Aapnu Gujarat
ગુજરાત

અજવાળું પાથરતા હિંમતનગરના માનસિક દિવ્યાંગ બાળકો

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આવેલ “સાબરકાંઠા ચેરીટેબલ ટ્ર્‌સ્ટ” સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા જ્યાં કોઇ પણ ફી વગર માનસિક દિવ્યાંગ બાળકોની શાળા સાથે હોસ્ટેલ ચલાવવામાં આવી રહી છે. આ સંસ્થામાં ૮ થી ૨૫ વર્ષ સુધીના દિવ્યાંગ બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. શિક્ષકગણ ૮ અને અન્ય કુલ ૨૩ જેટલો સ્ટાફ આ સંસ્થામાં છે જે આ બાળકોની સંભાળ રાખે છે.
દિવાળીને હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે “દેવના દીધેલા” આ સંસ્થાના માનસિક દિવ્યાંગ બાળકો દિવાળીનું અજવાળુ પાથરવા ખુબ જ સુંદર દીવા બનાવી રહ્યાં છે. આ બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવે છે. આ બાળકોને પ્રવૃતિશીલ રાખવાની સાથે-સાથે તે પોતે પગભર બને અને ભવિષ્યમાં આર્થિક ઉપાર્જન કરી શકે તે માટેની તાલીમ શિક્ષણની સાથે આપવામાં આવે છે.
વહીવટી સંચાલક જીતુ પટેલ જણાવે છે કે આ સંસ્થાના ૧૮ વર્ષથી ઉપરના બાળકોને વિવિધ વસ્તુઓનું નિર્માણ કરતાં શીખવવામાં આવે છે. આ દિવાળી નિમિત્તે આ બાળકો પાસેથી ૨૦૦૦ જેટલા દીવા તૈયાર કરાવામાં આવ્યાં છે. આ બાળકોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી આ તાલીમ આપવામાં આવે છે. તેઓએ વધુમાં જણાવ્યું કે આ બાળકોએ બનાવેલા આ દીવડાઓ માટે તેઓ સ્થાનિક કક્ષાએ જ વેચાણ કરે છે. આ વેચાણ ન નફો કે ન નુકશાનના ધોરણે કરવામાં આવે છે. ૧૮ વર્ષથી ઉપરના બાળકોના પુનઃસ્થાપન માટે પગલુછણીયા, મીણબત્તી, કોડિયા, તોરણ, ઝુમર, કવર, ફૂલના બુકે તેમજ રાખડીઓ બનાવતા શીખવવામાં આવે છે.
ઉધોગ શિક્ષિકા જીજ્ઞા મહેતા જણાવે છે કે આ બાળકોને આ રીતનું શિક્ષણ આપવા માટે ખુબ જ ધીરજ અને ખંતની જરૂર પડે છે. આ બાળકોને સતત સાથે રહીને આ કાર્ય કરવું પડે છે. આવી પ્રવૃત્તિ કરવી આ બાળકોને ખુબ ગમે છે પરંતુ તેમનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. આ બાળકોના શણગારેલા દિવડામાંથી રેલાતો પ્રકાશ તેમના મનની પવિત્રતાનુ પ્રતિક છે.
બીજા એક શિક્ષિકા પ્રિયંકા પટેલ જણાવે છે કે માનસિક રીતે દિવ્યાંગ બાળકોને કોઇ પણ પ્રવૃત્તિ કરાવવી અને તેમાં પરોવી રાખવા ખુબ જ મુશ્કેલ કામ છે. આ બાળકો ખુબ જ ચંચળ હોય છે સાથે એટલા જ સંવેદનશીલ હોય છે. આ સંસ્થામાં ૧૨૦ બાળકો રહે છે તેમનુ ઘર તેમની શાળા બધુજ આ સંસ્થા જ છે. તેથી તેમને હળવો નાસ્તો બનાવવો કે બનાવવામાં મદદ કરવી, આ બાળક પોતાની દૈનિક ક્રિયાઓ પોતે કરી શકે તે પણ તેમને આ સંસ્થામાં શીખવવામાં આવે છે. ઘરમાં અન્ય સભ્યો સાથે કેવી રીતે રહેવુ અને વર્તન કરવું, જાહેરમાં કેવી રીતે વર્તવુ વગેરે તેમને પ્રેમથી અને ધીરજથી શીખવવામાં છે. આ બાળકોમાં વાચા ખીલવણી થાય તે માટે નિષ્ણાતોની સલાહ પ્રમાણે તાલીમ આપવામાં આવે છે.
આ સંસ્થાના બાળકો અન્ય બાળકોની જેમ રમતગમતમાં ખુબ જ આગળ છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થા, હિંમતનગર- સાબરકાંઠા તેમજ ગુજરાતનુ નામ રોશન કર્યું છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

પક્ષમાં નિષ્ઠાથી કામ કરો નહીં તો જગ્યાને ખાલી કરો : સાતવ

aapnugujarat

બાપુએ કહ્યું હું કોંગ્રેસમાં જ છું છતાં પણ અટકળનો દોર

aapnugujarat

જમાલપુર અને રાયખડમાં સેનેટાઈઝની કામગીરી કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1