Aapnu Gujarat
ગુજરાત

સાગબારા-પાનખલા ખાતે સરકારી વિનયન કોલેજના નવનિર્મિત ભવનનું વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શબ્દશરણ તડવીના હસ્તે લોકાર્પણ

નર્મદા જિલ્લાના સાગબારા –પાનખલા ખાતે ગઇકાલે રૂા. ૬.૩૯ કરોડના ખર્ચે સરકારી વિનયન કોલેજના નવનિર્મિત મકાનને રાજ્યના વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીએ રિબિન કાપી લોકાર્પણ કર્યુ હતું. આ લોકાર્પણ સમારોહમાં સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, દેડીયાપાડાનાં ધારાસભ્યશ્રી મોતિસિંહ વસાવા, પ્રાંત અધિકારીશ્રી ડી.એન. ચૌધરી વગેરે મહાનુભાવો પણ તેમાં જોડાયા હતા.

ઉદધાટકપદેથી પ્રવચન કરતા રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે ખુબ જ વિકાસ સાધ્યો છે. દરેક તાલુકા સ્થળે કોલેજ હોય તેવા રાજ્ય સરકારના નિર્ધાર સાથે સરકારી વિનયન કોલેજના નવનિર્મિત ભવનની ઉંડાણના વિસ્તાર એવા સાગબારા-પાનખલા ખાતે અદ્યતન સુવિધા પ્રાપ્ત થઇ છે. આદિવાસી વિસ્તાર સાગબારા તાલુકાનો શિક્ષણ ક્ષેત્રે વિકાસ થઇ રહ્યોં છે. સરકાર આદિજાતિ વિસ્તારનાં સર્વાંગી વિકાસ માટે કટિબધ્ધ છે. આત્મવિશ્વાસ સાથે અભ્યાસ કરવાથી અનેક સફળતાઓ સર કરી શકાય તેમ જણાવી તેમણે મહાપુરૂષોના જીવન ચરિત્ર પરથી પ્રેરણાઓ લેવા અનુરોધ કર્યો હતો.

સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આ કોલેજનું મકાન એ અન્ય કોઇ મકાન નથી પરંતુ આ એક વિદ્યાધામ છે. આ વિદ્યાધામમાં વ્યક્તિનું ઘડતર થાય છે. આ કોલેજના પ્રાધ્યાપકોને અહીંના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સરળતાથી સફળતા મેળવે તે અંગેના પ્રયાસો કરવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો. વધુમાં શ્રી મનસુખભાઇ વસાવાએ વ્યસન મુક્તિનો સંદેશો આપવાની સાથોસાથ ઘર આંગણે શિક્ષણ સુવિધામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરી ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.

દેડીયાપાડા વિસ્તારના ધારાસભ્યશ્રી મોતિસિંહ વસાવાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, સાગબારાને આંગણે રાજ્ય સરકાર દ્વારા નવનિર્મિત અદ્યતન કોલેજનું ભવન આજથી કાર્યરત થયેલ છે. રાજ્ય સરકાર અંતરિયાળ વિસ્તારોમાં પણ મોટા શહેરો જેવી અદ્યતન સુવિધા સાથે ઉચ્ચકક્ષાનું શિક્ષણ મળી રહી તે માટે કટિબધ્ધ છે. જિલ્લા અને જિલ્લા બહાર અભ્યાસ અંગે જતા વિદ્યાર્થીઓને સુગમતા રહે તે માટે સરકારે સમરસ છાત્રાલયો ઉભા કરીને સુવિધાઓ પુરી પાડી છે. દરેક વિદ્યાર્થી ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરી ઉચ્ચ હોદ્દા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પણ તેમણે પાઠવી હતી.

આ પ્રસંગે શ્રી ફુલસીંગભાઇ વસાવા, શ્રી ચન્દ્રકાન્તભાઇ લુહાર, સરપંચશ્રી, ગ્રામજનો, વિદ્યાર્થી ભાઇ-બહેનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે મંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ કોલેજના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યુ હતું. પ્રારંભમાં કોલેજના આચાર્યશ્રી એસ.જી. ગાયકવાડે શાબ્દિક સ્વાગત કર્યું હતું અને અંતમાં પ્રાધ્યાપિકા શ્રીમતી અર્ચનાબેન ગામિતે આાભારદર્શન કર્યું હતું.

Related posts

હાર્દિક પટેલ ૨ જૂને ભાજપમાં જાેડાઈ જશે

aapnugujarat

૩૦મી જુને કેન્દ્રીય સામાજિક રાજ્યમંત્રી રામદાસ આઠવલે ડભોઈના પલાસવાડા ગામે જયપ્રાયમરી દિવ્યાંગ સ્કૂલનું ઉદ્‌ઘાટન કરશે

aapnugujarat

વિરમગામના સામુહિક આરોગ્ય કેન્દ્રના પ્રાંગણમાં સીઆઇએસએફના જવાનોએ સફાઇ કામગીરી કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1