Aapnu Gujarat
ગુજરાત

વસ્તી ગણતરીમાં બૌદ્ધ લખાવો અભિયાન

દેશમાં દર ૧૦ વર્ષે વસ્તી ગણતરી થાય છે. છેલ્લી વસ્તી ગણતરી ૨૦૧૧માં થયેલ હતી. હવે ૨૦૨૧માં આ કામગીરી થશે. વસ્તી ગણતરીની પ્રાથમિક કામગીરી આગામી વર્ષ ૨૦૨૦થી જ શરૂ થઈ જશે. દેશમાં થઈ રહેલ વસ્તી ગણતરીના જાહેર થયેલા સરકારી આંકડાઓ જોતા ગુજરાતમાં છેલ્લાં ૭૦ વર્ષમાં બૌદ્ધ ધર્મીઓની સંખ્યામાં વધારો થયો છે. વર્ષમાં ૧૯૫૧માં ૧૯૯, ૧૯૬૧માં ૩૧૮૫, ૧૯૭૧માં ૫૪૬૯, ૧૯૮૧માં ૭૫૫૦, ૧૯૯૧માં ૧૧૬૧૫, ૨૦૦૧માં ૧૭૮૨૯ અને ૨૦૧૧માં ૩૦૪૮૩ લોકો નોંધાયા છે.
૧૯૬૧ની વસ્તી ગણતરીમાં ગુજરાતમાં બૌદ્ધ ધર્મીઓની વસ્તી વધવાનું કારણ ડૉ. બાબા સાહેબ આંબેડકરનું નાગપુર ખાતેનું ધર્માંતર અને બાબા સાહેબના પરિનિર્વાણ દિને મુંબઈ ચૈત્નય ભુમિ ખાતે યોજાયેલ બૌદ્ધ દીક્ષા મહત્વનું કારણ હોય શકે, જ્યારે ૨૦૧૧માં લગભગ ડબલ થયેલા આંકડા જોતા જણાય છે કે, ગુજરાતના દલિત સમાજમાં વધી રહેલ શિક્ષણનું પ્રમાણ દલિત સમાજ ઉપર થતા અત્યાચારો, સંસ્થાઓ અને કર્મશીલોની બૌદ્ધ ધર્મના પ્રચાર – પ્રસારની અસરકારક પ્રવૃત્તિઓ મુખ્યત્વે છે.
છેલ્લાં દસેક વર્ષોમાં ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, સુરત, વલસાડ, વડોદરા, અરવલ્લી, સાબરકાંઠા, રાજકોટ, આણંદ, ખેડા વગેરે જિલ્લાઓમાં બૌદ્ધ ધર્મમાં ધર્માંતર કરવાના અસંખ્ય કાર્યક્રમો થયા છે. ધર્માંતરની પ્રવૃત્તિઓ સતત ચાલતી હોવા છતાંય દેશમાં અને ગુજરાતમાં બૌદ્ધ ધર્મમાં ધર્માંતરિત થયેલા લોકો વસ્તી ગણતરી દરમિયાન પોતે બૌદ્ધ ધર્મી હોવાનું લખાવતા નથી, પરિણામે બૌદ્ધ ધર્મીઓની વસ્તીના સાચા આંકડા પ્રાપ્ત થતા નથી.
બૌદ્ધ ધર્મના પ્રચાર – પ્રસારની પ્રવૃત્તિઓ અને ધર્માંતરના કાર્યક્રમો કરતી સંસ્થાઓ તથા જિલ્લા કક્ષાએ કે રાજ્ય કક્ષાએ ધર્માંતરની કામગીરી માટે ગઠિત થયેલ સમિતિઓ અને વ્યક્તિગત પ્રતિબદ્ધ બૌદ્ધ કર્મશીલોએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન જાહેર સભાઓ, શિબિરો, જુથ બેઠકો, પરિસંવાદો, ખાટલા બેઠકો, સંગીતના કાર્યક્રમો, શેરી નાટકો, ચર્ચા પત્રો, લેખો, પત્ર – પત્રિકાઓ, ચબરખીઓ, પત્ર વ્યવહારમાં પોસ્ટકાર્ડ ઝુંબેશ અને હવે તો હાથ વગુ થયેલ સોશ્યલ મિડિયા દ્વારા વસ્તી ગણતરીમાં બૌદ્ધ લખાવો અભિયાન શરૂ કરવું જોઈએ.
આંબેડકરી બૌદ્ધ સંસ્થાઓ અને કર્મશીલોએ વર્ષ ૨૦૨૦-૨૧માં એક મુદ્દાનો કાર્યક્રમ લઈને જ પ્રવૃત્તિઓ કરવી જોઈએ, જરૂર જણાય તો તમામ આંબેડકરી – બૌદ્ધ સંસ્થાઓએ જિલ્લા અને તાલુકા મથકોએ જાગૃત કર્મશીલોની કામચલાઉ સમિતિઓ આ કામગીરી માટે બનાવવી જોઈએ અને આ સમિતિઓએ વસ્તી ગણતરી દરમિયાન આંબેડકરી – બૌદ્ધ સમાજને માર્ગદર્શન આપવું જોઈએ.
વસ્તી ગણતરીમાં બૌદ્ધ લખાવો એ અભિયાન હેઠળ જે લોકોએ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે એ તમામ લોકોએ વસ્તી ગણતરીમાં બૌદ્ધ તરીકે ફરજીયાત નોંધણી કરાવવી જોઈએ. વસ્તી ગણતરીના પત્રકમાં બૌદ્ધ ધર્મનો ક્રમાંક ૫ (પાંચ) હોઈ ગણતરીદાર વસ્તી ગણતરી કરવા આવે ત્યારે ધર્મના કોલમમાં ૫ (પાંચ) સામે જ નોંધ કરે એ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ગણતરીદારો મોેટેભાગે સરકારી કર્મચારીઓ હોય તેઓ અગાઉની જૂની માહિતી સાથે આવતા હોય છે. ગામડાઓમાં સરપંચ, તલાટી કે ગામના કોઈ અગ્રણી વ્યક્તિના ઘરે / ઓફિસે બેસીને જ આ કામગીરી કરતા હોય છે, એટલું જ નહીં ગણતરીદારો ઓફિસના સમય દરમિયાન બપોરે નોંધણી માટે આવતા હોય ઘરના મુખ્ય વ્યક્તિ કામ / ધંધા કે નોકરી વ્યવસાયના સ્થળે હોય પોતાના રહેઠાણે હાજર હોતા નથી પરિણામે ગણતરીદારો અગાઉની જુની માહિતીના આધારે જ નોધણી કરી લેતા હોય છે.
સરકારી કર્મચારીઓ પોતાની મૂળ ફરજો ઉપરાંત આ વધારાની કામગીરી કરતાં હોય રાષ્ટ્રની આ અતિ સંવેદનશીલ અને મહત્વની કામગીરીમાં ગંભીરતા દર્શાવતા નથી અને માથે આવી પડેલ આ કામગીરી પુરી કરવામાં જ ઈતિશ્રી માનતા હોય છે.
આંબેડકરી – બૌદ્ધ સંસ્થાઓ અને પ્રતિબદ્ધ કર્મશીલોએ પોત – પોતાની રીતે પોતાની સંસ્થાના નામે, વ્યક્તિગત પોતાના નામે કે મિત્રોને કામચલાઉ સમિતિઓના નામે પત્રિકા, પોસ્ટર કે અપીલ છપાવી ‘વસ્તી ગણતરીમાં બૌદ્ધ લખાવો’ અભિયાન અત્યારથી જ શરૂ કરવું જોઈએ.

Related posts

મોદી વિરૂદ્ધ કોંગી નેતાઓના શબ્દો આઘાતજનક : પંડ્યા

aapnugujarat

હાર્દિકનું હળવું વલણ : કોંગીને ૬ઠ્ઠી સુધીનું આપેલું અલ્ટિમેટમ

aapnugujarat

रामोल में जिला पंचायत की स्कूल में सीलिंग की परत टूटने पर विद्यार्थियों में भगदड ़मची

aapnugujarat

Leave a Comment

UA-96247877-1