Aapnu Gujarat
ગુજરાત

આઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે બે-બે ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવેલ છે : ભરત પંડ્યા

ભાજપા પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ મિડીયાના મિત્રોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કોર ગ્રુપ, પ્રદેશ મહામંત્રીઓ અને પ્રદેશ અગ્રણીઓની બેઠક મળી હતી. આજની આ બેઠકમાં રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીશજી, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ હંમેશા પ્રજાની સેવામાં સક્રિય અને અગ્રેસર હોય છે. તેવી રીતે કોઈપણ પ્રકારની ચૂંટણીઓની પૂર્વતૈયારી અને વ્યવસ્થામાં પણ અગ્રેસર હોય છે. આજની આ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઓના સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી તેમજ જે આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી આવનાર છે તે તમામ બેઠકો માટે સરકારમાંથી એક મંત્રી અને સંગઠનમાંથી એક હોદ્દેદાર એમ બેઠક દીઠ બે-બે ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી હતી.
પંડ્યાએ જણાવ્યું હતું કે, આ આઠ વિધાનસભા બેઠકો પૈકી અબડાસા વિધાનસભા બેઠક માટે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, લીંબડી બેઠક માટે મંત્રી આર.સી. ફળદુ અને નિતિન ભારદ્વાજ, કરજણ બેઠક માટે મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ તથા ડાંગ બેઠક માટે મંત્રીગણપત વસાવા અને પુર્ણેશ મોદીને ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
પંડ્યાએ જણાવ્યું હતું કે, કપરાડા વિધાનસભા બેઠક માટે મંત્રી ઇશ્વરસિંહ પટેલ અને પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, મોરબી બેઠક માટે મંત્રી સૌરભ પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજા, ગઢડા બેઠક માટે મંત્રી કુંવરજી બાવળીયા અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા તથા ધારી બેઠક માટે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકૂભા) અને ધનસુખ ભંડેરીને ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
વિધાનસભા પેટા ચૂંટણીઓ અંગેની વ્યવસ્થા અને પૂર્વતૈયારી અંગેનું પ્રદેશ સ્તરેથી સંકલન પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી કરશે.
ગુજરાત કોંગ્રેસના નેતાઓના પેટ્રોલ-ડિઝલના કાર્યક્રમ સામે પ્રતિક્રિયા આપતાં ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ બે મોંઢાની વાત કરે છે. કોંગ્રેસના ચાવવાના અને દેખાડવાના દાંત જૂદા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાત્વના મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ભાગીદાર છે અને ત્યાં ગુજરાત કરતાં વધુ ભાવ છે. જયારે બાજૂમાં રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. ત્યાંના મુખ્યમંત્રી અશોક ગહેલોત ગુજરાતના પ્રભારી હતાં. તેમના રાજયમાં પણ પેટ્રોલ-ડિઝલના ભાવ વધુ છે. કોંગ્રેસ ત્યાં કેમ ચૂપ છે ? કેન્દ્ર અને રાજય સરકારે કોરોનાની પરિસ્થિતિમાં લોકોને વિના મૂલ્યે આરોગ્યની સુવિધા તેમજ વિવિધ વર્ગ જેમકે ગરીબ વર્ગ, મધ્યમવર્ગ, કિસાન, નાના ઉદ્યોગો, શ્રમિકો , દિવ્યાંગ, મહિલાઓ, વગેરેને સહાયતા કરીને આત્મનિર્ભર ભારત અને ગુજરાત પેકેજ જાહેર કરેલ છે. તેનો લાભ લોકોને મળી રહ્યો છે. કોરાનાની પરિસ્થિતિમાં કોંગ્રેસે લોકોને ઉશ્કેરવાનું બંધ કરવું જોઈએ અને હકારાત્મક સહયોગ આપવો જોઈએ તેમ પંડયાએ અંતમાં જણાવ્યું હતું.

Related posts

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પાંચ પીઆઈની બદલી

aapnugujarat

સ્કોર્પિયોમાંથી ૨ ટન જેટલું ગૌમાંસ મળતા ચકચાર

aapnugujarat

हिंतमनगर में कक्षा-१२वीं के छात्र की आत्महत्या से सनसनी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1