રોકાણકારોએ મે મહિનામાં મ્યુચ્યુઅલ ફંડની વિવિધ સ્કીમમાંથી એક અંદાજે રૂ. ૪૧ હજાર કરોડથી વધુની રકમ પાછી ખેંચી લીધી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ લિક્વિડ ફંડ્સમાં રોકાણકારોએ સૌથી વધુ વેચાણ કર્યું છે. આ અગાઉના મહિનામાં એટલે કે એપ્રિલમાં મ્યુચ્યુઅલ ફંડની વિવિધ સ્કીમમાં આશરે રૂ. ૧.૫૧ લાખ કરોડ રોકાણ કર્યું હતું.બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે લિક્વિડ સ્કીમમાં ખૂબ જ ઊંચો ઇનફ્લો અને આઇટફ્લો જોવા મલતો હોય છે. તેની પાછળનાં મુખ્ય કારણોમાં આવા ફંડ્સમાં કંપનીઓ ટૂંકા ગાળા માટે રોકાણ કરતી હોય છે, જોકે ઇક્વિટી બેલેન્સ્ડ અને ડેટ ફંડ્સમાં રોકાણ પ્રવાહ હજુ પણ મજબૂત રહ્યો છે. એસોસિએશન મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા-એમ્ફીના પ્રાપ્ત થયેલા ડેટા મુજબ મે દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી રૂ. ૪૦,૭૧૧ કરોડ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. આને ધ્યાનમાં લીધા બાદ ચાલુ નાણાકીય વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાં કુલ રોકાણ આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડનું રહ્યું છે.