Aapnu Gujarat
ગુજરાત

જમીન માપણી કેસમાં સિટીંગ જજથી ચકાસણી કરાવવા કોંગ્રેસની માંગણી

રાજયભરમાં ખેડૂતોની જમીનોની રાજય સરકાર દ્વારા હાથ ધરાયેલી ફેર માપણીમાં ગંભીર ક્ષતિઓ અને ગોટાળા બહાર આવતાં કોંગ્રેસ પક્ષ દ્વારા આજે રાજયભરની સમગ્ર માપણી અને પ્રમોલગેશન રદ કરવા અને આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટના સીટીંગ જજ મારફતે ન્યાયિક તપાસ કરાવવા માંગણી કરવામાં આવી છે. કોંગ્રેસે આ ફેરમાપણી પ્રક્રિયા માટે જવાબદાર અને ખેડૂતોના દસ્તાવેજો અને રેકર્ડ સાથે ચેડા કરનાર તમામ અધિકારીઓ, ખાનગી એજન્સી અને જવાબદાર મંત્રીઓ સામે ફોજદારી રાહે એફઆઇઆર દાખલ કરવા પણ ઉગ્ર માંગ કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ આ માંગણી ઉચ્ચારતાં ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે, કારણ કે, ખેડૂતોની જમીનોની ફેરમાપણીમાં ગોટાળાઓને લઇ રાજયભરના ખેડૂતોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાયેલી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જનુ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, જમીનની નવી માપણી સંદર્ભે સરકારના બહાર આવેલા ગોટાળા અને ખેડૂતોમાં ઉભી થયેલી બળવા જેવી સ્થિતિને લઇ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના ૧.૨૫ કરોડ સર્વે નંબરોની માપણીમાં ગોટાળા થયાનું સ્વીકારી અને ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવી પુનઃ માપણી કરી આપવાની કરેલી જાહેરાત પ્રજાને ગેરમાર્ગે દોરનારી છે. ૧૮ હજાર ગામોના જમીનના રેકર્ડનું થયેલ નવું પ્રમોલગેશન લેન્ડ રેવન્યુ કોડની કલમ-૨૧૧ હેઠળ રિવીઝન કરીને પ્રમોલગેશન અને માપણી રદ કરીને પુનઃ માપણી થવી જોઇએ. નવી ફેરમાપણી અને નવા પ્રમોલગેશન દરમ્યાન થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને આ સમગ્ર મામલામાં ગુજરાત હાઇકોર્ટના સીટીંગ જજને રાજય સરકારે તપાસ સોંપવી જોઇએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજયના પાંચ-દસ ટકા નહી, સો ટકા ખેડૂતોની જમીનની માપણી ખેતરોમાં ગયા વિના ઘરમાં બેસીને જ કરવામાં આવી છે. આડેધડ અને ક્ષતિયુકત ફેરમાપણી કરી સરકારે ખેડૂતોને માપણી શીટ આપી વાંધાઓ મેળવવાના હતા પરંતુ તેમ કરવાના બદલે ખેડૂતોને માપણી શીટ આપી વાંધાઓ મેળવી લેવાયા છે, તેવું કાગળ પર બતાવી નવી જમીન માપણીના આધારે તમામ ખેડૂતોના નવા બનેલા નકશાઓ અને તેના આધારે તૈયાર થયેલા નવા રેકર્ડ મુજબ, જે તે વિસ્તારના પ્રાંત અધિકારીઓએ પ્રમોલગેશન કરી દીધું. હવે લેન્ડ રેવન્યુ કોડ મુજબ, આ નકશા કે લેન્ડ રેકર્ડમાં ખેડૂતોની અરજી મુજબ, સુધારો ના થઇ શકે. જો સુધારો કરવો હોય તો, સરકારે લેન્ડ રેવન્યુ કોડની કલમ-૨૧૧ મુજબ, તમામ પ્રમોલગેશન અને તમામ નકશાઓ રિવીઝનમાં લઇને રદ કરવા પડે અને નવેસરથી જમીન રેકર્ડનું પ્રમોલગેશન કરવું પડે. દરમ્યાન પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, જમીન માપણીમાં ખેતીની જમીન સાથે સરકારી રસ્તાઓ, આડ માર્ગ, કેડીઓ, વોકળા, નદી, નહેરો, ડેમ, જંગલ, સરકારી ખરાબાઓ, ગૌચર વગેરે બતાવવાના હતા પરંતુ તે નકશામાં બતાવાયું જ નથી. વાસ્તવમાં સરકારે કાગળ પર કામગીરી કરી બનાવટી નકશાઓ બનાવી દેવડાયા છે. આ સમગ્ર પ્રકરણમાં ખેડૂતોના દસ્તાવેજો અને રેકર્ડ સાથે ચેડા કરનાર તમામ અધિકારીઓ, ખાનગી એજન્સી અને જવાબદાર મંત્રીઓ સામે ફોજદારી રાહે એફઆઇઆર દાખલ થવી જોઇએ. કોંગ્રેસ આ મામલે આગામી દિવસોમાં ખેડૂતોના હિતમાં આંદોલન કરતાં પણ અચકાશે નહી એવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

Related posts

કેશવાનથી ૯૮ લાખની ચોરી કેસમાં બેની કરાયેલ ધરપકડ

aapnugujarat

ओढव क्षेत्र में माता-बेटे के मर्डर से सनसनी फैली

aapnugujarat

બિટકોઇન : નલિન કોટડિયાની ધરપકડ થાય તેવી પુરી શક્યતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1