Aapnu Gujarat
ગુજરાત

બિસ્માર રસ્તાનાં લીધે રતનપોળમાં ચાલવું જોખમી બન્યું

અમદાવાદ શહેરની આગવી ઓળખ સમી રતનપોળ તેની બિસ્માર સ્થિતિને લઇ ચર્ચાનું કેન્દ્ર બની છે. દેશ અને દુનિયામાં સાડી, ચણિયાચોળી, સલવાર કે શેરવાની સહિતના લેટેસ્ટ ટ્રેન્ડ અને ભાતભાતની એકથી એક ચઢિયાતી પેટર્નના વસ્ત્રો માટે રતનપોળ ભારે ખ્યાતિ ધરાવે છે. ખાસ કરીને લગ્નસરા સહિતના શુભપ્રસંગો માટે લોકો દૂરદૂરથી ખાસ રતનપોળમાં ખરીદી કરવા માટે આવતા હોય છે. રતનપોળના મહાજન માર્કેટનું દૈનિક ટર્નઓવર જ હજારો કરોડમાં થવા જાય છે પરંતુ છેલ્લા દોઢ મહિનાથી રતનપોળમાં ગાંધીરોડ અને ગોલવાડથી લઇ રિલીફરોડ સુધીના આખા પટ્ટાના રસ્તાને બિલકુલ ખોદી કાઢવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રતનપોળમાં આરસીસી-પીસીસી રોડ અને પેવર બ્લોક નાંખી તેની કાયાપલટ કરવાનો એક ઉત્સાહી પ્રોજેકટ હાથ ધર્યો હતો, જે પંદર દિવસમાં પૂર્ણ કરવાની અમ્યુકો સત્તાધીશોએ બડાઇઓ હાંકી હતી પરંતુ આજે દોઢ મહિના બાદ પણ કામગીરી પૂર્ણ થઇ નહી હોવાના કારણે સેંકડો વેપારીઓ-મહાજનો હેરાન-પરેશાન સાથે ત્રાહિમામ્‌ પોકારી ગયા છે. હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે ત્યારે વેપારીઓ વેદના ઠાલવી રહ્યા છે કે, ખાસ કરીને અમદાવાદ શહેર તેમ જ રાજય અને રાજય બહારથી આવતા લોકોને ચાલતા પણ ના ફાવે તે હદે ખાડા ખોદી નંખાયા છે, જેના કારણે નાગરિકોને પગ મચકોડાઇ જવાની અને ફ્રેકચર થઇ જવાની દહેશત પ્રવર્તી રહી છે. તેની સીધી અસર તેમના ધંધા-રોજગાર પર પડી રહી છે. બીજીબાજુ, અમ્યુકો સત્તાવાળાઓ ધૂળેટી સુધીમાં કામ પતાવી દેવાનું આશ્વાસન આપી રહ્યા છે. તો, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ કોંગ્રેસના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષીએ પણ આ મામલે શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કરી તેના અણઘડ આયોજનનો ગંભીર આરોપ લગાવ્યો હતો અને સાથે સાથે વેપારીઓ-મહાજનો ઉપરાંત ખરીદી કરવા આવનાર નાગરિકો ખાસ કરીને મહિલાઓ-યુવતીઓની હાલાકીને ધ્યાનમાં લઇ તાત્કાલિક ધોરણે પ્રોજેકટની કામગીરી પૂર્ણ કરવા માંગણી કરી છે.
અમ્યુકો દ્વારા જનરલ બજેટમાંથી રૂ.૫૦ લાખની જોગવાઇ કરી રતનપોળના રસ્તાને સુંદર અને સુઘડ બનાવવાનું આયોજન હાથ ધરાયું હતું અને તેના ભાગરૂપે તા.૨૮મી ડિસેમ્બરે આ પ્રોજેકટ અંતર્ગત કામગીરી શરૂ કરાઇ હતી અને આખી રતનપોળના અંદરના રસ્તાઓને ખોદી કાઢવામાં આવ્યા હતા. રોડ ખોદાઇ જતાં ઇલેક્ટ્રીક કેબલ પણ નવેસરથી નાંખવાનું નક્કી કરાયું હતું, તો ગટરલાઇન અને વરસાદી પાણીની લાઇનની સફાઇ કરવાનું હતું પરંતુ ગોલવાડથી રિલીફરોડ પીસીસી બિછાવી કામ શરૂ કરાયુ, એ જ વખતે ગટરલાઇન પણ સાફ કરવાનું નક્કી થયું. રોડથી ૧૦ ફુટે જ મેનહોલ ચોકઅપ છે પરંતુ તેની સફાઇ કરવા કોઇ આવતું જ નથી, તેના કારણે પીસીસી બિછાવવાનું કામ અટકી પડયું છે. હવે ગટરલાઇન સાફ ના થાય ત્યાંસુધી પીસીસી ના બિછાવાય અને ત્યારબાદના કરવાના થતા ઇલેકટ્રીક કેબલ અને ટેલિફોન લાઇન નાંખવાના કામો પણ અટવાઇ પડયા છે. અમ્યુકો તંત્રને સહકાર આપવા અને કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે રતનપોળ વેપારી મહાજન દ્વારા તેમની દુકાનો અત્યારસુધીમાં ત્રણ વાર બંધ રાખવામાં આવી પરંતુ પરિસ્થિતિ જૈસે થે છે. રતનપોળ વેપારી મહાજન દ્વારા આ સમગ્ર મામલે અમ્યુકો સત્તાધીશોને વારંવાર રજૂઆત કરાય છે પરંતુ દર વખતે તેમને નવી મુદત મળે છે અને હવે સત્તાધીશો ધૂળેટી પહેલા કામગીરી પૂર્ણ થઇ જશે તેવું આશ્વાસન આપી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ કોંગ્રેસના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષીએ શાસક પક્ષ ભાજપના અણઘડ વહીવટ અને બિનકાર્યક્ષમ આયોજનની ભારોભાર ટીકા કરી હતી અને વેપારી-મહાજનભાઇઓની મુશ્કેલી જ નહી પરંતુ રતનપોળમાં ખરીદી કરવા આવનાર હજારો નાગરિકો ખાસ કરીને મહિલાઓ-બહેનોની હાલાકી સમજીને તાત્કાલિક ધોરણે આ પ્રોજેકટની કામગીરી પૂર્ણ કરવા માંગણી કરી હતી.

Related posts

ડભોઈ જનતા નગરનો પ્રવેશ માર્ગ કાદવ કીચડમાં ગરકાવ

editor

विभिन्न योजना का लाभ पहुंचाने के लिए मोबाइल एप का शुभारंभ

aapnugujarat

સાબરમતી જેલમાંથી કુખ્યાત આરોપીઓ પાસે ફોન કબજે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1