ઇપીએફઓના યૂનિવર્સલ એકાઉન્ટ નંબરના અને આધારના ડેટામાં ઘણા તફાવત હોવાના કારણે કેન્દ્ર સરકારની બે પ્રકારની રોજગાર યોજનાઓ સાથે જોડાયેલા એક લાખથી વધુ લોકોના પ્રોવિડન્ટ ફંડના ક્લેમનો હજુ સુધી નિકાલ થઈ શક્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાંથી એક લાખ લોકો વડાપ્રધાન રોજગાર પ્રોત્સાહન યોજના સાથે જોડાયેલા છે.
ભારત સરકાર દ્વારા ઓગસ્ટ ૨૦૧૬માં ઓર્ગેનાઇઝ્ડ સેકટરમાં નોકરી વધારવા માટે વડાપ્રધાન રોજગાર પ્રોત્સાહન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જેના અંતર્ગત એકાઉન્ટ ધરાવતા નવા કર્મચારીઓને ભારત સરકાર તરફથી પ્રારંભિકના ત્રણ વર્ષ દરમિયાન ૮.૩૩ ટકા કોન્ટ્રીબ્યૂશન આપવામાં આવે છે.
કર્મચારીઓ (એમ્પ્લોઇઝ)ના વેરિફિકેશનનું કામ ઇપીએફઓ દ્વારા કરવામાં આવે છે. આ વેરિફિકેશનની પ્રક્રિયામાં સમાવિષ્ટ લોકોને તેમના યૂનિવર્સલ એકાઉન્ટ નંબરને તેઓના આધાર કાર્ડ નંબર સાથે લિંક કરવાનો હોય છે. જો પ્રક્રિયામાં ગરબડ હોય તો તેને તા. ૩૦ જૂન સુધી ઠીક કરવામાં આવે છે.આ મામલે ઇપીએફઓ દ્વારા પોતાના દરેક ફિલ્ડ ઓફિસરોને કહ્યું છે કે આ ગરબડને આગામી તા. ૩૦ જૂન સુધી ઠિકઠાક કરી દેવામાં આવે.
આ અંગે ઇપીએફઓ કચેરી દ્વારા તેમના તમામ કર્મચારીઓને ગત તા. ૮ જૂનના રોજ એક લેટર ઇશ્યૂ કરી દેવામાં આવ્યો છે.ઇપીએફઓ કચેરી દ્વારા તેના તમામ ફિલ્ડ ઓફિસર્સને એવો નિર્દેશ કરવામાં આવ્યો છે કે તેઓ પહેલા તો એ વાતને સુનિશ્ચિત કરે કે એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ ૧૯૯૫થી જોડાનારા દરેક કર્મચારીની આધાર કાર્ડની માહિતી પ્રાપ્ત થઇ શકે. ઇપીએફઓની કચેરીનો આ નિયમ આગામી તા. ૧ જુલાઇ, ૨૦૧૭થી લાગૂ થશે.