કતાર પર તેના પડોશી દેશો દ્વારા પ્રતિબંધ લાદવામાં આવતાં ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલના દેશોમાં કામગીરી કરતા ભારતીય જ્વેલર્સ માટે ચિંતા વધી છે. જ્વેલર્સ કહે છે કે આ પ્રદેશમાં વેચાણમાં ઘટાડો નોંધાયો છે કેમ કે કતારના ખરીદદારો ઊંચા મૂલ્યની આઇટમ્સ પસંદ કરતા હોય છે પરંતુ તેઓ બજારમાં ગેરહાજર છે.ટ્રેડર્સ કહે છે કે તેમને આશા છે કે જૂનના છેલ્લા સપ્તાહ સુધીમાં પરિસ્થિતિ ફરી સાધારણ થઈ જશે. તે સમયે ઈદ-ઉલ-ફિત્રના કારણે આ પ્રદેશમાં સોનાનું વેચાણ વધી શકે. ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયા, બહેરિન, ઇજિપ્ત અને યુનાઇટેડ આરબ અમિરાતે ઓઇલ અને ગેસથી સમૃદ્ધ એવા કતાર સાથેના સંબંધો તોડી નાખ્યા છે અને કતાર પર ત્રાસવાદને સમર્થન આપતા હોવાનો આક્ષેપ કર્યો છે.
મુંબઈ સ્થિત પોપ્લી જૂથના ડિરેક્ટર રાજીવ પોપ્લીએ જણાવ્યું હતું કે, સંબંધો બંધ કરવાની જાહેરાત બાદ સોનાનાં આભૂષણોના ઉપાડમાં ઘટાડો થયો છે. લક્ઝરી આઇટમ્સને સંબંધ છે ત્યાં સુધી કતાર એક પરિપક્વ બજાર છે. કતારના રહેવાસીઓ દુબઈમાંથી ઘણા બધા ઝવેરાતની ખરીદી કરે છે.પીએનજી જ્વેલર્સના ચેરમેન સૌરભ ગાડગીલે જણાવ્યું હતું કે, અમે દુબઈમાં પણ વેપાર કરીએ છીએ. રમજાન દરમિયાન કદાચ ખરીદી ઊંચકાય નહીં પરંતુ ઈદ પછી પશ્ચિમ એશિયામાં લોકો ભારે ખરીદી કરે છે. અમને આશા છે કે તે સમય સુધીમાં સમસ્યાનો હલ નીકળી જશે.૨૦૧૭ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન પશ્ચિમ એશિયામાં સોનાની માંગ ૫૪.૬ ટન નોંધાઈ હતી, જે એક વર્ષ અગાઉના સમયની સરખામણીએ લગભગ સમાન છે, તેમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો અહેવાલ જણાવે છે. જોકે, ઈરાનમાં સુધરતા અર્થતંત્ર વચ્ચે જ્વેલરીની માંગમાં ૨૭ ટકાનો ઉછાળો જોવાયો હતો, જે ચાર વર્ષની ઊંચી સપાટીએ ૧૨.૯ ટન નોંધાયો હતો. મધ્યસ્થ બેન્ક તરફથી સોનાના સિક્કાનો અભાવ હોવાના કારણે આ સેક્ટરને રોકાણરૂપી ખરીદીનો પણ ટેકો મળ્યો હતો.ઓઇલની નીચી કિંમત તથા પ્રવાસીઓની પડેલી સંખ્યાના કારણે બાકીના પ્રદેશોમાં માંગ નબળી જળવાઈ હતી, સોનાની વધતી કિંમતના કારણે તેની અસર વધારે વ્યાપક બની હતી. યુએઇએ પાંચ ટકા આયાત જકાત લાદી જ છે ત્યારે તે દેશમાં સંબંધિત રીતે માંગમાં વધારો નોંધાયો હતો કેમ કે છેવાડાના વપરાશકાર પર તેની સંપૂર્ણ અસર દેખાય તે અગાઉ સોનાની ખરીદી કરવા માટે ગ્રાહકોનો ધસારો નોંધાયો હતો.પશ્ચિમ એશિયામાં મજબૂત હાજરી ધરાવતા જોયાલુક્કાસ જૂથના ચેરમેન જોયાલુક્કાસે જણાવ્યું હતું કે, હાલના તબક્કે કતાર પરના પ્રતિબંધની તેમના બિઝનેસ પર કોઈ અસર થઈ નથી.