Aapnu Gujarat
ગુજરાત

આહવાન ફાઉન્ડેશન દ્વારા શિક્ષક મિત્રો આપી રહ્યા છે ગરીબ બાળકોને શિક્ષણ અને સંસ્કાર

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના શિક્ષકો દ્વારા એક સુંદર કાર્ય કરવામાં આવી રહ્યું છે. સમાજના છેવાડાનાગરીબ અને વંચિત બાળકોને શિક્ષિત કરવાનું કામ શિક્ષકો કરી રહ્યા છે. આ કાર્ય તેમની ફરજના ભાગરૂપે નહીં પરંતુ શાળાએ ના જઈ શકતા ગરીબ અને વંચિત બાળકોને શિક્ષિત કરવા સાથે તેમનામાં સારા સંસ્કારોનું સિંચન કરવામાં આવે તે હેતુથી રવિવારના દિવસે હિંમતનગરમાં આવેલ જુદી-જુદી ઝુંપડપટ્ટીઓમાં જઈ બાળકોને શિક્ષણ આપવાનું કામ કરે છે. આ શિક્ષક મિત્રોએ પોતાના આ કાર્યને એક નામ આપ્યું છે આહવાન ફાઉન્ડેશન. આ કાર્ય સાથે સંકળાયેલ શિક્ષક ભાવેશભાઇ – આચાર્યશ્રી લીલાવંટા પ્રાથમિક શાળા જણાવે છે કે આહવાન ફાઉન્ડેશન છેલ્લા ત્રણ વર્ષથી ગરીબ વિદ્યાર્થીઓ માટે વસ્ત્ર વિતરણ તથા અન્નદાનનું કાર્ય કરી રહ્યું છે. દિવાળીના તહેવારમાં બાળકોને ફટાકડા તથા મિઠાઈનું પણ વિતરણ કરવામા આવે છે. હિંમતનગર કેનાલ પટ્ટી વિસ્તારના ગરીબ બાળકોની મુલાકાત લેતાં માલુમ પડયું કે તેઓ શાળાએ શિક્ષણ મેળવવા માટે જતાં જ નથી. આ સાંભળતા જ થયું કે જો આ બાળકો અભ્યાસ માટે સ્કૂલમાં નહીં જાય તો તેમનું જીવન તેમના માતા-પિતાની જેમ મજૂરી કરતા કરતા જ પૂરૂં થઈ જશે. આ વિચારે શરૂ કર્યું આહવાન ફાઉન્ડેશન. દરેક બાળકમાં કંઈક ને કંઈક વિશેષતા હોય છે તેની આ વિશેષતાને આગળ લાવવા દર રવિવારે આહવાન ફાઉન્ડેશનના મિત્રો આવા બાળકોને પ્રાર્થના, અભિનય ગીત, બાળકોમાં મૂલ્યોનું સિંચન થાય એ માટે બાળ વાર્તાઓ, મહાપુરૂષોના જીવન ચરિત્રો, પાયાનું શિક્ષણ તથા શારીરિક રીતે તેઓ સક્ષમ બને માટે વિવિધ પ્રકારની રમતો પણ રમાડવામાં આવે છે. આ ફાઉન્ડેશનના સ્થાપક હિતેશભાઇ (પરફેક્ટ સ્કુલ) જણાવે છે કે બાળકોના શિક્ષણની સાથે ટૂંક સમયમાં બાળકો ઉપરાંત તેમના વાલીઓને શિક્ષિત કરવા માટેનો કાર્યક્રમ ગોઠવવાનો છે. કારણ કે જ્યાં સુધી માતા-પિતામાં સારી આદતો નહીં ઉમેરાય ત્યાં સુધી બાળકોમાં પણ એ નહીં જ આવે. બાળકો પોતાના માતા પિતાને પગલે ચાલે છે, બાળકોને રોજ નહાવાનું તથા વાળ ઓળવાનું રાખે, નખ નિયમિત કાપે વગેરે પણ શીખવવામાં આવે છે. તદઉપરાંત તેઓને ધાર્મિક શિક્ષણ પણ આપવામાં આવે છે. સ્વચ્છતાનું મહત્વ એમને સમજાય એ માટે તેઓ વચ્ચે કેમ્પસમાંથી કોણ સૌથી વધુ કચરો ભેગો કરી લાવે છે એવી રમત રમાડી વિજેતાને ઇનામ આપવામાં આવે છે અને સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવે છે. આ બાળકો ઘરે જઈને પણ સ્વચ્છતા વિશે પોતાના માતા-પિતાને સ્વચ્છતાનું મહત્વ સમજાવે તે માટે તેમને સમજ આપવામાં આવે છે જેથી પુજ્ય બાપુના ‘સ્વચ્છ ભારત’ના સપનાને સાકાર કરી શકાય.
આ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા નર્સિંગ કોલેજ ભાડુના લેક્ચરર ભાર્વિબેન જણાવે છે કે આ વિસ્તારના યુવાનો વ્યસન મુક્ત બને તથા એમનામાં રહેલા વિશિષ્ટ કૌશલ્યને ઉજાગર કરી સારી રીતે રોજગારી પ્રાપ્ત કરી શકે એવા પ્રયત્નો પણ આહવાન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે જ્યારે આપણે રવિવારે રજાની મજા લઈ આરામ કરતા હોઇએ છીએ પરિવાર સાથે સમય વિતાવતા હોઇએ છીએ ત્યારે આ કર્મયોગીઓ સમાજના ગરીબ અને શાળાએ ન જઈ શકતા બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાનુ ઉમદા કાર્ય કરે છે. આહવાન ફાઉન્ડેશન સાથે જોડાયેલા અન્ય મિત્રો પ્રથિક ઠકકર ખાંધોલ પ્રાથમિક શાળા, મુક્તેશ વ્યાસ નુતન હાઇસ્કુલ કુશલપુરા તા. ભીલોડા, નીતીનભાઇ પટેલ, કનુભાઈ, હાર્દિકભાઈ, જયશ્રીબેન, ચૈતાલીબેન દરજી, હર્ષભાઈ વગેરે દર રવિવારે પોતાનો અમૂલ્ય સમય આ કાર્યમાં ફાળવે છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

મ્યુનિ. હેલ્થ વિભાગની સખ્ત કાર્યવાહી : મીઠા માવા, દહી સહિતના સેમ્પલ અપ્રમાણિત જાહેર

aapnugujarat

બિસ્માર રસ્તાનાં લીધે રતનપોળમાં ચાલવું જોખમી બન્યું

aapnugujarat

પાટણનાં વામૈયા ગામમાં અનુસુચિત જાતિના યુવકને માર મરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1