું સંકટ તોળાયું છે.
ગ્લોફ એટલે કે ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ, ગ્લેશિયર ઓગળવાના કારણે તૈયાર થતા તળાવમાં પાણીની માત્રા અધિકમાત્રામાં વધી જવાથી આવા તળાવ ફાટે છે જેને કારણે નીચેના પ્રદેશમાં વહેતી નદીમાં અચાનક પૂર આવે છે.
નિષ્ણાંતોના મતે ખૂબ જ ઝડપથી ઓળગતા આ ગ્લેશિયરના કારણે રાવી, ચિનાબ અને વ્યાસ નદીના તટપ્રદેશમાં નવા ગ્લેશિયર તળાવ નિર્મિત થા છે. જેને નિષ્ણાંતો સતત મોનિટરિંગ કરી રહ્યા છે. તેમજ નિષ્ણાંતો વિશ્લેષણ કરી રહ્યા છે કે હિમાલયની આ ઉંચાઇએ થતા ફેરફારની માનવ જીવન પર કેટલી અને કેવા પ્રકારની અસર પડી શકે ઉપરાંત આ વિસ્તારમાં વસતા માનવ જીવન માટે તે કેટલી ખતરનાક હોઈ શકે. સ્ટેટ કાઉંસિલ ફોર સાયન્સ, ટેક્નોલોજી એન્ડ એન્વાયરોમેંટ દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમા કહેવામાં આવ્યું છે કે નદિના તટપ્રદેશની ઉપરના ભાગે સતત વધતા જતા આ ગ્લેશિયર નિર્મિત તળાવોના કારણે ગ્લોફ પૂરની શક્યતા સતત વધતી જઈ રહી છે.
રિપોર્ટ મુજબ ૨૦૧૩માં ચિનાબ નદિના તટપ્રદેશમાં ૧૧૬ જેટલા તળાવ હતા. જેની સંખ્યા ૨૦૧૫માં ૧૯૨ જેટલી થઈ ગઈ છે. જો ૨૦૦૧ના ડેટા સાથે આ તળાવોની સંખ્યાની તુલના કરવામાં આવે તો તેમાં ચાર ગણો વધારો થયો છે. આ ૧૯૨ તળાવોમાંથી ૪ તળાવોનું ક્ષેત્રફળ ૧૦ હેક્ટરથી પણ વધારે છે, ૬ તળાવો ૫થી ૧૦ હેક્ટર ક્ષેત્રફળ ધરાવે છે, જ્યારે અન્ય ૧૮૨ તળાવો ૫ હેક્ટર કરતા ઓછું ક્ષેત્રફળ ધરાવે છે.આ જ રીતે વ્યાસ નદીના તટપ્રદેશમાં ૨૦૧૩માં ૬૭ જેટલા તળાવ હતા. જે ૨૦૧૫માં વધીને ૮૯ સુધી પહોંચી ગયા. જ્યારે રાવી નદીમાં ૨૦૧૩ દરમિયાન ૨૨ તળાવ, ૨૦૧૫ સુધીમાં ૩૪ થઈ ગયા હતા.
વૈજ્ઞાનિકોએ આ રિપોર્ટ અને તેનું વિશ્લેષણ સેટેલાઇટ દ્વારા લેવાયેલ તસવીરોના આધારે કર્યું છે. જાણકારોના કહેવા મુજબ ૨૦૧૩માં ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે આવેલ ભયાનક પૂરનું કારણ કેટલેક અંશે આ ઓગળેલા ગ્લેશિયર અને તેના કારણે તૈયાર થયેલા તળાવ જ હતા જે ભારે વરસાદના કારણે પાણી વધી જતા ફાટ્યા હતા..વિશ્ર્‌વમાં સર્વોચ્ચ શિખર ગણાતા માઉન્ટ એવરેસ્ટની આસપાસ આવેલ હિમનદીઓ છેલ્લાં ૪૦ વર્ષમાં ૨૮ ટકા પીગળી ગઈ છે, તેવા અહેવાલ પ્રસિદ્ધ થયાં છે. ચીનની ચાઈનીઝ ઍકેડેમી ઓફ સાયન્સ ઍન્ડ ટેક્નોલોજી તથા માઉન્ટ કમૉલંગ્મા સ્નો લેપર્ડ કંઝરવેશન સેન્ટર દ્વારા સતત કરવામાં આવેલા સંશોધન બાદ દ્વારા જાણવા મળ્યું છે.હિન્દુ-કુશ હિમાલયા- તિબેટિયન વિસ્તારમાં આવેલી એશિયાની મોટી નદીઓ જેવી કે બ્રહ્મપુત્રા, ગંગા, હુઆંગ હો, ઈન્ડસ, મેકૉંગ, સાલવીન અને યાંગ્તેઝ નદીના પાણી ઉપર આશરે અઢી કરોડ લોકોનું જીવન નભતું જોવા મળે છે.
હિમાલયની હિમનદીઓ પીગળતા નદીઓમાં પાણી બે તટે વહેતું રહે છે. જેને કારણે આસપાસના ગામના લોકો ખેતી અને પશુપાલનને કારણે જીવનનિર્વાહ સરળતાથી કરી શકે છે.હિમનદીનું ક્ષેત્રફળ માપવા માટે ૧૯૭૦ના વર્ષમાં કરવામાં આવેલ આકારણીનો આધાર લેવામાં આવ્યો હતો. એવરેસ્ટની દક્ષિણમાં આવેલ નેપાળ તરફ હિમનદીનું ક્ષેત્રફળ ૧૯૮૦ બાદ ૨૬ ટકા ઘટયું હોવાનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. શિખરનો મુખ્ય ભાગ પણ પચાસ વર્ષમાં પહેલાં કરતાં વધુ પીગળવા લાગ્યો છે. આધુનિક યંત્રોની સહાયથી મેળવેલી માહિતી સાથે પ્રત્યક્ષ તે જગ્યાએ જઈને માહિતી એકઠી કરવામાં આવી હોવાથી તેને વિશ્ર્‌વસનીય માનવામાં આવે છે. ગ્લૅશિયર પીગળવાને કારણે આબોહવાના સમીકરણ બદલાઈ જાય છે. તેને કારણે વારંવાર હવામાનમાં કંઈને કંઈ ઊંધું-ચત્તું થતું જોવા મળે છે.૧૯૯૦માં કરવામાં આવેલા સર્વેક્ષણ પ્રમાણે હમિનદી (ગ્લેશિયરર્સ)નો વિસ્તાર ૧૦૦ કિલોમીટરના ક્ષેત્રમાં પ્રસરેલો હતો. જે હાલમાં ૧૧૪ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો જોવા મળ્યો હતો. મે મહિનામાં કરવામાં આવેલા એક સંશોધન મુજબ હિમાલય પર્વતની આસપાસ કુલ ૫૫૦૦ હિમનદી વહે છે. એવું કહેવાઈ રહ્યું છે કે કે પર્યાવરણમાં બદલાવને કારણે ઈ.સ. ૨૧૦૦માં ૮૦થી ૯૦ ટકા હિમનદીઓ પીગળી જશે જેની અસરને કારણે ખેતી અને કુદરતી આપત્તિઓમાં વધારો થશે. હિમાલયમાંથી નીકળતી ઉત્તર-પૂર્વ ભારતની નદીઓમાં જળસપાટી વધવાને કારણે આસપાસની જમીન ધોવાઈ જશે.
એવી પણ ધારણા થઈ રહી છે કે થોડા સમય બાદ નદીઓમાં પાણી આવતું ઓછું થઈ જશે. આ બે અલગ અલગ અંતિમ સ્તરની દશાને કારણે ભારતની ફૂડ બૅક્ન ગણાતા પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારની ખેતીની દુર્દશા થવાની શક્યતા વધશે.ઉત્તરના હિમાલય પરથી આવીએ તો બાકીની ત્રણ બાજુ સમુદ્રનાં પાણી ફેલાયેલ છે. ગ્લોબલ વોર્‌મિંગને લીધે સમુદ્રની સપાટી વધશે એટલે આપણા ૭૫૦૦ કિ.મી લાંબા દરિયાકિનારા અને ૧૩૦૦ ટાપુઓ પાણીમાં સમાઈ જશે તેવો ભય પણ છે. હાલમાં પણ ગુજરાત સહિત અનેક જગ્યાએ દરિયાઈ પાણી જમીન ઉપર કબજો જમાવી રહ્યું છે. ચેન્નઈમાં ફક્ત બે દિવસમાં મેઘરાજાએ તાંડવ મચાવીને કુદરતે બદલાતા મોસમનો મિજાજનો પરચો બતાવી આપ્યો છે.ચીનના કુલ ૨૦૩૦ સ્કે.કિલોમીટરમાં પથરાયેલાં માઉન્ટ ક્વૉલંગ્મા નેચર રિઝર્વમાં કુલ ૧૪૭૬ હિમનદીઓ વહેતી જોવા મળી છે.એક તરફ એવરેસ્ટ પર્વતારોહકની વધતી સંખ્યા અને બીજી તરફ પર્યાવરણમાં આવેલ બદલાવને કારણે હિમનદી ઝડપથી પીગળી રહી છે.નિષ્ણાતોનું કહેવું છે કે હિમનદીનું પીગળવું તે વિસ્તારમાં પર્યાવરણને સુધારે છે.પાણી પૂરતા પ્રમાણમાં મળવાને કારણે વૃક્ષો વધતા જંગલ ગાઢ બનતા જાય છે.એક કિલોમીટરની અંદર તળાવોની સંખ્યા વધવા પામી છે. ૧૯૭૦ના વર્ષમાં તળાવોની સંખ્યા ૧૦૮૧ હતી તે વધીને વર્ષ ૨૦૧૦માં ૧૨૩૬ થવા પામી છે. ૮૦ ટકા તળાવોનું ક્ષેત્રફળ પણ વધી ગયું છે.૧૯૯૭ના વર્ષમાં ૨.૦૯ ક્યુબિક મીટરમાં વૃક્ષો જોવાં મળતાં હતાં. જે ૨૦૧૩ના વર્ષમાં ૨.૨૬ ક્યુબિક મીટરમાં વૃક્ષોનો ફેલાવો થયો હતો.૨૦૧૪માં ૬૯૭૧ પર્વતારોહકોએ માઉન્ટ એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન ર્ક્યો હતો. જેમાંથી ૪૦૪૨ પર્વતારોહક એવરેસ્ટની ટોચ ઉપર પહોંચ્યા હતા.ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટનું કહેવું છે કે એવરેસ્ટ વિસ્તારમાં આવેલી હિમનદીઓ ઘણી સંવેદનશીલ હોય છે.
તાપમાનમાં ફેરફાર થવાને કારણે ઊંચાણવાળા વિસ્તારમાં બરફ પડવાને કારણે વરસાદ વધી ગયો છે. માઉન્ટ એવરેસ્ટને સર કરવાની આશા સાથે આવેલ અનેક પર્વતારોહકના શબની સાથે પરચૂરણ કચરાનું પ્રદૂષણ જેવું કે ખાલી ઓક્સિજનની બોટલો, ખાઈને ગમે ત્યાં ફેંકવામાં આવેલ ફૂડપેકેટનો કચરો, ચડવા માટે ઉપયોગમાં લીધેલી મોટા પ્રમાણમાં તૂટેલી લાકડીઓ, તૂટેલાં તંબૂનો કચરો છોડી દેવાતો હોવાથી, પૃથ્વી ઉપર પથરાયેલ પ્રકૃત્તિના સુંદર ચહેરાને ગંદકી ફેલાવીને કદરૃપો બનાવી દેવામાં માનવી તેની મર્યાદા વિસરી ગયો છે.
હિમનદીઓ પીગળતા કદાચ આવનારા વર્ષમાં દુશ્મન દેશને ભારત ઉપર આક્રમણ કરવું સરળ બની જાય તેવી પણ શંકા સેવાઈ રહી છે. ૨૯ મે ૧૯૫૩ની સાલમાં એડમંડ હિલેરી અને તેનસિંગ શેરપાએ એવરેસ્ટ શિખરને સર ર્ક્યું હતું. જીવનમાં કંઈક સિદ્ધિ મેળવ્યા બદલ બંને એકબીજાને ભેટી પડયા હતા. તેમણે શિખર ઉપર ૧૫ મિનિટ ફોટા પાડીને અને ફૂદીનાના સ્વાદવાળી કેક ખાઈને પસાર કરી હતી. તે માઉન્ટ એવરેસ્ટના ગ્લેશિયરની સુંદરતા ભવિષ્યમાં નિહાળવા નહી મળે.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *