Aapnu Gujarat
ગુજરાત

સમગ્ર જુલાઇ મહિના દરમિયાન વડોદરા શહેર-જિલ્લામાં મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારવાની કામગીરી હાથ ધરાશે 

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી.ભારતીના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લાના ચૂંટણી તંત્રએ તા.૧લી જુલાઇથી સમગ્ર મહિના દરમિયાન શહેર-જિલ્લાના તમામ વિધાનસભા મત વિભાગોની મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા હાથ ધરવાનું આયોજન કર્યું છે. તા.૧લી જુલાઇ, ૨૦૧૭ને શનિવારના રોજ મતદાર યાદીના સંકલીત(ઇન્ટીગ્રેટેડ) મુસદ્દાની પ્રસિદ્ધિ સાથે આગામી વિધાનસભા ચુનાવોમાં મતાધિકાર પ્રાપ્તીની ખાત્રી આપનારી આ અતિ અગત્યની પ્રક્રિયા શરૂ થશે જે તા.૩૧/૦૭/૨૦૧૭ સુધી ચાલશે.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.ડી.ભટ્ટે આ અંગે જાણકારી આપતાં જણાવ્યુ હતું કે આ સુધારણા કાર્યક્રમ તા.૧/૦૧/૨૦૧૭ની લાયકાત તારીખને આધીન છે. એટલે આ તારીખે અથવા તે પહેલા જેમણે ૧૮ વર્ષની ઉંમર પુરી કરી છે તેમને મતદાર યાદીમાં નામ દાખલ કરાવવાની બહુમૂલ્ય તક મળશે. આ ઉપરાંત ઉપરોકત તારીખ અગાઉ જેમણે ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરી છે પરંતુ કોઇક કારણોસર મતદાર યાદીમાં નામ દાખલ કરાવી શક્યા નથી તેઓને પણ મતદાર બનવાની તક મળવાની છે. વધુમાં આ કાર્યક્રમ હેઠળ મતદાર યાદીમાં દાખલ નામમાં (વિગતમાં) સુધારા-વધારા કરાવવા અને અવસાન જેવા કારણોસર કોઇકનું નામ કમી કરાવવાનું હોય તો કમી કરાવવાની કાર્યવાહી થઇ શકશે. એટલે કે તા.૧/૦૭ થી ૩૧/૦૭/૨૦૧૭ સુધી આ તમામ બાબતોમાં લોકો પાસેથી નિર્ધારીત ફોર્મ નં.૬,૭,૮ અને ૮(ક) માં હક્ક-દાવા અને વાંધા સૂચનો સ્વીકારવામાં આવશે.

આ અગત્યની કાર્યવાહીથી લોકો વાકેફ થાય અને તેનો લાભ લે તે માટે તા.૭/૦૭ થી ૨૧/૦૭/૨૦૧૭ દરમિયાન મતદાર યાદીના સંબંધિત ભાગો/સેકશન્સનું ગ્રામસભાઓમાં અને નિવાસી કલ્યાણ સંઘોની બેઠકમાં વાંચન કરાવવામાં આવશે.

મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણાનો લોકો સરળતાથી લાભ લઇ શકે તે માટે તા.૯,૧૬ અને ૨૩ મી જુલાઇના રોજ નજીકના મતદાન મથકો ખાતે ખાસ ઝુંબેશના ભાગરૂપે બુથ લેવલ ઓફિસર્સ (BLOS) જરૂરી ફોર્મ્સ સાથે સવારના ૧૦/૦૦ થી સાંજના ૬/૦૦ કલાક સુધી ઉપલબ્ધ રહેશે જેથી લોકો ઉપર જણાવ્યા પ્રમાણેની કામગીરીનો લાભ લઇ શકશે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન BLOS  તેમને ફાળવેલ વિસ્તારોમાં ઘર મુલાકાત લેશે અને મતદાર યાદીમાં જેતે પરિવારના સદસ્યોના નામોની ચકાસણી  અને ઉપરોકત કામગીરીનો લાભ આપવાની કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે આ કામગીરી માટે લોકો આ સમયગાળા દરમિયાન જેતે વિસ્તારના મતદાર નોંધણી અધિકારી/મદદનીશ મતદાર નોંધણી અધિકારી અટેલે કે મામલતદાર કચેરીમાં જરૂરી ફોર્મ્સ ભરી શકે છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ નાગરિકોને મતાધિકારની ખાત્રી આપતી આ તકનો અચૂક લાભ લેવા અનુરોધ કર્યો છે.

મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણાના સમય પત્રક અનુસાર મળેલા હક્ક-દાવાના નિકાલની છેલ્લી તારીખ ૮/૦૯/૨૦૧૭ છે. તે પછી તા.૧૮/૦૯/૨૦૧૭ સુધી તંત્ર દ્વારા ડેટાબેઝ કન્ટ્રોલ ટેબલ અદ્યતન કરવા, ફોટોગ્રાફસ સંકલિત કરવા અને પૂરવણી યાદી બનાવવી તેમજ છાપકામ કરવાની કામગીરી કરાશે જેના અંતે તા.૨૫/૦૯/૨૦૧૭ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.

Related posts

સાબરકાંઠા – અરવલ્લીના ખેડૂતો ચિંતાતુર

editor

કરોડોના કથિત ભ્રષ્ટાચારનો રિપોર્ટ પ્રસિધ્ધ કરવા સરકારનો ઇન્કાર

aapnugujarat

એરપોર્ટ ઉપર ટર્મિનલ-૨માં ગેટનો કાચ તોડીને કાર ઘૂસી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1