Aapnu Gujarat
ગુજરાત

ઉદયપુર ગયેલા ૫૯ ગુજરાતી ઝડપાયા

રાજસ્થાનના ઉદયપુરમાં ઉદય બાગ હોટલ એન્ડ રિસોર્ટમાં પોલીસે દરોડો પાડી ૫૯ જેટલા જુગારીઓ ઝડપી પાડ્યા છે. પોલીસે જુગારીઓ પાસેથી ૨૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો જુગાર અને સટ્ટો રમવા માટે ઉદયબાગ રિસોર્ટ આવ્યા છે. પોલીસે રાત્રે ૧૧ વાગ્યે રિસોર્ટમાં રેડ પાડી હતી. જેમાં ૫૯ જુગારીઓ ઝડપાયા હતા, જ્યારે ૨૦ જુગારી ભાગી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા જુગારીઓમાં મોટાભાગના અમદાવાદના છે. પોલીસ જ્યારે રિસોર્ટમાં રેડ કરવા પહોંચી ત્યારે રિસોર્ટના પોર્ચ અને પરિસરમાં બે ડઝનથી વધુ વૈભવી કારનો કાફલો જોવા મળ્યો હતો. પોલીસે રિસોર્ટમાંથી એકપણ જુગારી ભાગે નહીં એ માટે રિસોર્ટની આસપાસ પણ જવાનો તેનાત કર્યા હતા. તેમ છતાં ૨૦ જુગારી ભાગી છૂટ્યા હતા.
પોલીસે રાત્રે ૧૧ વાગ્યાથી ૧ વાગ્યા સુધી રિસોર્ટમાં તપાસ કરી હતી. જે લોકોને પોલીસ પકડ્યા હતા તેમને પોલીસ મથકે લઇ જવા માટે લોડિંગ ટેમ્પોની વ્યવસ્થા કરવી પડી હતી. આ જુગાર અંગે એટીએસ ટીમને બાતમી મળતા પોલીસ કાફલો હોટલે પહોંચ્યો હતો. જ્યાં હોટલના કિચન તરફથી વેઈટર આવતો જોવા મળ્યો. તેની વધુ પૂછપરછ કરતા કહ્યું કે, ગુજરાતના મૌલિક પટેલ ઉર્ફે ભુરા પટેલ ગ્રુપ લઈને પરમ દિવસે સાંજે ડિનર સમયે હોટલમાં ચેકઈન થયા હતા. વેઈટર પાસેથી આ માહિતી મળ્યા બાદ પોલીસે હોલનો દરવાજો ખખડાવ્યો. જેને પગલે એક વ્યક્તિએ દરવાજો તો ખોલ્યો પણ પોલીસને જોઈને તે ગભરાઈ ગયો. ત્યાર બાદ પોલીસની ટીમે અંદર પ્રવેશીને તમામને જ્યાં બેઠા છો ત્યાં જ બેઠા રહેવા ચેતવણી આપી અને તમામનો પરિચય પૂછ્યો.
હોલમાં ગાદલા પાથરીને કુલ ૬ ગ્રુપમાં ૫૯ લોકો બેસીને જુગાર રમતા હતા. જ્યારે વચ્ચે દાવ પર લાગેલી રકમ, પ્લાસ્ટિકના સિક્કા અને હાથમાં ૫૨ પત્તાઓ હતા. ગ્રુપ પ્રમાણે લોકોની પૂછપરછ અને તલાસી લેવામાં આવી હતી. જેમાં પહેલા ગ્રુપ પાસેથી ૩,૨૪,૬૦૦ રૂપિયા, બીજા ગ્રુપ પાસેથી ૪,૦૮,૧૬૦ રૂપિયા, ત્રીજા ગ્રુપ પાસેથી ૬,૫૬,૪૪૫ રૂપિયા, ચોથા ગ્રુપ પાસેથી ૩,૩૨,૯૮૦ રૂપિયા, પાંચમા ગ્રુપ પાસેથી ૩,૧૩,૩૯૦ રૂપિયા અને છઠ્ઠા ગ્રુપ પાસેથી ૪,૪૬,૭૦૦ રૂપિયા મળી આવ્યા હતા. ઉપરોક્ત તમામ આરોપીઓ પાસેથી કુલ ૨૪,૮૨,૨૭૫ રૂપિયા, પત્તાની ૬ કેટ, પ્લાસ્ટિકના કોઇન્સના સેટ, એક લેપટોપ, કેલક્યુલેટર સહિતની સામગ્રી પણ કબજે કરવામાં આવી હતી.

Related posts

અમદાવાદમાં ફલાય ઓવર બ્રિજ નિર્માણના કામો ધીમા

aapnugujarat

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ૧૭ સ્થળોએ જાહેર યોગાભ્યાસનું આયોજન

aapnugujarat

10 એપ્રિલે અમિત શાહ ગુજરાત આવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1