Aapnu Gujarat
Uncategorized

ટંકારામાં આભ ફાટ્યું : ૪ કલાકમાં ૧૨ ઇંચ વરસાદ

રાજયભરમાં સાર્વત્રિક વરસાદની સાથે સાથે મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘમહેરની સાથે સાથે જાણે મેઘકહેર વરસાવી હતી. મોરબીના ટંકારામાં તો જાણે આભ ફાટયું હતુ અને માત્ર ચાર કલાકમાં ૧૨ ઇંચ જેટલો અતિ ભારે વરસાદ ખાબકતાં ટંકારા ફરી એકવાર જળબંબાકારમાં ફેરવાઇ ગયું છે. ટંકારામાં બાર ઇંચ જેટલો મેહુલિયો ખાબકતાં એનડીઆરએફ અને ફાયરબ્રિગેડ સહિતની બચાવ ટીમો ફરી એકવાર કામે લાગી હતી. મોડી રાત સુધીમાં સંખ્યાબંધ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. આટલા ભારે વરસાદને લઇ ફરી એકવાર મોરબીના ટંકારામાં વિનાશ અને તારાજીની દહેશત પ્રવર્તી રહી છે. પંદર દિવસ પહેલા મેઘરાજાએ પહેલા રાઉન્ડમાં ટંકારાને ઘમરોળી નાંખ્યું હતું અને હવે ફરી એકવાર ટંકારા પર ગાજ વરસાવી છે. સ્થાનિક લોકોની હાલત ભારે કફોડી અને દયનીય બની છે. મોરબીના ટંકારામાં અતિ ભારે વરસાદના કારણે આજે બંગાવડી ડેમ ઓવરફલો થઇ ગયો હતો. અગાઉ પણ મેઘરાજાના કહેર વખતે બંગાવડી ડેમ ઓવરફલો થયો હતો અને પંદર દિવસ બાદ ફરી એકવાર આ ડેમ છલકાઇ ગયો છે. આ જ પ્રકારે ડેમી-૨ અને ડેમી-૩ ડેમ ઓવરફલો થયા હતા, જેના પગલે ડેમી-૨ ડેમના ૧૦ દરવાજા પાંચ ફુટ સુધી ખોલવામાં આવ્યા છે, જયારે ડેમી-૩ ડેમના ત્રણ દરવાજા એક ફુટ સુધી ખોલાયા હતા. આ ડેમો ઓવરફલો થતાં આસપાસના ગામો અને સ્થાનિક લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. મોરબીના ટંકારામાં આજે સમગ્ર દિવસ દરમ્યાન વરસાદી જોર ચાલુ રહ્યું હતું. જો કે, બપોર બાદ બે કલાક એટલો જબરદસ્ત વરસાદ ખાબકયો હતો કે, બે કલાકમાં જ નવ ઇંચ જેટલો અતિ ભારે વરસાદ વરસી ગયો હતો. મોડી સાંજ સુધીમાં સમગ્ર દિવસ દરમ્યાન ટંકારામાં ૧૨ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જેના પરિણામે ટંકારા સહિતના આસપાસના વિસ્તારો અને પંથકો પાણીમાં ડૂબી ગયા હતા, સર્વત્ર જળબંબાકારની સ્થિતિ વચ્ચે ફરી એકવાર લોકો હાલાકીમાં મૂકાઇ ગયા હતા. મોરબી અને ટંકારાનું જનજીવન જાણે વેરવિખેર થઇ ગયું હતું. ૧૨ ઇંચ વરસાદે સર્વત્ર જળબંબાકારના દ્રશ્યો સર્જી દીધા હતા. માણસ હોય કે મૂંગા અબોલ પશુ સૌકોઇની હાલત કફોડી બની હતી. ૧૨ ઇંચ વરસાદને પગલે ટંકારામાં ફરી એકવાર તારાજીની દહેશત પ્રવર્તી રહી છે. જો કે, પાણી ઓસર્યા બાદ તારાજીનો અંદાજ સ્પષ્ટ થશે. રાજકોટમાં પણ ત્રણ કલાકમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્ર-મોરબી પંથકમાં અતિ ભારે વરસાદને લઇ એનડીઆરએફ, ફાયરબ્રિગેડ સહિતની બચાવ ટીમો ફરી એકવાર રાહત અને બચાવ કામગીરીમાં લાગી હતી. દરમ્યાન જામનગરનો ઉન-૨ ડેમ પણ ભારે વરસાદ અને ઉપરવાસમાં નોંધાયેલા અતિ ભારે વરસાદને પગલે ઓવરફલો થયો હતો. ડેમ ઓવરફલો થતાં સલામતીના કારણોસર ડેમના ૨૫ દરવાજા ચાર-ચાર ફુટ સુધી ખોલવામાં આવ્યા હતા.
આ જ પ્રકારે કંકાવટી ડેમ પણ ઓવરફલો થતાં તેના સાત દરવાજા પાંચ ફુટ સુધી ખોલાયા હતા. આ વિસ્તારોમાં પણ નજીકના અને આસપાસના નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરી સલામતસ્થળે ખસેડાયા હતા.

Related posts

પત્રકાર સુરક્ષા ધારો ગૃહમાં પસાર કરવા વાઘેલાની માંગ

aapnugujarat

પૂનમ માડમના પિતરાઈ ભાઈ નીતિન કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા

aapnugujarat

ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી જીતતાં દેવપક્ષનાં સમર્થકોએ ઉજવણી કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1